મુંબઈ, અમદાવાદ, રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત દેશના અનેક મોટા શહેરોમાં હવાનું પ્રદૂષણ વધી ગયાની સતત ફરિયાદો થઈ રહી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે દિલ્હી જેવા અમુક શહેરોમાં તો પ્રદૂષણ એટલું બધું રહે છે કે તમે શ્વાસ લો તો એક દિવસમાં 50 સિગારેટ ફૂંકવા જેટલો ધૂમાડો શરીરમાં જાય છે.
આ દૂષણ અને સમસ્યા અંગે લોકોને જાગૃત કરવા અને એમને સાવચેતી રાખવા માટે સ્વાસ્થ્ય અંગે જાગરુકતા ફેલાવવામાં આવી રહી છે.
આ વિશે સ્ટે-હેપ્પી ફાર્મસીના મેનેજિંગ ડાયરેક્ટર ડો. સુજીત પોલે કેટલાક મહત્ત્વના નુસ્ખા જણાવ્યા છે.
ડો. પોલનું તો કહેવું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ દિલ્હી માત્ર દેશનું જ નહીં, પણ સમગ્ર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. આ શહેરમાં લોકોએ ઘરની બહાર જઈને ખુલ્લામાં વ્યાયામ, પ્રાણાયામ કે યોગાભ્યાસ કરવા ન જોઈએ. એને બદલે ઘરની અંદર જ એ કરવા જોઈએ.
જે શહેરોમાં પ્રદૂષણ વધારે છે ત્યાંના લોકો માટે તેમજ પ્રદૂષણથી સામાન્ય રીતે બચવા માટે કેટલાક નુસ્ખા આ મુજબ છેઃ
– નાકમાં ઘીનાં 2-4 ટીપાં નાખવાથી દૂષિત હવા સાફ થઈને ફેફસાંમાં જાય છે. સારા પરિણામ માટે દિવસમાં બે વાર આ પ્રક્રિયા કરવી જોઈએ.
– સમતોલ આહાર રાખવો જોઈએ. જેમાં ફળ અને શાકભાજીનો સમાવેશ કરાયો હોવો જોઈએ. પ્રદૂષણથી બચવા માટે ગરમ તેમજ ઘરમાં બનાવેલું ભોજન જ ખાવું જોઈએ. – ગોળનું સેવન પણ આપણા શરીરમાં દૂષિત પદાર્થોને ઘટાડવામાં મદદ કરે છે. – ભોજનમાં લસણ અને કાંદાનો ઉપયોગ વધારવો જોઈએ. કાંદા અને લસણનો પારંપારિક દવાઓના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. અસ્થમાની તકલીફ ઘટાડવામાં અને ઉપચારમાં પણ આ બેઉ ચીજ ઉપયોગી છે. – પાણીની વરાળને શ્વાસમાં લેવી. એનાથી પણ શરીરના હાનિકારક તત્ત્વોને દૂર કરવામાં મદદ મળે છે. વરાળ લેતી વખતે 5-7 ચમચી પેપરમિંટ તેલ પાણીમાં મિક્સ કરવું અને ટુવાલ વડે ચહેરાને ઢાંકી રાખવો. – તુલસી અને આદુની ચા પીવી. એક કપ તુલસી અને આદુની ચા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શ્વાસ પ્રક્રિયામાં રહેલા પ્રદૂષિત તત્ત્વોને સાફ કરે છે. – કોઈ પણ પ્રકારના સ્પ્રે અને રૂપ ફ્રેશનરનો ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે આ વાયુ પ્રદૂષણના ઘટક છે. – ઘરની અંદર છોડનો ઉપયોગ કરવો જોઈએ જે હવાને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. – ઘરની બહાર નીકળો ત્યારે ચહેરા પર માસ્ક લગાવવો. |