“નવ” ના બે અર્થ થાય છે. એક છે ‘9’ અને બીજો છે ‘નવું’. જે રીતે સાપ પોતાની કાંચળી ઉતારે છે તે રીતે આપણે પણ આપણી જૂની બાબતોને તિલાંજલી આપવી જોઈએ અને આપણી ચેતનાને તરોતાજા કરવી જોઈએ. “રાત્રિ” એટલે રાત,કે જે આરામ આપે છે. આપણે ત્રણ પ્રકારના દુ:ખથી પીડાઈએ છીએ. એક દુ:ખ એ છે જે અંદરથી ઉત્પન્ન થાય છે. બીજું એ છે જે બહાર ઉત્પન્ન થાય છે. ત્રીજું સૂક્ષ્મ છે અને તે આ બન્નેની વચ્ચે છે. રાત્રિ આપણને આ ત્રણેય દુ:ખમાં રાહત આપે છે અને શરીર, મન તથા ચેતનાને આરામ આપે છે. તમે સૂઈ જાવ છો ત્યારે શું થાય છે? તમને તમારી બધી ચિંતાઓમાંથી રાહત મળે છે.
નવરાત્રિ દરમ્યાન તમારું મન દૈવી ચેતનામાં ઓતપ્રોત રહેવું જોઈએ. જન્મ પહેલા જે રીતે બાળક નવ મહિના માના ઉદરમાં રહે છે તે રીતે આ નવ દિવસ અને રાત્રિ દરમ્યાન વ્યક્તિએ પોતાની અંદર ઉતરવું જોઈએ અને પોતાના ઉદ્દગમને યાદ કરવો જોઈએ. પોતાની જાતને આ પ્રશ્નો પૂછો,”મારો જન્મ કેવી રીતે થયો હતો? મારું ઉદ્દગમ શું છે?” તમારે તમારી ચેતના વિશે મનન કરવું જોઈએ અને આ નવ દિવસોને નવ મહિનાની જેમ જોવા જોઈએ.
આ નવ દિવસોનો ઉત્સવ વ્યક્તિને અંદર ઉતારવા અને તેની ઉન્નતિ માટે છે. એ એક આંતરિક અને ઊર્ધ્વ યાત્રા છે. એ પવિત્ર દિવસોમાં ધ્યાન રાખો કે નાની નાની બાબતો તમને તમારા લક્ષ્યથી વિચલિત ના કરે. આપણું મન એટલું તો ચાલાક છે કે આપણને આપણા લક્ષ્યથી દૂર કરી દે છે અને આપણને નાની નજીવી બાબતોમાં લગાડી દે છે. આપણી બાજુમાં કોઈને છીંક આવે કે કોઈના નસકોરા બોલતા હોય એ આપણી ગાડીને પાટા પરથી ઉતારી દેવા માટે પૂરતું છે. જ્યારે આપણે આપણું મન કે જે નકારાત્મકતામાં જતું રહેતું હોય તે બાબતે જાગૃત થઈએ છીએ ત્યારે આપણે હોંશિયાર થઈએ છીએ. તે સમયે આપણે આપણા ગણગણાટ કરતા નાના મન ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ.
આ નવ રાત્રિઓ આપણે આરામ મેળવી શકીએ એ માટે હોય છે. કુલ નવ રાત્રિઓમાંથી દરેક ત્રણ રાત્રિ ત્રણ ગુણોને અનુરૂપ છે-તમસ, રજસ અને સત્વ. આથી, કોઈ વિખવાદ થાય તો પણ તે તમામને બાજુ પર રાખી તમારા નિર્દોષપણાં સાથે રહો.
આ આખું બ્રહ્માંડ એ એક દૈવી શક્તિનું બનેલું છે. આ આખી સૃષ્ટિ કંપનમય અને ઝળહળતી ચેતનાની બનેલી છે, અને આપણા બધા દેહ સમુદ્રરુપી ચેતના, કે જે અદ્રશ્ય છે, તેમાં છીપલાની જેમ તરી રહ્યા છે. આપણે ચેતનાને જોઈ શકતા નથી પણ અનુભવી શકીએ છીએ. માટે,આ નવ દિવસોમાં તમારે એ અજ્ઞાતનો અનુભવ કરવો જોઈએ. ભલે આપણને બધી પૂજા અને વિધિઓના અર્થની ખબર ના પડે, પણ આપણે આપણા હ્રદય અને મનને મુક્ત રાખીને બેસવું જોઈએ અને વિધિઓથી જે સ્પંદનો ઉત્પન્ન થાય તે અનુભવવા જોઈએ.
ખેડૂત ખેતર ખેડે છે, બીજ વાવે છે, પાણી પીવડાવે છે અને પછી ખાતર નાંખે છે તથા પાકમાં જંતુનાશકની જરૂર હોય તો તેનું પણ ધ્યાન રાખે છે. પરંતુ ઉપભોક્તાને આ કશા સાથે લેવા દેવા નથી હોતી. ઉપભોક્તાને આ આખી ખેતીની પ્રક્રિયાના ફળ સ્વરૂપે જે મળે છે તેમાં રસ હોય છે. એ જ રીતે, પૂજાના અને યજ્ઞોના નિષ્ણાંતો સ્પંદનો ઉત્પન્ન થાય તે માટે જે જરૂરી છે તે બધું જ કરશે. આપણું કામ તો માત્ર હ્રદય અને મનને ખુલ્લા રાખીને બેસવાનું છે. આપણે તો માત્ર સ્મિત આપવાનું અને આશીર્વાદ મેળવવાના છે. તમામ વિધિઓ અને પ્રથાઓ સાથે યોગ્ય રીતે કરવામાં આવતા મંત્રોચ્ચાર ચેતનાની શુધ્ધિ અને ઉન્નતિ કરે છે. આપણે તો માત્ર એ માણવાનું છે.
નવરાત્રિ પૂરી થાય પછી આપણે વિજયા દશમીની ઉજવણી કરીએ છીએ. આ દૈવી ચેતનાને જાગૃત કરવાનો દિવસ છે. તમને જે બધું મળ્યું છે તે માટે આશીર્વાદ તથા મહત્વ મળ્યાનો અનુભવ કરો.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)