લોકડાઉન ડાયરીઃ વાત લાગણીની, વાત જુસ્સાની…

લૉકડાઉન છે… ખમીર ડાઉન નથી!

દેશભરમાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા 24 માર્ચ, 2020ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના પહેલા લૉકડાઉનની જાહેરાત કરી એના છ મહિના નિમિત્તે સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’એ એક પહેલ કરી- લૉકડાઉનમાં થયેલા સકારાત્મક અનુભવો, લાગણીનીતરતા પ્રસંગો શૅર કરવાનું વાચકોને ઈજન દીધું…

અને ગણતરીના સમયમાં જ ‘ચિત્રલેખા’ના વૉટ્સઍપનંબર તથા ઈ-મેલના ઈનબૉક્સમાં લખાણનાં ઘોડાપૂર ઊમટ્યાં. હવે, ‘ચિત્રલેખા’ના અંકોમાં આ ચૂંટેલાં લખાણ પ્રસિદ્ધ થઇ રહયા છે ત્યારે અમુક કારણસર ‘ચિત્રલેખા’ સામયિકમાં જેનો સમાવેશ કરી શકાયો નથી એવાં કેટલાંક ચૂંટેલાં લખાણને અમે ગયા અઠવાડિયા અહીં પ્રકાશિત કર્યા હતા.

-પણ, ‘ચિત્રલેખા’ ને મળેલાં લખાણોની સંખ્યા જ એટલી વધારે હતી કે બધાનો સમાવેશ એક જ સાથે કરવાનું થોડું અઘરૂં હતું. ગયા અઠવાડિયે જે લખાણો અમે સમાવી શક્યા નહોતા એ હવે પ્રકાશિત કરીએ છીએ. વાંચો…

(1) અપોઈન્ટમેન્ટ વિથ ગૉડ!

(મુકુન્દભાઈ નાગ્રેચા, સાવરકુંડલા)

કોરોનાનું વિષાદયુક્ત વાતાવરણ ભારતમાં રચાય એ પહેલાં એટલે કે લૉકડાઉન પહેલાં અનાયાસ મારાં પુત્ર-પુત્રવધૂ, પૌત્રી-પૌત્ર અમને મળવા આવ્યાં. પછી તો એમનો ચાર માસનો સતત સહવાસ 1998 પછી આ પહેલી જ વાર થયો. આ દરમિયાન આત્મીયતા, એકબીજાની જરૂરિયાતની ખેવના, આદર,  સ્નેહની અને પરસ્પરના સ્વાસ્થ્યની જે કાળજી લેવાઈ તે સૌનાં હ્રદય પુલકિત કરી ગઇ. સૌ એકબીજાને ગમતું કરવા તત્પર રહ્યાં. મર્યાદિત ભોજન તથા અવનવી વાનગીઓનો રસથાળ સાથે બેસીને માણી શક્યાં. અમે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના, પૂજ્ય દાદાજીના વિચારોને વરેલા હોવાથી હંમેશાં રાત્રિની કુટુંબ પ્રાર્થના સૌ સાથે બેસીને કરતાં. તેનાં પરિણામસ્વરૂપ અમારાં સૌનાં મન શાંત-સ્થિર થઈ શક્યાં. છેક 1985-87માં પૂજ્ય દાદાજીએ મુક્કરર સમયે ભગવાન યોગેશ્વરને યાદ કરવાઃ ઍન અપોઈન્ટમેન્ટ વિથ ગૉડની વાત સહજભાવે સમજાવેલી. એ સમયથી આ જ સુધી, સમગ્ર વિશ્ર્વમાં લાખો શ્રદ્ધાળુ, ભગવાન યોગેશ્વર આપણી પ્રાર્થના સાંભળવા આપણા ઘરે આવે જ છે, એવું દઢતાથી સ્વીકારી પ્રભુનું સાંનિધ્ય અને સામીપ્ય માણે છે. મને મળેલા આધ્યાત્મિક વિચારોથી હું વંચિત રહ્યો હોત તો મારી સ્વસ્થતા ટકી હોત કે કેમ એ શંકા છે.

 


(2) નજીક લાવતું સામાજિક અંતર…..

(યોગેશ ન. જોશી, જૂનાગઢ)

 

પચીસમી માર્ચની સવાર એક સન્નાટો લઈને આવી. આપણે ઘણી મોટી આપત્તિઓ જોઈ છે. ભૂકંપ, પૂર ને વાવાઝોડામાં ભયંકર ખાનાખરાબી વેઠી છે. ભોં ભેગા થયા પછી તરત ઊભા થઈ જવાની તાકાત પણ છે આપણી પાસે, પણ આ સંકટ જુદું છે. કોરોના વાઈરસે માનવજાત સામે મોરચો માંડ્યો છે.

પ્રથમ લૉકડાઉન સમયે ભારતમાં હજુ ચેપ ફેલાયો નહોતો, પણ અમેરિકા અને અન્ય દેશોના હૃદય હચમચાવી નાખે એવા સમાચારો ટેલિવિઝન પર પ્રસારિત થઈ રહ્યા હતા. મૃત્યુના આંકડા રૂંવાડાં બેઠાં કરી દે એવા હતા. ન કોઈ દવા, ન રસી!  આ સમયમાં હું વિચારતો હતો કે શું કરી શકાય? એક-બે સંસ્થામાં શક્તિ મુજબ આર્થિક સહાય કરી. એક દિવસ મને અમારો ધોબી યાદ આવી ગયો. ફોન કરી એના હાલ પૂછ્યા. કાયમ પડકારા કરતો અવાજ ઢીલો પડી ગયો હતો. મેં એને બોલાવ્યો. થોડી રકમ આપી. એ જોઈ રહ્યો. મેં કહ્યું કે ધંધો બંધ છે ને તો આ રકમ તને કામ આવશે. એણે રકમ ગણી ને અડધી રકમ મને પાછી આપી, આટલા ઘણા. એના ચહેરા પર આછેરું સ્મિત ફરકી ગયું. ઘડી થંભી એણે કહ્યું, ‘સાહેબ, મારી બાજુમાં હેરકટિંગ સલૂન છે ને એ નાનુને બે નાની દીકરીઓ છે. પેલી રકમ એને…..’ મેં કહ્યું કે  લે લઈ જા. નાનુને આપી દેજે. એ બોલ્યો, ‘ના, ના. તમે રાખો. હું એને મોકલું હમણાં.’ એ ચાલ્યો ગયો. હું જોતો રહ્યો. સોશિયલ ડિસ્ટન્સિંગવાળી આ બીમારીએ માણસને માણસથી કેટલો નજીક લાવી દીધો છે? મને થયું, મહામારી તો આવશે અને જશે, પણ માનવતાને એ ક્યારેય નહીં મારી શકે.

 


(3) પ્રાર્થના-શ્રદ્ધાની અકસીર વેક્સિન

(યમિશા રવાણી, ભાવનગર)

 

ફોનની ઘંટડી રણકી… સામેથી માનો ધ્રૂજતો અવાજઃ બેટા, તારા પપ્પાનું આપણા ગામ તરફ જતાં એક્સિડન્ટ થયુ છે. આ શબ્દોએ મારા હદયમાં ભૂકંપ લાવી દીધો એ પણ એવી તીવ્રતાથી કે ફોન પર હું વળતા જવાબમાં કંઈ બોલી શકી નહીં. થોડી વારમાં અમારે હૉસ્પિટલ જવાનુ થયું, પરંતુ ઘરથી હૉસ્પિટલનો રસ્તો જાણે માઈલો દૂર બની ગયો હતો. પહોંચતાંની સાથે જ હૉસ્પિટલના ગેટ પર બોર્ડ જોયુઃ કોરોનાની મહામારીના કારણે દર્દી સાથે એક જ સભ્યને રહેવાની પરવાનગી છે. પછી એવું નક્કી થયું કે મા પાછી આવે પછી હું પપ્પા પાસે જઈ શકું.  પછી તો જેવી મારી મા બહાર આવી કે તરત જ હું દોડતી પપ્પા પાસે પહોંચી ગઈ. એમનો એક પગ અને એક હાથ ભાંગી ગયા હતા અને નાની નાની બીજી ઘણી ઈજા થઈ હતી. હું તો પપ્પાના બેડની બાજુમાં બેઠી હતી ત્યાં એક આધેડ ઉંમરના કોરોનાદર્દીને દાખલ કરવામાં આવ્યો. હૉસ્પિટલનો સ્ટાફ ઍક્ટિવ થઇ ગયો. મારા મનની પીડા સજાગતામાં  બદલાઈ ગઈ. ત્યાં મને કોઈના રડવાનો અવાજ સંભળાયો. મેં જોયું તો પેલા દર્દીની દીકરી રડી રહી હતી, ઉંમર કદાચ એની મારા જેટલી જ હશે. તેના પિતા દૂરથી સમજાવતા હતા કે, ધીરજ રાખ, હું થોડા જ દિવસોમાં સાજો થઈ જઈશ. આ દર્દીના શબ્દો સાંભળી મને વિચાર આવ્યો કે કદાચ ભગવાને જ મારા પપ્પાને એક્સિડન્ટથી બચાવ્યા હશે અને અત્યારે હું એમના ચહેરા પર આ હાસ્ય પણ ભગવાનના કારણે જ જોઈ શકતી હોઈશ. પછી હું એક ફિક્કુ હાસ્ય કરીને હૉસ્પિટલમાં રહેલા મંદિર પાસે જઈ બન્ને હાથ જોડી બસ પ્રાર્થના કરવાં લાગી. ખરેખર- શ્રદ્ધા અને પ્રાર્થના જેવી સંજીવની આ જગતમાં બીજે ક્યાંય નથી.

 


(4) વરહ હાયરા છીએ… જિંદગી નહીં

(વૈશાલી રાડિયા, જામનગર)

 

વ્યવસાયે હું ઉચ્ચ પ્રાથમિક શિક્ષિકા એટલે શરૂઆતમાં પછાત વિસ્તારમાં હાલાકી સાથે કવૉરન્ટાઇન થયેલા લોકોની મુલાકાતો સાથે સાથે ફરજના ભાગ રૂપે મારા વિદ્યાર્થીઓનો ફોનથી થતો સંપર્ક. ધીમે ધીમે એ નિર્દોષ બાળકો સાથેના ફોનમાં અમુક બાળકોનો પ્રેમ, તેમના વાલીઓના શબ્દો હૃદયતાર ઝણઝણાવતા રહ્યા….

‘ટીચર, તમને સારું તો છેને? અમને હવે ગમતું નથી!’

લૉકડાઉનની દૂરતાએ અહેસાસ આપ્યો કે પ્રેમ, લાગણીઓ, હૃદયની ઊર્મિઓ, નિર્દોષતાને લૉકડાઉન નથી લાગ્યું. એમ તો હું વર્ષોથી બાળકો સાથે લાગણીથી સંપર્કમાં તેમ છતાં નિયમિત દિવસોમાં અમુક બાળકો તરફ મારું ધ્યાન ફક્ત સારા કે નબળા વિદ્યાર્થી તરીકે રહેતું એમાંથી કોઈને ભવિષ્યના બિઝનેસમેન, પરિવારપ્રેમી, માયાળુ આત્મા ખાસ તો એની અંદરના સારા માણસને ઓળખી કે ભણવામાં નબળા હશે પણ એનામાં બીજા ઘણા ગુણ છે જેને મારે આ કોરોનાકાળ પછીના સમયમાં વિકસાવવાના છે. લૉકડાઉનના કપરા સમયમાં મોટા બિઝનેસ કે સારી નોકરીવાળાને પણ રોદણાં રડતાં અને ડાઉન થતાં જોયાં. એક દિવસ, મારા એક વિદ્યાર્થીની માતા, જે રસ્તા પર શાકભાજી વેચે છે એમને ફોનમાં મેં કહ્યું, ‘આ સમયમાં હિંમત રાખજો!’ ત્યારે એમનો જવાબ હતો, ‘બેન, વરહ હાયરા છીએ કાંઈ જિંદગી થોડી હાયરા છીએ?’ એમની ખુમારીથી મારા અંતરના તાર ઝણઝણી ઊઠ્યા અને એ શબ્દો સોંસરવા હૈયામાં ઊતરી ગયાઃ એક અભણ સ્ત્રી મને જિંદગીનો મોટો પાઠ ભણાવી ગઈ! બસ, એટલી ખુમારી હૈયે અમે રાખી છે… કપરા સંજોગોમાંય સુરત હસતી રાખી છે.

 

(5) ભીતરના તપની અવિરત યાત્રા

(શ્રદ્ધા ભટ્ટ, રાજકોટ)

 

ઠંડીગાર નિરાશામાં આશાનું એક નાનુંસરખું તણખલુંયે હૂંફ પૂરવા સક્ષમ હોય છે એનો અનુભવ મને મળ્યો પ્રકૃતિ પાસેથી. ફળિયે હીંચકે બેઠી હોઉં તો નજર સામે ડેઝર્ટ રોઝનો પ્લાન્ટ આવ્યા કરે એમ એને ગોઠવ્યો છે. એનાં ફૂલોનો ઊઘડતો ગુલાબી રંગ હીંચકાના લયની સાથે લય મેળવતો હસ્યા કરે, ને હું જોયા કરું. મન સાવ લાગણીશૂન્ય બની ફૂલ ખીલવાની એ ક્રિયાને ફક્ત એક ઘટના તરીકે જોઇ રહ્યું હતું. અને અચાનક જ અસલામત ભવિષ્યની કલ્પનાએ મન પર કબજો જમાવ્યો.  હીંચકાનો લય, ફૂલનું ગુલાબી હાસ્ય, મનની એ સ્થિર અવસ્થા – બધું જ વેરવિખેર થઈ ગયું. સ્થિતપ્રજ્ઞ અવસ્થા પર વિષાદનો પડછાયો મારી પર સવાર થઈ રહ્યો.

અચાનક મને શું સૂઝ્યું, તે હું ઊભી થઈ અને એ છોડ પાસે ગઈ. સૌથી મોટી ડાળીમાં બે લાંબી પતલી શિંગ આવેલી. આ શીંગ ફૂટે અને એમાંથી નાનાં હલકાં બી નીકળે, જે હવાની સાથે  દૂર દૂર વહી, યોગ્ય જગ્યા મળતાં છોડમાં પરિવર્તિત થાય! મે મહિનાનો આકરો તાપ અને એમાંય મારી આ અનિશ્ચિત સમયને લીધે નિરાશાજનક માનસિક સ્થિતિ. ક્યારેક દિવસો સુધી પૂરતું પાણી ન આપ્યું હોય તો ક્યારેક એક દિવસમાં ત્રણ વાર પાણી આપી નવડાવી દીધો હોય એને. છતાં એ અડીખમ ઊભો રહેલો. પાણીની ઓછી વધુ થતી માત્રામાં એનાં અમુક પર્ણો પીળા થઈને ખરીય પડેલાં. અઠવાડિયા સુધી તાજા રહેલાં ફૂલો બે દિવસમાં કરમાઈ જતાં છતાં એ ઊભો હતો, અડીખમ. તે દિવસે, છોડ પરની એ નાની એવી શિંગ મને બહુ મોટો પાઠ શીખવી ગઈ! પ્રતિકૂળ પરિસ્થિતિમાં શ્રદ્ધાની આંચ પર તપાવેલું મનોબળ કોઈને ય નવજીવન આપવા સક્ષમ હોય છે! તે દિવસથી શરૂ થયેલી મારી ભીતરના તપની યાત્રા આજ દિન સુધી અવિરત ચાલુ છે.

 


(6) ડરની આગળ જીત છે…

(સુનીલ ગોહિલ, ભાવનગર)

 

વ્યવસાયે હું  શિક્ષક. લૉકડાઉન જાહેર થયું એ પછી નવરા બેઠાં શું કરવું, કયા સમય પસાર કરવો એ સમસ્યા હતી. ટીવી ચાલુ કરો તો કોરોનાની મોંકાણના જ સમાચાર. પછી ઑનલાઇન ભણાવાનું શરૂ કર્યું. હકીકતમાં ઑનલાઇન ભણાવવાનું એ હાસ્યાસ્પદ મીમ જેવું છે. ન તો બાળકોને રસ ન તો શિક્ષકને. એક રાત્રે મારા પપ્પાને 103 ડિગ્રી તાવ ચડયો ને ઉધરસ આવવા લાગી. એ મારા પપ્પા ડાયાબિટિક છે ને કિડનીમાં પણ તકલીફ છે. મેં પારિવારિક ડૉક્ટરને ફોન કરી સલાહ અને દવા લખી આપવા કહ્યું, પણ તેમણે કોરોના રિપોર્ટ કરાવવા કહ્યું. તકલીફ એક જ હતીઃ મનમાં જબરજસ્ત ડર. કોરોનાનો. જાણે વ્યક્તિને એઇડ્સ ન હોય. આપણે પણ ભણેલાગણેલા હોવા છતાં, કોરોનાનાં લક્ષણ ખબર હોવા છતાં અફવામાં માનીએ છીએ. અમે પણ કંઈ એવું જ કરી બેઠાં. હકીકતમાં પપ્પાના શ્વેતકણ વધી ગયા હોવાથી તાવ-ઉધરસ-કફ થયાં હતાં. અગાઉ રિપોર્ટ કરાવેલો એમાં હતું જ અમારી સાથે. છેવટે નેગેટિવ રિપોર્ટ આવ્યો ત્યારે ઘરપત થઈ, પણ મિત્રો એ બે દિવસ જે અમે કાઢ્યા છે એવા જિંદગીમાં ક્યારેય કાઢ્યા નથી. આના પરથી એક તારણ પણ આવ્યોઃ જેટલાં મૃત્યુ કોરોનાથી નથી થતાં એટલા એના ડરને લીધે થાય છે. એટલું જ કહીશ કે, ડરો નહીં જાગ્રત બનો… અને સાચી માહિતીની આપ– લે કરો.

 


(7) 201 પરિવારની હૂંફ…

(સાહિલ (હર્ષલ બક્ષી) વડોદરા)

 

તીવ્ર ગતિ એ પોલીસવાન સોસાયટીના ગેટ પાસે આવી ને એફ ટાવર પાસે થોભી. ધડાધડ પોલીસ પલટન ઊતરી અને પાછળ દોડતા દોડતા આવી રહેલા સોસાયટીના ચોકીદારને પ્રશ્નો પૂછવા લાગી… ૨૦ મિનિટમાં તપાસ પૂર્ણ કરી પોલીસ નીચે ઊતરી. અર્ધા કલાકમાં ડૉક્ટરની ટીમ આવી અને પાંચમા માળે રહેતા પરિવારને તપાસી ને એમને, સિકયુરિટીને અને અમને જરૂરી સૂચના આપી રવાના થઈ. બીજા દિવસે કોર્પોરેશનની ટીમ આવી ને લાલ કલરનું લેબલ પેલા ફ્લૅટ પર મારી ગઈ અને એ પણ પૂરા ૧૮ દિવસ માટે. અમે જે તે ટાવરના સભ્યોને કવોરેન્ટાઈન થયેલા પરિવારની જરૂરિયાત વિશે સમજાવ્યું અને ભોગ બનેલા પરિવારને પણ હૈયાધારણ આપી કે સોસાયટી તમારી સાથે છે. ચિંતા કરશો નહિ. સમગ્ર સોસાયટીને સેનિટાઈઝ કરાવી… એ પરિવારની વાપસી દુબઈથી લૉકડાઉનના થોડા દિવસ પહેલા જ થઈ હતી પણ કોઈ જ બીમારી ના હોવાથી ૧૮ દિવસ હેમખેમ પસાર થઈ ગયા.

હા, આ મારી સોસાયટી અને હું સાહિલ. એનો એકમેવ સેક્રેટરી આ સોસાયટીનો. થોડોઘણો હું કલા અને સાહિત્યનો જીવ. એટલે જ આપણી ભાતીગળ ગરબા કલામાં પારંગત એવી શ્રાવણીને મારું સમગ્ર જીવન અર્પણ કરી બેઠો. શ્રાવણી કામકાજમાં ખૂબ જ ચોકસાઈવાળી અને ૨૦થી પણ વધારે વર્ષોના સહજીવનથી મને પણ ઘણી બાબતોમાં ખુશી ખુશી ચોકસાઈ રાખવી ગમવા લાગી. સલોની એટલે અમારો વહાલનો દરિયો હવે કૉલેજના પ્રથમ પગથિયાં પર ડગ માંડવા ને સક્ષમ થઈ ગઈ હતી. પર્યાવરણ સાથે પ્રેમ એટલે સલોની એ તે વિશે ભણવાનું શરૂ કર્યું. શ્રાવણીએ પણ બાળપણને પાછું માણવા નાનાં ભૂલકાંની શાળામાં નોકરી શરૂ કરી હતી. આમ માતા-પિતા, શ્રાવણી અને અમારા બધાંની લાડલી એવી સલોની એમ પાંચ જણનો પરિવાર તથા સોસાયટીના ૨૦૦ પરિવારની હૂંફથી જિંદગી રંગેચંગે ઉજવાતી હતી… ત્યાં જ આ લૉકડાઉન આવ્યું અને બધું એકદમ ઠપ્પ. હું એટલે કે સાહિલ દિવસે પોતાની પર્સનલ, પ્રોફેશનલ અને સામાજિક જવાબદારી નિભાવવામાં રત છે અને રાત્રે વેબસિરીઝ જોઈને, લુડો રમીને અંબાણી ગ્રુપને એની નેટ વર્થ વધારવામાં મદદ કરે છે. આમ અચાનક આવેલા લૉકડાઉનમાં પણ શ્રાવણી અને સલોનીના સાથથી અને પરિવારની હું જરા પણ વિચલિત નથી, ભ્રમિત નથી.

 


(8) દુઃખ હી સુખ કા જ્ઞાન!

(હરસુખ પીઠડિયા, પુણે)

 

બે વર્ષથી ટાટા મોટર્સમાંથી રિટાયર થઇ ગયો છું. હું અને કલ્પના, મારી પત્ની પુણેમાં રહીએ છીએ, જ્યારે અમારો પુત્ર-પુત્રવધૂ તથા એક વરસની પુત્રી સાન હોઝે (કેલિફોર્નિયા). લૉકડાઉનની પહેલાં ત્રણ મહિના અમે અમેરિકા હતાં. ફેબ્રુઆરીમાં પુણે પરત આવ્યાં. માર્ચમાં લૉકડાઉનનો પ્રારંભ થયો. એ રીતે જોતાં 9 મહિનાથી અમે સોશિયલ ડિસ્ટંન્સિંગનું પાલન કરી રહ્યાં છીએ. મે અને જૂન મહિનામાં અનુક્રમે મારાં સાસુ અને સસરા આ મનોહારી દુનિયાને ચીરવિદાય કરી ગયાં. અંતિમવિધિ બીજા રાજ્યમાં હોવાથી જઈ ન શક્યા, કિંતુ વિડિયો કૉલથી સંતોષ માન્યો. જો કે સસરાના અંતિમવિધમાં જઈ શક્યાં. આ ઉપરાંત બે મિત્ર અને અમારી કોલોનીના ત્રણ રહેવાસી પણ ગુમાવ્યા. -પણ આ પરિસ્થિતિમાં મિત્ર, પરિવાર, અમારું સત્સંગમંડળ, ભજનમંડળ, ફોન,ઈંટરનેટ, ફેસબુક, વોટ્સએપ, ઝૂમ અને ગૂગલ મીટથી જોડાયેલાં રહ્યાં. ઘરકામ મેં શીખી લીધું, રસોડામાં કયું વાસણ ક્યાં રહે છે એ જાણી લીધું.! લૉકડાઉનમાં એક નવું ભજન લખ્યુઃ યે હૈ બોમ્બે મેરી જાનના ઢાળમાં… અય દિલ તૂ દિલ સે ભજ લે યહાં…કભી દોહે, કભી નગમેં, કભી ગરબે મેરી જાન! અંતે, હશમતસાહેબને યાદ કરી આ લૉકડાઉનની વાત પૂરી કરું છુઃ સુખ કે અંદર સુખ કી જ્યોતિ, દુઃખ હી સુખ કા જ્ઞાન!

 


(9) પપ્પાને જડી કોરોનાની રામબાણ ઔષધિ

(સંધ્યા કાર, અમદાવાદ)

 

સાંજનો સમય એટલે સુગંધનો સમય. રસોડામાં બનતી વાનગીઓની એ અદ્રશ્ય સોડમ, જે આપણા શરીરને રસોડા તરફ દોરી જઈ મમ્મીને પૂછવા મજબૂર કરી દે કે “મમ્મી, શું બનાવ્યું છે?” પણ, ૧૯ માર્ચની સાંજે આ ઘટના ઘટી જ નહીં. એને બદલે જનતા કર્ફ્યું અને લૉકડાઉન જેવા બે શબ્દના જન્મ થયા. હાલની બોલચાલની ભાષા મુજબ બન્ને શબ્દો ટ્રેન્ડમાં આવ્યા. પછી તો દીનચર્યામાં ધરમૂળથી પરિવર્તન આવ્યું. ૨૧ દિવસના પ્રથમ લૉકડાઉન અને ત્યાર બાદ લૉકડાઉનમાં થોડા થોડા અંશે વધારો કરવાની અપીલમાં શાહરૂખખાન દ્વારા બોલાયેલ ખૂબ પ્રખ્યાત સંવાદ યે તો સિર્ફ ટ્રેલર હેં, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્તની યાદ અપાવી દીધી. લોકડાઉનના પ્રથમ ચરણના દિવસોમાં પરિવારના પ્રત્યેક સભ્યોએ ખૂબ ધીરજ અને હિંમત બતાવી. કેરમ, લૂડો અને પત્તાંની રમતો પરની ધૂળ ઊડી, પપ્પાના પ્રાણાયામ પરિવારના પ્રાણાયામ બન્યા. સવાર-સાંજની આરતી સમા રામાયણ, મહાભારત સિરિયલ દીનચર્યામાં ઉમેરાઈ ગઈ. સવારની ચાના સામ્રાજ્યમાં ઉકાળાએ ઊંડાણપૂર્વક પગપેસારો કર્યો. ચા બનાવવાની પ્રક્રિયામાં ચાની ભૂકીની સંપૂર્ણ બાદબાકી સાથે માત્ર ગરમ પાણીમાં તુલસી, અરડૂસી, ગળો અને મધના ઉમેરા સાથે ચા હવે ઉકાળાનું સ્વરૂપ બની ગઈ. મમ્મીની નીતનવી વાનગી ધીરેધીરે સાદી રસોઈમાં બદલાઈ ગઈ. ધ્વનિપ્રદૂષણમાંથી પ્રદૂષણ છૂટું પડતાં રાત્રે ઘડિયાળની ટક-ટક, સવારે ચકલીઓની ચક-ચક ફરીથી જીવંત બની. આ પ્રથમ ચરણની વાત હતી. હવે, એ હિંમત બતાવી કે દેખાડી એ વ્યક્તિગત અને જાણવા જેવો વિષય છે. લૉકડાઉન ચરણબદ્ધ આગળ વધતું રહ્યું ત્રીજા ચરણમાં હવે પછી એક નવા વણનોતર્યા મહેમાન કોરોનાએ ઘરમાં તેનો પ્રવેશ-નિષેધ હોવા છતાં ઘરફોડી કરી પરિવારના કરોડરજ્જુ સમાન વ્યક્તિ મારા પિતાને પોતાના સકંજામાં લઈ લીધા. હવેનો સમય ‘કોરોના કસોટીકાળના’ સમયરૂપે પરિવારના સૌ સભ્યો પર માનસિક પ્રભાવ જમાવવા લાગ્યો. આ અજાણ્યા શત્રુનો સામનો કરવાની એક રામબાણ ઔષધિ મારા પિતાએ જણાવીઃ ધીરજ-હિંમત-આત્મવિશ્વાસ. આ ત્રણના મિશ્રણથી બનેલી એક આશા. બસ, આ જ આશાએ અમારા સંપૂર્ણ પરિવારને કોરોનાની કસોટીમાં ઉત્તીર્ણ કર્યા, જેમાં આપણા કોરોના વૉરિયર્સનો સહકાર ધન્યવાદને પાત્ર છે.

 


(10)આજે છાતી ગદગદ ફૂલે છે…
(હીતેશ શાહ, મુંબઈ)   

ણાં વર્ષો પછી આ વર્ષે ફેબ્રુઆરીમાં હું, મારી પત્ની, મારો પુત્ર અને પુત્રી માત્ર ત્રણ દિવસના વેકેશન પર ગયાં, કારણ પુત્ર-પુત્રી બંને મેડિકલ ભણે છે, રેસિડન્ટ ડોક્ટર હોવાને નાતે રાત-દિવસ હૉસ્પિટલમાં રહેવું પડે છે. મુંબઈ પાછા ફર્યાના બાદ થોડા જ સમયમાં ભારતમાં કોવિડ-૧૯ના દર્દીની સંખ્યા વધવા લાગી અને 24 માર્ચે પ્રધાન મંત્રીશ્રીએ પ્રથમ લૉકડાઉનની જાહેરાત કરી. મારો પુત્ર ઓર્થોપીડિક સર્જન છે તે સરકારી હૉસ્પિટલમાં સેવા આપી રહ્યો છે, જ્યારે પુત્રી પ્રાઈવેટ હૉસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટિના છેલ્લા વર્ષમાં રેસિડેન્સી કરી રહી છે. એ બંને હૉસ્પિટલમાં આ સમયમાં સારવાર કરી રહ્યાં હતાં અને અમારા જીવ અધ્ધર રહેતા હતા.આ દરમિયાન સરકારી ફરમાન આવ્યું કે દરેક ડૉક્ટરે ફરજિયાત હૉસ્પિટલમાં તથા કોવિડ સેન્ટરોમાં હાજર‌ રહેવું પડશે નહીતર ડોક્ટરોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. મેં મારા પુત્ર અને પુત્રીને કહ્યું કે ભલે રજિસ્ટ્રેશન રદ થાય, પણ તમે બંને ઘરે જ રહો- જાન છે તો જહાં છે. ત્યારે બંનેએ કહ્યું કે, ‘પપ્પા, અમે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતાં હતાં ત્યારે તમે જ અમને શીખ આપેલી કે અમારા વ્યવસાયમાં દર્દીને સૌથી વધુ મહત્વ આપજો. અને આજે તમે કેમ આમ કહો છો?’ મેં એમને કહ્યું કે એક તો કોરોનાનો ડર બીજ, ડૉક્ટરો પર થતા હુમલા અને એમની સાથે અમાનવીય વર્તન અમને સતાવે છે. ત્યારે એમનો જવાબ હતોઃ ‘અમે તો અમારી ફરજ બજાવતાં રહીશું અને તમારા સિદ્ધાંતોને અનુસરીને કાર્ય કરતા રહીશું. પપ્પા, લોકડાઉન છે પરંતુ ખમીર ડાઉન નથી.’ -અને આજે પ્રથમ લૉકડાઉનના છ મહિના પૂરા થાય છે ત્યારે મોટા ભાગના લોકો હેલ્થવર્કરોને બિરદાવી રહ્યા છે, સરકાર પણ હેલ્થવર્કરોનું ધ્યાન રાખી રહી છે ત્યારે મુખ પર સ્મિતલહેર  ફરકી જાય છે… અને સંતાનોનાં મુખ પર સંતોષની લાગણીનાં દર્શન થાય છે ત્યારે છાતી ગજગજ ફૂલે છે.