ગાયની ગેરહાજરીમાં પણ ગાય-આધારિત ખેતી

સુરત: ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં એક સમયે માત્ર પ્રાકૃતિક ખેતી જ થતી. પછી ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ શરૂ થયો. એના થકી ઉત્પાદનમાં શરૂઆતી લાભ બાદ લાંબા ગાળે વિપરીત પરિણામ પણ સામે આવ્યાં. ખાસ તો આ ખેતપેદાશો ખોરાક તરીકે લેવાથી લોકો અનેક પ્રકારના રોગોનો શિકાર બનવા લાગ્યા. એ ઉપરાંત, ખાતર, દવા અને વધારાનાં પાણીની જરૂરતે રાસાયણિક ખેતીને મોંઘીદાટ બનાવી દીધી. વખત જતાં રસાયણથી ભૂમિ બંજર બનવાનું જોખમ તો ખરું જ.બીજી તરફ, પ્રાકૃતિક ખેતીમાં ગાયનાં છાણ તથા ગૌમૂત્રમાંથી જીવામૃત અને ઘન જીવામૃત ખેડૂત જાતે બનાવી ઉપયોગમાં લેતા હોવાથી ખેતીખર્ચ ઘટે છે. જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. એક અભ્યાસ મુજબ, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં પણ અનેક ગણો વધારો નોંધાયો છે. એવા અનેક ખેડૂતો છે જે ઓછી જમીનમાં આ પ્રકારે ખેતી કરીને મબલક પાક અને અઢળક કમાણી કરે છે. અલબત્ત, જે રીતે દહીં બનાવવા દૂધ જોઈએ જ, એ જ પ્રકારે પ્રાકૃતિક ગાય-આધારિત ખેતી કરવા માટે ગાય પણ જોઈએ જ. જો કે ગુજરાત રાજ્ય અને સુરત જિલ્લામાં કેટલાય ખેડૂતો ગાય વિના ગાય પર આધારિત ખેતી કરીને સારી કમાણી કરી રહ્યા છે.

આ વળી કઈ રીતે શક્ય છે? ચાલો, જાણીએ..

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ગુજરાતના બજેટમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે 400 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. બીજી બાજુ, ગાય-આધારિત ખેતી કરવા માગનારા ગાય વિનાના ખેડૂતો માટે રાજ્ય સરકારે એક યોજના ઘડી છે. એ વિશે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ચિત્રલેખાને કહે છે:

‘સરકાર પ્રાકૃતિક ખેતીને આગળ લઈ જવા કટિબદ્ધ છે. લોકો આરોગ્યપ્રદ ખોરાક ખાય, પ્રકૃતિનું સંતુલન બન્યું રહે, ખેડૂતોનું જીવનધોરણ વધુ સારું બને અને આપણી સંસ્કૃતિ જેને માતાનો દરજ્જો આપે છે એ ગાયમાતાનું પણ જતન થાય એવા શુભ આશયથી ગાય-આધારિત પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા અનેક આયોજન થઈ રહ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષથી ખેડૂતો માટે વિવિધ યોજના અમલમાં આવી છે. ગાય વિના પણ ગાય-આધારિત ખેતી કરી શકાય એ માટે રાજ્ય સરકારની જીવામૃત, ઘન જીવામૃત બનાવવા માટેની માળખાકીય સુવિધા માટે સહાયની યોજના અમલી છે. ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ બને એવા પૂરતા પ્રયાસ થઈ રહ્યા છે.’

સુરત જિલ્લાની વાત કરીએ તો અહીં એક દાયકાથી અનેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. પાછલાં ત્રણ વર્ષમાં આ આંકે ગતિ પકડી છે. જિલ્લામાં અત્યારે અંદાજે દોઢ લાખ હેક્ટર જમીનમાં ખેતી થાય છે, જેમાં ૧૨ હેક્ટરમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. બીજા સારા સમાચાર એ છે કે રાસાયણિક ખાતરના વપરાશમાં નોંધનીય (આશરે ૧૭,૫૦૦ મૅટ્રિક ટનનો) ઘટાડો નોંધાયો છે. આ મામલે સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે છે.

સુરતના મહુવા તાલુકાના સણવલ્લા ગામ સ્થિત નંદનવન ગૌશાળા અને ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળામાં એક પ્રોજેક્ટ હેઠળ જીવામૃત, ઘન જીવામૃત અને પ્રાકૃતિક કીટ નિયંત્રકો બનાવવામાં આવે છે. આ ગૌશાળાનું સંચાલન બે ખેડૂતભાઈઓ જિજ્ઞાશુ અને હર્ષ પટેલ કરે છે. એમના પિતા ભરત પટેલ ચિત્રલેખાને કહે છે: ‘અમે ઘણાં વર્ષોથી ગાય-આધારિત પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ. અમારી ગૌશાળામાં ૩૪ ગાયો છે. આ ખેતીના ફાયદા દરેક ખેડૂતને મળે એવી ભાવનાથી અમે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અહીં આધુનિક ઑટોમેટિક પ્લાન્ટમાં એક-એક હજાર લિટરના આઠ ટાંકા છે, જેથી સરળતાથી જીવામૃત બનાવી શકાય છે. અન્ય 500-500 લિટરના ચાર ટાંકામાં અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ઊધઈ નિયંત્રણ, ગૌમૂત્ર અને ખાટી છાશ જેવાં કીટ નિયંત્રકો તૈયાર કરીએ છીએ. ગાયવિહોણા ખેડૂતોને જરૂરત મુજબ અમારી પાસેથી જીવામૃત અતિ વાજબી દરે મળી શકશે. દોઢ મહિનામાં આસપાસનાં ગામના અનેક ખેડૂતો જીવામૃત અને કીટ નિયંત્રક માટે ઑર્ડર પણ બુક કરાવી રહ્યા છે. આ સુવિધા મળતાં કેટલાક ખેડૂતો જે ગાય લેવાનું વિચારતા હતા એ વિચાર પણ એમણે માંડી વાળ્યો છે.’

નોંધનીય છે કે આ ગૌશાળાને સરકારી યોજનાનો લાભ મળ્યો છે. સુરતમાં માંડવી, બારડોલી અને માંગરોળ તાલુકામાં આ પ્રકારનાં 10,000 લિટરનાં મોટાં ત્રણ યુનિટ ચાલે છે, જ્યારે ખેડૂત મંડળી, સખી મંડળી, વગેરે દ્વારા 5000 લિટરનાં નાનાં 18 યુનિટ ચાલી રહ્યાં છે. આ બધી જગ્યાએથી પ્રાકૃતિક ખેતી માટેની જરૂરી સામગ્રી મળે છે, જેને કારણે આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી કરનારાની સંખ્યામાં મોટા પાયે વધારો થશે. પટેલબંધુ જિજ્ઞાશુ અને હર્ષ કહે છે કે પ્રાકૃતિક ખેતી દેશની અને દરેકની જરૂરત છે. આજે નહીં તો કાલે, આ ખેતી તરફ દરેકે વળવું જ પડશે.

કેવી રીતે બને છે એ અમૃત?

ખેડૂતોના કહેવા પ્રમાણે, 200 લિટર જીવામૃત બનાવવા માટે 10 લિટર ગૌમૂત્ર, 10 કિલો ગોબર, 500 ગ્રામ કોઈ પણ કઠોળનો લોટ અને એક કિલો ગોળ જોઈએ. સાથે થોડીક ફળદ્રુપ માટી તથા પાણીના મિશ્રણને અઠવાડિયા સુધી દરરોજ સવાર-સાંજ પાંચ-પાંચ મિનિટ સુધી હલાવવાનું હોય છે. એક અઠવાડિયા પછી જે તૈયાર થશે એ છે: જીવામૃત.  આદર્શ પદ્ધતિમાં એને પછીના અઠવાડિયે વાપરી લેવું જોઈએ. હવે ઘન જીવામૃત બનાવવાની રીત જોઈ લઈએ તો, તૈયાર જીવામૃતને દેશી ગાયના ગોબર પર છાંટવામાં આવે છે. અઠવાડિયા પછી સુકાઈને ઘન રૂપે જે જીવામૃત તૈયાર થાય છે એ ઘન જીવામૃત  છે. એક કિલો ગોબરમાં એક લિટર જીવામૃત નાખી શકાય. ઘણા ખેડૂતો વધુ ગુણવત્તાના ઘન જીવામૃત માટે એક કિલો ગોબરમાં દર અઠવાડિયે એકથી વધુ વાર જીવામૃત ઉમેરે છે. આ ઘન જીવામૃતની આવરદા એકથી પાંચ વર્ષની હોય છે.

આત્મા  (ઍગ્રિકલ્ચર ટેક્ધોલૉજી મૅનેજમેન્ટ એજન્સી) પ્રોજેક્ટના ગાંધીનગરના ડેપ્યુટી ડિરેક્ટર પી.બી. ખિસ્તરિયા ચિત્રલેખાને કહે છે: ‘પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી યોજના એક વર્ષથી ચાલે છે. ગૌશાળા, પાંજરાપોળ અને એફપીઓ  (ફાર્મર પ્રોડ્યુસર ઑર્ગેનાઈઝેશન)ને જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની માળખાકીય સુવિધા માટે સબસિડી મળે છે, જેમાં 10,000 લિટરના પ્લાન્ટ માટે 1.20 લાખ રૂપિયા અને 5000 લિટરના પ્લાન્ટ માટે 60,000 રૂપિયાની સબસિડી મળે છે. બન્ને યોજનામાં મર્યાદિત ખર્ચ કરતાં ઓછી રકમમાં ખર્ચના 50 ટકા રકમ સબસિડી રૂપે મળવા પાત્ર છે.’

પી.બી. ખિસ્તરિયા ઉમેરે છે કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે સ્થપાયેલા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ  દ્વારા તાલીમ, પ્રેરણાપ્રવાસ, મેગા શિબિર, પરિસંવાદ, પ્રદર્શન, વગેરેનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ ખેડૂતોને આ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એ ઉપરાંત, રાજ્યમાં 3100થી વધુ મોડેલ ફાર્મનિર્માણ કરાયાં છે.’

આત્મા  પ્રોજેક્ટના સુરત જિલ્લાના ડાયરેક્ટર એન. જી. ગામીત કહે છે: ‘ગૌશાળા, પાંજરાપોળ, વગેરે જગ્યાએ ગાય, છાણ, ગૌમૂત્ર બધું જ મળી રહે છે. એમાંથી જીવામૃત, ઘન જીવામૃત બનાવવામાં આવે તો એક તીર બે નિશાન જેવો ઘાટ થાય છે. આ કુદરતી ઉત્પાદનો ખેડૂતો વાજબી ભાવે ખરીદી શકે અને બીજું, ગૌશાળા, પાંજરાપોળને પણ આવક થાય. આ યોજના થકી પ્રાકૃતિક ખેતી દ્વારા રાજ્યનો ખેડૂત વધુ સધ્ધર થશે. સરકાર દ્વારા અપાતી સહાયમાં પાઈપલાઈન, સિમેન્ટ, ટાંકી, મોટર, વગેરેનો સમાવેશ થાય છે.

(અરવિંદ ગોંડલિયા-સુરત)

(તસવીરો: ધર્મેશ જોશી)