વિશ્વ બદલાઈ રહ્યું છે, પણ પરિવર્તન સવારની આદું-મસાલાવાળી ચામાં ચમચીભર ખાંડની જેમ ઓગળી જાય છે. ફ્લૅટની બાલ્કનીની સામે અચાનક ઊભા થઈ ગયેલા ફ્લાયઓવર કે મેટ્રો લાઈનની જેમ. આ અનુભૂતિ રોમાંચક છે, પણ એમાં એકલતા ઓગળી જતી હોય એવું લાગે.
———————————————————————————–
છેલ્લા કેટલાય સમયથી કવિ કિસન સોસાની પંક્તિ મનને છોડતી નથી:
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી સુધી,
અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી સુધી.
નવી સદી આવી ને નવી સદીની પચ્ચીસમી દિવાળી પણ રૂમઝૂમ કરતી આવી. આપણાં બાળકો આપણે તારામંડળ જોતા હતા એવી રીતે ડ્રોન ઍટેક જુએ છે. જગત વિશ્ર્વયુદ્ધની ઔપચારિક ઘોષણા સિવાય લોહીલુહાણ છે. કદાચ માનવઈતિહાસમાં સૌથી વધુ નિરાશ્રિતો કૅમ્પમાં રહેતા હશે એવું લાગે છે. ચિંતા થાય એવા ઘેરાયેલા આકાશ નીચે કિસન સોસાની પંક્તિઓ બારીમાંથી અનેક પ્રકારના પવન સાથે ધસી આવે છે, પણ દિવાળી આવે જ છે એટલા માટે. આપણે આપણને જ થોડા પ્રશ્નો પૂછી નાખીએ એટલા માટે: ક્યાં છીએ અને ક્યાં જઈએ છીએ.
અલાસ્કાની થીજવી નાખે એવી ઠંડીમાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધની ગરમ વાત થઈ. ભાષા થીજી જાય એવા બદલાતા સમય અને બદલાતાં સમીકરણો વચ્ચે કોણ જાણે કેમ બહુ જ મજા આવી રહી છે. સકારણ. બધી પ્રવૃત્તિઓનાં કારણો અનાવૃત્ત થાય પછી જ જગતને શંકરાચાર્યની જેમ જોવાની ઋતુ બેઠી છે. ચિક્કાર દોડાદોડ વચ્ચે કોઈ કવિતા, સારો નિબંધ કે હલબલાવી દે એવી વાર્તા મળે એટલે મજા આવે છે. આ સોશિયલ મિડિયાના કોલાહલનો નશો ચઢતો નથી, એના ઊબકા પણ આવતા નથી. પર્યુષણ વ્યાખ્યાનનો એક શબ્દ રાત-દિવસ સાથે ને સાથે જાગતો રહે છે: સમ્યક્. બધું પ્રમાણસર. વિવેક ગુમાવી બેસીએ એવાં પ્રોત્સાહક અને ઉશ્કેરણીજનક તત્ત્વો હોય ત્યારે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વાંચીએ એટલે ગરમ કૉફી પીધાનો આનંદ આવે છે.
નવો સમય છે. નાના હતા ત્યારે સરઢવ જેવા ગામમાં કલોલની અંબિકા મિલનો સિક્કો દેખાય એવા કાપડમાંથી શર્ટ પહેરીને નીકળેલા દિવસની નિર્દોષ ગંધ શોધી કાઢી છે. કઈ દાબડીમાં સંતાડી હતી એવું ના પૂછતા. નવા સમયમાં નાકે નાક રાખ્યું છે. કેવી તાજગી, કેવું ભોળું ભોળું ભેગા થવાનું. આવી ક્ષણ આવે એટલા પે’લા બે માયાળુ અથવા માયાવી પ્રશ્ર્નોની મજા આવે, ક્યાં છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ. દિવાળી આવે એટલે આવા ચોપડા ખોલવાના. થોડી સ્મૃતિ માંડ જાગે ત્યારે એના પર વર્તમાન ચઢી આવે એ જોવાની મોજ પડે. વર્તમાન ક્યારેક ઘવાયેલા સૈનિક જેવો લાગે, ક્યારેક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી તૈયાર થઈ રહેલો બગીચો લાગે, ક્યારેક સમયના કપાળે જ લટકાવેલું પાટિયું જેના પર લખ્યું હોય: વર્ક ઈન પ્રોગ્રેસ.
વર્તમાનની ત્રણ વાત બહુ ગમે. જનરેશન ફટાફટ બદલાય. પચ્ચીસ વર્ષે નહીં, છ મહિનામાં પણ બદલાય. હમણાં ફર્સ્ટ એમબીબીએસમાં ભણતી દીકરી કહેતી’તી: My Bro looks little old and he is in hurry to become outdated. બીજું, બધાને બધું જલદી જીવી લેવું છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે. વાતાવરણ કાળાભમ્મર વાદળ જેવું લાગે, Unpredictable, જેનું ભવિષ્ય ભાખવામાં પડવા જેવું નથી. અને ત્રીજું, ટેક્ધોલૉજીની ચઢાઈ હાથવેંતમાં છે, એના નવા ભાષ્યકારો સમયની છાતી પર સ્ટેથોસ્કોપ મૂકીને બેઠા છે. એઆઈનાં ભાવિ કથનોની એક રસપ્રદ પરંપરા ઊભી થઈ છે. હમણાં એક અમેરિકન પ્રોફેસર મિત્ર સાથે ચોરે ને ચૌટે ચાલતી આ વાર્તાઓની વાત થઈ. એમણે આ એઆઈ-કથાઓને Democratization of science fiction એટલે કે વિજ્ઞાનકથાનું લોકતંત્રીકરણ જેવું લેબલ લગાવ્યું છે.
ક્યાં છીએના જવાબમાં માણસ સાવ નવા જ પ્રકારની એકલતા અનુભવી રહ્યો છે. કોરોના પછીના સમયમાં અસ્તવ્યસ્ત વાળ જેવું જીવન બની ગયું છે, હળવા મેન્ટલ ડિસઑર્ડરવાળા લોકો તો બહુ જ છે. અગમ્ય કારણોસર તણાવ વધ્યો છે. જે સમાજ સતત મનોરંજન માટે તલપ અનુભવતો હોય એના બધા સ્તરોની તપાસ થવી જોઈએ. ઘણા પરિવારોમાં બધાની ઈચ્છા હોવા છતાં બધા શાંતિથી બેસી શકતા નથી. તો બીજી તરફ, પૂર્વગ્રહ અને અભિપ્રાયોના લોખંડી દરવાજા સૌકોઈને છૂટા પાડવા માટે મહેનત કરી રહ્યા છે. આ કદાચ યુગશાપ હોઈ શકે.
એનાથી પેચીદો પ્રશ્ન ક્યાં જઈ રહ્યા છીએ એનો ઊભો થયો છે, યુવલ નોવાહ હરારી અને ઈલોન મસ્કની વાતોના અણસાર દેખાવા લાગ્યા છે. શું રોબો-મનુષ્યનાં સંયુક્ત સાહસો દુનિયાનું જુદા પ્રકારનું કલેવર ઘડશે? નવા પ્રકારનાં યુદ્ધ અને દરેક કામમાં ડિજિટલ દરમિયાનગીરી કેવું સામૂહિક કે વૈયક્તિક જીવન રચી આપશે એની અનિશ્ર્ચિતતા પણ ઘેરાઈ છે. આ બધા વચ્ચે સાહિત્યનો શબ્દ કેવી રીતે પોતાનો રસ્તો કાઢશે એ જોવાનું છે. લાર્જ-લૅન્ગ્વેજ મોડેલ્સ સાહિત્યનું વૈશ્ર્વિકરણ ઝડપથી કરશે એવું અનુભવાઈ રહ્યું છે. સાહિત્યકારો ગમ્મતમાં ચર્ચા કરી રહ્યા છે કે વાંચનારા કરતાં લખનારા વધી જાય એ હદે સોશિયલ મિડિયા વિસ્તર્યું છે. જો કે ગંભીરતાથી મનુષ્યચૈતન્યનો મહિમા અને સર્જકતાના સંરક્ષણ માટેના પ્રયત્ન થઈ રહ્યા છે અને કરવા પડશે.
એક વાત નક્કી છે-આપણે બહુ મોટા પરિવર્તનના બારણે આવીને ઊભા છીએ. મને જે અસ્તિત્વની નવી બારાખડી દેખાય છે એ આપણા અસ્તિત્વ અને વાસ્તવિકતા વિશેની આપણી સમજણમાં આવેલા ધરખમ ફેરફાર સમાન એટલે કે Ontological shift છે. એક રીતે જોઈએ તો જીવ-જગત અને જીવ-શિવના સંબંધોનું એક સમીકરણ રચાઈ રહ્યું છે, જેને Francis Fukuyama જેવા ચિંતકો Identity crisis કહે છે, એ એક જુદા પડાવ પર પ્રેમ, પ્રભુ, પરિવાર, પર્યાવરણ, પોષણની નવી પરિભાષા જન્માવે તો નવાઈ નહીં. એવું લાગે છે કે કશું નાટકીય કે એક જ ઝાટકે નહીં બને. આ જાગીને જોઉં તો જગત દીસે નહીં એવી નરસિંહ ક્ષણ નથી, પણ બધું રાબેતા મુજબ ચાલ્યા કરશે એવું તો બિલકુલ નથી. વિશ્વના ઘણા લોકોને ખબર જ નહીં પડે કે એ રોજ સવારે બહુ જ બદલાયેલા જગતમાં ઊઠે છે એવી પણ શક્યતા છે. આ એક નવી અનુભૂતિ છે, ફ્લૅટના ચોથા માળની બાલ્કની પાસેથી ફ્લાયઓવર અને મેટ્રો જવા માંડી એવું કશુંક આવી રહ્યું છે. એ રોમાંચક છે, પણ એકલા પાડી દે એવું.
આ અને આવતી પાંચ દિવાળી મહત્ત્વની બનવાની છે, મજા આવશે, કારણ કે રંગ અને રંગોળી બન્ને નવાં હશે. સાવધાની રાખવાની છે, આપણે છીએ એની જાગૃતિની. આ Beingના, હોવાપણાના મહિમાને સંતાડીને કે ગાઈ-વગાડીને ઊજવવાનો ઉત્સવ છે. ચાલો, એક દીવો પ્રગટાવીએ.
(ભાગ્યેશ જહા)
