નોટ આઉટ @ 81: મેજર સુબોધ દેસાઈ

1971ની બાંગ્લાદેશની લડાઈમાં મુક્તિ-વાહિનીમાં રહી લુંગી-કુરતો પહેરી લડ્યા અને ગંગાસાગર રેલ્વે-સ્ટેશન કેપ્ચર કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો એવા મેજર સુબોધ દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ વલસાડમાં, ત્રણ ભાઈ, એક બહેનનું કુટુંબ, તેઓ સૌથી નાના. પિતા રેલવેમાં ક્લાર્ક હતા. ચાર વર્ષની ઉંમરે તેમણે પિતા ગુમાવ્યા. વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ નજીકના કુટુંબી. પારસી-સ્કૂલ વલસાડમાં અભ્યાસ કર્યો. કોલેજ વડોદરાથી કરી. “જીવનમાં કંઈક કરવું હતું” એટલે 1962માં ઘેરથી ભાગી ગયા! એરમેન તરીકે એરફોર્સ જોઈન કર્યું. 1965ની લડાઈમાં રડાર-યુનિટમાં હતા. 1967માં યુપીએસસીની પરીક્ષા આપી આર્મી(ભારતીય-સેના) જોઈન કરી, 1969માં ક્લાસ-વન ઓફિસર બન્યા. 1971ની વોર મુક્તિ-વાહીની જોઈન કરીને લડ્યા. ગંગાસાગર સ્ટેશન એટેકમાં પગને ગોળી ઘસાઈને ગઈ(ગ્રેસ-પાસ), આજે પણ ઘસરકો દેખાય છે! મેઘના(બ્રહ્મપુત્રા) નદીને કિનારે ચાર કલાક કબ્રસ્તાનમાં સુતા! ધનમંડી જઈ તેમની ટીમે  બેગમને (મુજીબુર રહેમાનના પત્નીને) છોડાવ્યા! ધાંગધ્રા, દેવલાલી, તિબેટ-બોર્ડર, સિયાચીન-ગ્લેશિયર  વગેરે જગ્યાઓએ  પોસ્ટિંગ થયા. રિટાયર થઈ, વડોદરામાં કોર્પોરેટ સેક્ટરમાં(રોયલ કુશન, એલેમ્બિક કેમિકલ્સ વગેરે કંપનીઓમાં) કામ કર્યું, બે સ્કૂલો ઊભી કરી તથા  વિજય-વલ્લભ સાર્વજનિક હોસ્પિટલમાં સેવાઓ આપી.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

એકદમ નિયમિત જીવન! સાડા-પાંચે ઊઠે, જાતે ચા બનાવે અને તૈયાર થઈ બે-અઢી કલાક (6.00:8:30) ચાલે. 9:00-10.00 બગીચામાં મન-ગમતું કામ કરે. બારેમાસ ખીલેલો બગીચો તેમની માવજતનું પરિણામ! ત્યારબાદ ઘરમાં, સોશિયલ કે કોર્પોરેટ્સમાં, જરૂર હોય ત્યાં મદદ કરે. જમીને  બપોરે થોડો આરામ કરે. સાંજે મિત્રો તથા સગાં સંબંધીઓને હળવા-મળવાનું ચાલે. ઘણાં કુટુંબીઓ અને મિત્રો વડોદરામાં નજીકમાં રહે છે અને સોશિયલ-સર્કલ મોટું છે!

શોખના વિષયો : 

બાગકામ કરવું બહુ ગમે. ૧૩ ઇંચના દહાલીયા ઉગાડવા માટે ઇનામ મળ્યું છે! ‘બાગકામ’ વિષય ઉપર ઘણા આર્ટીકલ લખ્યા છે. વાંચન-લેખનમાં સારી રૂચી. મિત્રો માટે સુંદર-તંદુરસ્ત છોડવા ભેટમાં આપવાનો શોખ! સ્પોર્ટ્સનો બાળપણથી શોખ. ટીવી ઉપર ક્રિકેટ અને સ્પોર્ટ્સ-ન્યૂઝ જરૂર જુએ.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત ઘણી સારી છે. રોજના 12-13 કિલોમીટર ચાલે! બીપીનો સામાન્ય પ્રોબ્લેમ છે પણ એકંદરે કોઈ તકલીફ નથી. પત્ની ઇલાબહેન સારું ધ્યાન રાખે છે! એક પુત્ર (બ્રિગેડિયર દેસાઈ, હાલ કોટા) અને એક પુત્રી(હાલ ન્યુઝીલેન્ડ, પૌત્રી રેડીઓલોજીસ્ટ) છે. ત્રણ પૌત્રીઓમાંથી એક પૌત્રી હમણાં સાથે રહે છે.

યાદગાર પ્રસંગ:  

ગંગાસાગર રેલવે-સ્ટેશન પર ઓબ્ઝર્વેશન-ઓફિસર એસેમ્બલી-એરિયામાં લાઉડ-થીંકીંગ કરી રહ્યા હતા. સુબોધભાઈને સિગારેટ પીવાનું મન થયું. એમણે બ્લેન્કેટ કાઢી દીવાસળીથી સિગારેટ સળગાવી. નજીકમાં દીવાસળીના પ્રકાશમાં કંઈક રેડિયમ જેવું ચમકતું દેખાયું. કોઈ પ્રાણી એમની નજીકમાં બેઠ્યું હોય તેવું તેમને લાગ્યું. સુબોધભાઈએ તેને થપથપાવ્યું. થોડી વારે ફરી આંખો દેખાઈ, ત્રીજી વાર પણ એવું થયું… ચોથી વાર એવું થયું એટલે સુબોધભાઈએ દીવાસળી સળગાવી ધ્યાનથી જોયું…..મોટો નાગ ગૂંચળું વાળીને પડ્યો હતો! ફેણ ઊંચી કરીને આંખોની કીકીઓ ફેરવતો હતો! ગભરાય તો સુબોધભાઈ કેવા! જરાય અવાજ ન થાય તેવી રીતે એમણે હિંમત અને સિફતથી કામ લીધું!

એકવાર દેવલાલીની ટેમ્પલ-હિલ-ક્લબમાં ફિલ્ડ-માર્શલ માણેકશા આવ્યા હતા. સોશિયલ ઇવનિંગમાં સુબોધભાઈ સાથે ઓળખાણ થઈ. બંને ગુજરાતીમાં વાતો કરતા હતા  ત્યાં સુબોધભાઈના પત્ની ઈલાબહેન આવ્યાં. તેમની સાથે પણ વાતો થઈ. માણેકશા  ખુશ થઈ ગયા અને કહ્યું : “દીકરી, તારે ઘેર જમવા આવીશ!”

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ડ્રાઇવિંગનો ખૂબ શોખ છે એ પણ નવી-ટેકનોલોજી જ થઈ ને? કોમ્પ્યુટર ઉપર ઘણું કામ કર્યું. હવે આંખો ખેંચાય છે એટલે ફોન્ટ મોટા કરીને કામ કરવું પડે છે. મોબાઇલનો સારો એવો ઉપયોગ કરે છે. તેમનો WHATS’APP તથા સોશિયલ-મીડિયામાં ઘણો સમય જાય છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ઘણો પોઝીટીવ ફેર છે. આર્મીમાં હવે તો ઘણા સારા વેપન્સ આવી ગયા છે, નવી-ટેકનોલોજીનો ઉપયોગ ઘણો સારો થાય છે એટલે ઘણી સગવડો થઈ છે, ત્યાં પ્રમોશનના પ્રોસ્પેક્ટસ પણ ઘણા સારા છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

યુવાનો સાથે બહુ ફાવે! પૌત્રી ઘરમાં રહે છે, કોલેજમાં ભણે છે એટલે તેનાં મિત્રો સાથે પણ ટચમાં છે! કુટુંબનાં અને સગાં-સંબંધીઓનાં બાળકોમાં સુબોધભાઈ પોપ્યુલર છે! યુવાનો સાથે યુવાનો જેવી વાત કરે એટલે બધાંને તેમની સાથે વાતો કરવી ગમે!

સંદેશો :  

આર્મી બહુ સરસ ઓર્ગેનાઇઝેશન છે. યુવાનોએ કેરિયર માટે તેનો ચોક્કસ વિચાર કરવો જોઈએ. ત્યાંથી રિટાયર થયા પછી પણ નોકરી માટે ઘણા સારા ચાન્સ છે.