ભારતમાં શૅરબજારની ગાથા 1869માં અમેરિકાના ગૃહયુદ્ધ દરમિયાન શરૂ થઈ. આ એ સમય હતો, જ્યારે સુએઝ નહેર ખુલ્લી મૂકવામાં આવી અને ભારતમાંથી અમેરિકા ખાતે મોટા પ્રમાણમાં નિકાસ શરૂ થઈ. એ સમયે ભારતમાં અનેક કંપનીની સ્થાપના થઈ, જેમાં વિશેષત: બૅન્કિંગ, રેલવે અને કપાસનું કામકાજ કરતી કંપનીઓ હતી. 1874માં મુંબઈમાં કૉટન એક્સચેન્જની સ્થાપના થઈ અને એના એક વર્ષ બાદ, 1875માં સ્ટૉક એક્સચેન્જ શરૂ થયું.
રસપ્રદ વાત એ કે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ની સ્થાપના મુંબઈમાં હોર્નિમન સર્કલ વિસ્તારમાં એક વડના ઝાડ નીચે થઈ. આનું કારણ ઉનાળાની કાળઝાળ ગરમી હતી. શૅરદલાલોને છાંયડામાં લે-વેચ કરવી સુલભ બને. એ વખતે ઈમારતો સરળતાથી ઉપલબ્ધ નહોતી… એટલે વડલો બન્યો રિંગ. જૂનું સ્ટૉક એક્સચેન્જ હાલની રોટુન્ડા ઈમારતના સ્થાને હતું. જૂની ઈમારતમાં એક રિંગ અને પરિઘ પર ફરતું પ્લૅટફૉર્મ હતું. જૉબર્સ પ્લૅટફૉર્મ પર ઊભા રહેતા. બસ અથવા લોકલ ટ્રેનોમાં આંચકાથી બચવા હૅન્ડલ હોય એવા ચામડાનાં હોલ્ડર પ્લૅટફૉર્મ પર હતાં. શૅરદલાલો એક હાથે એ હોલ્ડર ઝાલી બીજા હાથે કાગળ પર સોદા લખતા, જેથી સોદા લખવાના ઉત્સાહમાં પ્લૅટફૉર્મ પરથી ગબડી ન પડાય. તે વખતે એવી વાયકા પ્રચલિત હતી કે બજારની ભોંય પરની દરેક લાદીની નીચે એક સટોડિયો દફનાવાયેલો છે, જેણે મોટું નુકસાન ભોગવ્યું હોય.
નવી ઈમારતનું બાંધકામ અનેક વર્ષો સુધી વિલંબિત રહ્યું, કારણ કે મકાનની ઊંચાઈએથી સબમરીન અને નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવતાં સમારકામનાં દૃશ્ય દેખાતાં. આ સુરક્ષાનો મુદ્દો હતો. નૌકાદળની મંજૂરી મળી ત્યાં સુધી શણના પડદાથી ઈમારતને ઢાંકવામાં આવી હતી, જેથી ગોદી દેખાય નહીં.
હજી હમણાં સુધી, 1980 અને 1990ના દાયકામાં સ્ટૉક માર્કેટ પર વ્યક્તિગત પ્રભાવનું વર્ચસ હતું. બજારમાં હર્ષદ મહેતા સક્રિય હતા. તે પછી બજાર ધીરુભાઈ અંબાણી અને એમની રિલાયન્સના શૅર્સને અનુસર્યું, જેની સકારાત્મક અસર થઈ, કારણ કે મોટી સંખ્યામાં લોકો શૅરબજારમાં પ્રવેશ્યા. ત્યાર બાદ 2001નું કૌભાંડ આવ્યું. કેતન પારેખે ઈન્ફર્મેશન-કમ્યુનિકેશન અને એન્ટરટેઈન્મેન્ટ (આઈ.સી.ઈ.)નાં કામકાજમાં હોય એવી કંપનીના શૅરનાં ભવિષ્યમાં વિશ્વાસ રાખ્યો. ઓવર લીવરેજિંગથી શૅર્સની કિંમતોમાં ભારે ઘટાડો થયો… બદલા રૂપી ધિરાણ બંધ થવાથી અનેક અનિયમિતતા પ્રકાશમાં આવી અને કેતન પારેખ તથા એમની પસંદગીના શૅર કડડડભૂસ થયા.
ધીરુભાઈ અંબાણી સાથે મારે ઘણા સારા સંબંધ હતા. કેટલાક દલાલોએ ભારે શૉર્ટ સેલથી રિલાયન્સના શૅરમાં કડાકો બોલાવ્યો, પણ એમની પાસેથી શૅર્સની ડિલિવરી લેવાનો આગ્રહ એક માઈલસ્ટોન હતો, જેણે બજાર પર શૉર્ટ સેલર્સના પ્રભુત્વને બદલી નાખ્યું. હું આ આખી ઘટનાની સાક્ષી હતી. શૅરબજારના ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટૅડિયમમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની હતી. આ જનરલ મીટિંગ પહેલાં એક દિવસ ધીરુભાઈએ મને એમની ઑફિસમાં બોલાવી. એમણે મને કહ્યું કે શૅરધારકો દ્વારા પૂછવામાં આવનારા સંભવિત મુશ્કેલ પ્રશ્નોની યાદી તૈયાર કરી આપો… આ એમની નિષ્ઠા હતી. એ શૅરધારકોનો સામનો કરવા અને સત્ય-નિષ્ઠાથી જવાબ આપવા માટે સજ્જ થવા માગતા હતા. વર્ષો પછી ધીરુભાઈનું અવસાન થયું ત્યારે BSEમાં પ્રાર્થનાસભા યોજવાનું સમ્માન પણ મને મળ્યું, જેમાં ઈન્ફોસિસના નારાયણ મૂર્તિ સહિત અનેક માંધાતાએ મિલેનિયમ લીડર ધીરુભાઈને શ્રદ્ધાંજલિ આપી.
હું 1984થી BSE સાથે સંકળાયેલી છું. મેં મારી કારકિર્દી BSEના મુખ્ય દલાલની હેઠળ સબ-બ્રોકર તરીકે શરૂ કરી હતી. રિંગમાં પ્રવેશ મેળવવો એ એક મુશ્કેલ કાર્ય હતું, કારણ કે સ્ત્રીઓને રિંગમાં પ્રવેશવાની મંજૂરી જ નહોતી! રિંગમાં પ્રવેશ માટે મારો ઈન્ટરવ્યૂ જ બે કલાક સુધી ચાલ્યો હતો, કારણ કે તત્કાલીન ડિરેક્ટર્સ મને રોકવાના પ્રયાસમાં હતા. એમની છેલ્લી દલીલ હતી કે ટ્રેડિંગ રિંગની નજીક કે આસપાસ મહિલાઓ માટે શૌચાલય નથી. મારો પ્રત્યુત્તર હતો કે ચિંતા ન કરો સાહેબ, હું સંભાળી લઈશ. આ રીતે હું ભારતમાં ટ્રેડિંગ રિંગમાં પ્રવેશનારી પ્રથમ મહિલા બની.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાને કારણે હું પ્રક્રિયાઓથી ચાલવાનું પસંદ કરતી અને મારામાં સુધારાવાદી વલણ પણ ખરું. એ કાળે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગનું કામ એલ.આઈ.સી. ઑફ ઈન્ડિયાનાં મોટાં કમ્પ્યુટર્સ દ્વારા થતું. અમે એમની સેવાનો ઉપયોગ BSEમાં પંચ કરવામાં આવતાં કાર્ડ્સ વાંચવા માટે કરતાં હતાં. એમની પોતાની સમસ્યાઓને કારણે ટ્રાન્ઝેક્શન્સ પંચ કરવામાં અને ગરબડ શોધવામાં વારંવાર વિલંબ થતો હતો. આનાથી મેં તત્કાલીન BSEના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એમ.આર. મય્યાને બજારનું પોતાનું કમ્પ્યુટર ખરીદવા માટે સમજાવ્યા, જેથી મેળ-માથા વિનાના સોદાનું પ્રોસેસિંગ થઈ શકે. તે વખતે કમ્પ્યુટરની આખી સિસ્ટમની કિંમત ૧૮ લાખ રૂપિયા હતી. સભ્યો તરફથી આટલી મોટી રકમ ખર્ચવા સામે ઘણો વિરોધ હતો. તેમ છતાં કમ્પ્યુટર આવ્યું અને સોદાઓનો સુમેળ સાધવાનું ખૂબ ઝડપી બન્યું.
મારી સુધારણાની સફર ચાલુ રહી. શૅરદલાલોના કર્મચારીઓ રિંગમાં એકઠા થઈને ભૂલભરેલા સોદાઓનો તફાવત સુલટાવતા હતા. સોદાની ક્ષતિ સુધારીને સાચી એન્ટ્રી કરવા માટે અમે ત્રણ નકલની સ્લિપ રજૂ કરી, જેનો ઉપયોગ સોદાની ભૂલ સુધારીને સાચા સોદાને સ્થાપિત કરવા માટે કર્યો. આ વ્યવસ્થાથી સૅટલમેન્ટ ચક્રને ટૂંકું કરવામાં મદદ મળી. શૅર્સના ખરીદ-વેચાણનું સૅટલમેન્ટ ટ્રેડિંગ રિંગમાં કર્મચારીઓ દ્વારા શૅર સર્ટિફિકેટની આપ-લે દ્વારા થતું હતું, અમે આ વ્યવસ્થાને એક છત્ર હેઠળ લાવીને ક્લિયરિંગ હાઉસ દ્વારા એ કામ કર્યું. શૅર ટ્રાન્સફરમાં હસ્તાક્ષરની ગરબડ સહિતનાં કારણોથી થતી બૅડ ડિલિવરીને સૅટલ કરવા માટે પણ આ જ સિસ્ટમનું પાલન કરવામાં આવ્યું.
1995-2001 દરમિયાન ત્રણ મોટાં પરિવર્તન આવ્યાં-ઑનલાઈન ટ્રેડિંગ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL)ની સ્થાપના અને ટ્રેડ ગૅરન્ટી ફંડ. હું ઑનલાઈન ટ્રેડિંગના નિયમો નક્કી કરનારી સમિતિનો ભાગ હતી, CDSL પ્રમોટર ડિરેક્ટર હતી અને ટ્રેડ ગૅરન્ટી ફંડના નિયમોનું ડ્રાફ્ટિંગ અને સ્થાપનામાં પણ મારું યોગદાન હતું. અમે ન્યુ યોર્ક સ્ટૉક એક્સચેન્જ, પેરિસ સ્ટૉક એક્સચેન્જ, શિકાગો બોર્ડ ઑફ ટ્રેડ, ડિપોઝિટરી ટ્રસ્ટ કૉર્પોરેશન, લંડન સ્ટૉક એક્સચેન્જ અને અન્ય ટ્રેડિંગ હાઉસની વિવિધ સિસ્ટમનો અભ્યાસ કરવા માટે વિદેશપ્રવાસ પણ કર્યો.
હવે અમારું બજાર મોટી છલાંગ માટે તૈયાર થયું. ઑનલાઈન ટ્રેડિંગથી મહત્ત્વનો ફેરફાર એ આવ્યો કે દેશભરમાં ટેક્ધોલૉજીનું નેટવર્ક સ્થાપિત થયું. થોડાં વર્ષોમાં જ તમામ મુખ્ય જિલ્લા અને ગામો સુદ્ધાં સ્ટૉક એક્સચેન્જના સેટેલાઈટ આધારિત નેટવર્ક સાથે જોડાઈ ગયાં. રોકાણકારો માટે આ ખરું લોકતંત્ર હતું, કારણ કે એમને મુખ્ય શહેરોના રોકાણકારો જેવી જ સેવા મળવા લાગી. હું તો કહીશ કે બૅન્કો અને મોબાઈલસેવા સહિત અન્ય કોઈ સેવા સ્ટૉક માર્કેટ સર્વિસ જેટલી ભરોસાપાત્ર નથી.
એ જ રીતે, અગાઉ પેટા દલાલ સાથે વ્યવહાર કરનારા રોકાણકારો નાણાં કે સિક્યોરિટીઝ સંબંધી ફરિયાદ માટે મુખ્ય શૅરદલાલ સુધી પહોંચી શકતા નહોતા. શૅરબજારની કામગીરી પર બાજનજર રાખતા સિક્યોરિટી ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી)એ આ વ્યવસ્થાને બદલીને રોકાણકારો અને દલાલો વચ્ચે સીધા કરાર અને ચુકવણી/ડિલિવરીની વ્યવસ્થા કરી. આનાથી દેશભરના રોકાણકારો માટે સેવા અને સુરક્ષામાં વધારો થયો. બજારની તંદુરસ્તી માટે કરવામાં આવેલા આ બદલાવમાં સહભાગી થવાનું સૌભાગ્ય મને મળ્યું.
બીજા મોટા વિકાસમાં સેબીએ શૅરભરણાંના નિયમોનું અપડેટ કર્યું. ત્યાર બાદ ટેકઓવર કોડમાં સુધારો થયો અને ફ્રોડ્યુલન્ટ ઍન્ડ અનફેર પ્રેક્ટિસીસ કાયદો પસાર થયો. આ સાથે ઑનલાઈન ટ્રેડિંગની વ્યવસ્થા, પૂરતી ટ્રેડ ગૅરન્ટી અને CDSLની સગવડે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)નો વિશ્વાસ વધાર્યો. 2004થી FII દ્વારા રોકાણ નોંધપાત્ર વધ્યું. મુખ્ય ફેરફાર એ હતો કે હર્ષદ મહેતા અને કેતન પારેખ જેવા વ્યક્તિ-આધારિત પ્રભાવથી થતાં રોકાણ હવે મૂલ્ય-આધારિત બન્યાં. શૅરના ભાવ એની યોગ્યતાના આધારે વધ્યા, નહીં કે કોઈ ઑપરેટરની ખરીદીને કારણે.
મારા કાર્યકાળ દરમિયાન ઘણા નાણાપ્રધાનોને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મનમોહન સિંહે મને લંચના સમયે આમંત્રિત કરી, એમના ડબ્બામાંથી જમવાની ઑફર કરી. ચિદમ્બરમ્ સાથે અમે વિવિધ મુદ્દે લાંબી ચર્ચા કરી. યશવંત સિંહાને તો ઘણી વખત મળ્યાં. જશવંતસિંહ સાથે, હું સ્વર્ગસ્થ પેટ્રોલિયમ મિનિસ્ટર મંત્રી જયવંતીબહેન મહેતા સાથે મળી. સિંહસાહેબે મુલાકાત આપવામાં અનિચ્છા દર્શાવી હતી, પણ જયવંતીબહેન અમને નાણાપ્રધાનની ઑફિસ સુધી લઈ ગયાં. એ આવ્યા ત્યાં સુધી અમે ખુલ્લામાં રાહ જોઈ.
2001માં કેતન પારેખના સમયમાં થયેલી ઊથલપાથલ વખતે શૅરકૌભાંડ તથા બૅન્કિંગ ટ્રાન્ઝેક્શનની ગેરરીતિની તપાસ માટે નિમાયેલી જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (જે.પી.સી.)ના સભ્ય, પીઢ રાજકારણી એસ.એસ. અહલુવાલિયાને અમે ઘણી વાર મળ્યાં. કૌભાંડ કેવી રીતે થયું એ સમજાવવા માટે અમે સવારના સાત વાગ્યે એમના ઘરે જતાં અને છોલે-ભટુરે-ખીર સાથે દિવસની શરૂઆત કરતાં. આ રીતે સતત ચાર દિવસ, રાતના દસ વાગ્યા સુધી એમને સોદા અને બદલા કેવી રીતે થયા એ સમજાવ્યું. બદલાની વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી, પણ શૉર્ટ સેલિંગ નહીં. જે.પી.સી.ની સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે ઉશ્કેરાટમાં અમને યુ બ્રોકર્સ એવું કહ્યું ત્યારે મારે એમની સામે થતાં કહેવું પડ્યું કે સાહેબ, દલાલો કોઈ પણ ધંધાદારી કે અધિકારીની જેમ નિષ્ઠાવાન અને સત્યનિષ્ઠ હોય છે… જો કે સિબ્બલે પછીથી માફી માગી.
વર્તમાન વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હું ત્રણ પ્રસંગે મળી છું. પહેલી વાર એ મુખ્ય પ્રધાન હતા ત્યારે. બીજી મુલાકાત 2014માં એમના ચૂંટણીપ્રવાસ અને બી.એસ.ઈ.ની મુલાકાત વખતે. છેલ્લે વડા પ્રધાન તરીકે એમની ઑફિસમાં નોટબંધીના તબક્કા દરમિયાન મળી. બીજી અનેક બાબત ઉપરાંત મારી પર મોદીસાહેબની છાપ એક પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ તરીકે પડી. એ તમને મળે ત્યારે સો ટકા એકાગ્રતાથી સાંભળે.
અમે સોનિયા ગાંધી, એન. ચંદ્રાબાબુ નાયડુ, લાલુપ્રસાદ યાદવ, બાળાસાહેબ ઠાકરે, બિલ ક્લિન્ટન, સ્મૃતિ ઈરાની જેવી ઘણી રાજકીય વ્યક્તિઓને મળ્યાં. સ્ટૉક એક્સચેન્જમાં પધારેલા લાલુપ્રસાદને અમે બદલા સિસ્ટમ સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે એમણે કહ્યું: કિસ સે બદલા લેના હૈ, હમ લે લેંગે…
હું 1996માં બી.એસ.ઈ.ના બોર્ડ પર ચૂંટાયેલી પ્રથમ મહિલા હતી. મેં સૌથી વધુ મતો મેળવ્યા હતા. હું આનંદ રાઠી હેઠળ ઉપપ્રમુખ હતી અને પછી 2001માં હું ઍક્ટિંગ રોલમાં એક્સચેન્જની પ્રમુખ બની. કેટલાક સભ્ય તરફથી ઘણો વિરોધ હતો, કારણ કે શૅરબજારના પ્રમુખપદે એક મહિલાને સ્વીકારવાનું એમને માન્ય નહોતું. જો કે છેવટે તો સામૂહિક શાણપણ પ્રવર્ત્યું અને મારી નિમણૂક થઈ.
સ્ટૉક માર્કેટ્સે ત્રણ દાયકામાં અમલમાં આવેલા ઘણા સુધારાઓને કારણે ઘણો વિકાસ સાધ્યો છે. 1980ના દાયકાની શરૂઆતમાં એક્સચેન્જનું સરેરાશ દૈનિક ટર્નઓવર 200 કરોડ રૂપિયા હતું, જે 1992માં 600 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું. ઑનલાઈન ટ્રેડિંગ, સૅટલમેન્ટ ગૅરન્ટી અને ડિપોઝિટરી સેવાઓને કારણે આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ટર્નઓવર 324.90 લાખ કરોડ રૂપિયા છે. તમામ એક્સચેન્જને એકસાથે મૂકીએ તો આ રકમ 500 લાખ કરોડ રૂપિયાને પાર કરે છે.
ભારતીય નાણાબજારોમાં બીજો મહત્ત્વનો તબક્કો નૅશનલ પેમેન્ટ કૉર્પોરેશન (એન.પી.સી.આઈ.)નો અથવા યુ.પી.આઈ.નો છે. મોદીજીની જન ધન યોજના વિશ્વની સૌથી મોટી બૅન્કિંગ પહોંચ યોજના છે, જેને કારણે હવે દરેક ભારતીય બૅન્કિંગ સિસ્ટમનો ભાગ છે. મને એન.પી.સી.આઈ.ના બોર્ડમાં પ્રારંભિક સાત વર્ષ સુધી રહેવાનું સૌભાગ્ય મળ્યું, જેમાંથી ત્રણ વર્ષ નારાયણ મૂર્તિ અધ્યક્ષ હતા. મેં આઈ.પી.ઓ. અને મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર MF જેવી પ્રોડક્ટ્સને યુ.પી.આઈ. પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવામાં યોગદાન આપ્યું. આ દરમિયાન મેં એન.પી.સી.આઈ. ટીમ સાથે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ચીન અને બ્રાઝિલની પેમેન્ટ સિસ્ટમનો અભ્યાસ કરવા પ્રવાસ કર્યો. ભારતની આ સીમાસ્તંભ સમી સફરનો ભાગ બનવાનો મને ગર્વ છે.
એ પહેલાં ઑનલાઈન ટ્રેડિંગના શરૂઆતના દિવસોમાં ભારતના સાડા ચારસોથી વધુ જિલ્લાઓનો પ્રવાસ કરી રોકાણકારો માટે અમે શિક્ષણ કાર્યક્રમો યોજ્યા. રોકાણકારોને સટ્ટો અને રોકાણ વચ્ચેનો તફાવત શીખવવો જરૂરી હતું. કૌટુંબિક નાણાંના આયોજનમાં મહિલાઓનું મહત્ત્વ સમજાવ્યું. હું એ પણ સમજાવતી કે મા સરસ્વતી અને લક્ષ્મીજી બન્ને સ્ત્રી છે, એથી સંપત્તિનું જ્ઞાન સ્ત્રીઓમાં હોય જ. પુરુષો પૈસા કમાવામાં સારા હોય છે, પરંતુ જરૂરી નથી કે રોકાણમાં પણ એમની સૂઝ હોય. બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા મૂકવાની આળસભરી નીતિથી તમારી સંપત્તિ ઘસાતી જશે. મેં એક લોકપ્રિય રોકાણ શિક્ષણશ્રેણી માર્કેટ વિઝડમ પણ લખી, જે દસથી વધુ ભાષાનાં અખબારોમાં પ્રકાશિત થઈ. આ ઉપરાંત, વ્યાવસાયિક પત્રોમાં અનેક લેખો લખ્યા.2001ના ગુજરાત ભૂકંપ દરમિયાન મુંબઈ શૅરબજારના સભ્યોએ એક મહિના સુધી સોદાદીઠ એક પૈસાનું યોગદાન આપવાનું નક્કી કર્યું. આ રીતે અમે લગભગ સાત કરોડ રૂપિયા ભેગા કર્યા. ભારતની પ્રથમ મહિલા આઈએએસ અધિકારી આન્ના મલ્હોત્રાના અધ્યક્ષપદ હેઠળ એક સમિતિ રચાઈ. હું આ સમિતિની સક્રિય સભ્ય હતી. અમે કચ્છ પુનર્વસનના પ્રોજેક્ટ્સ ઓળખવા ત્રીસથી વધુ વખત કચ્છપ્રવાસ કર્યા. ઈન્દિરા બેટીજી અને પ્રેમપુરી આશ્રમના સહયોગ તથા અમારી વ્યક્તિગત બચતથી અમે ભચાઉમાં એક ગામનાં 230 મકાનોનું પુન: નિર્માણ કરાવ્યું, લાકડિયા ગામનું કન્યા છાત્રાલય તથા શાળા ફરી બાંધ્યાં, મોરબીમાં માળખાગત સુવિધાનાં કામ, પોરબંદરમાં 500 કન્યા માટે શૌચાલય સાથે રહેવાની સુવિધા, આઈટીઆઈ, વગેરેનું પુન: નિર્માણ કર્યું. અમારા પરિવારે કચ્છનાં સાડા આઠસોથી વધુ ગામોમાં પોલિયોગ્રસ્ત બાળકોનું સર્વેક્ષણ કરી પાંચસોથી વધુ બાળકોનાં ઑપરેશન કર્યાં, લગભગ સાડા ચારસોને ચાલતાં કર્યાં.
હું ઘણી સંસ્થાઓની આભારી છું, જેમણે મને વિવિધ પુરસ્કારોથી સમ્માનિત કરી. હું આ સમ્માનોને ભારતમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે પ્રેરણામૂર્તિ બનવાની ફરજ તરીકે જોઉં છું. આપણાં દરેક ઘરમાં સમાન સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ કામ કરતાં હોવાં જોઈએ, એ જ મહિલાઓનો સાચો ઉત્કર્ષ હશે. મને દેશના આધ્યાત્મિક મહાનુભાવોની સંગતમાં રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. છેલ્લાં પચ્ચીસ વર્ષથી પ્રેમપુરી આશ્રમ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને ઉપાધ્યક્ષ તરીકે હું સનાતન ધર્મના ગ્રંથોની સમીપ રહી છું. ભગવદ્ગીતાના ઉપદેશો મારા સામાજિક અને વ્યાવસાયિક વ્યવહારમાં ડગલે ને પગલે વહારે આવે છે.
(દીના મહેતા)
(લેખિકા દેશના અગ્રણી બ્રોકિંગ હાઉસ ‘આસિત સી. મહેતા ફાઈનાન્સિયલ સર્વિસિસ’માં મૅનેજિંગ ડિરેક્ટર છે. તેઓ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખપદે નિયુક્ત થનારાં પ્રથમ મહિલા હતાં. તેઓ ‘નૅશનલ પેમેન્ટ કૉર્પોરેશન’ (એન.પી.સી.આઈ.)ની ઑડિટ કમિટીનાં ડિરેક્ટર પણ રહી ચૂક્યાં છે.)
