શ્રદ્ધા એટલે પ્રયાસોનો અભાવ નહીં. શાંત ચિત્તે બે હાથ જોડીને બેસવાનો અર્થ એ નથી કે હાથ-પગ ચલાવવાના નથી…
—————————————————–
એક એવો માનવી સધ્ધર મળે
જેના સરનામે મને ઈશ્વર મળે.
– ખલીલ ધનતેજવી
દિવાળી આપણી આશાને અજવાળવા અને નવું વર્ષ આપણને પ્રોત્સાહિત કરવા સહર્ષ પધારે છે. જે નકારાત્મક ભાવનાની ખીંટીએ આપણે અટવાયા હોઈએ એનાથી મુક્ત થઈ ઝળહળ જ્યોતને આત્મસાત્ કરવાનો આ અવસર છે. આ જ્યોતમાં શ્રદ્ધાનું તેજ ઉમેરાય ત્યારે આપણી પરંપરા વધુ દેદીપ્યમાન લાગે.
કાકાસાહેબ કાલેલકરે દિવાળી નિબંધમાં એક રસપ્રદ વાત ટાંકી છે: ‘પુરાણોમાં કથા છે કે નરકાસુર નામનો એક પરાક્રમી રાજા પ્રાગ્જ્યોતિષમાં રાજ્ય કરતો હતો. પ્રાગ્જ્યોતિષ એટલે હમણાંનો ભુતાનની દક્ષિણે આવેલો આસામ સુધીનો મુલક. નરકાસુર બીજા રાજાઓ સાથે લડતો એ તો ઘડીભર નભાવી પણ લેવાય, પણ એ દુષ્ટે તો સ્ત્રીઓને હેરાન કરવા માંડી. એના કેદખાનામાં સોળ હજાર રાજકન્યાઓ હતી. શ્રીકૃષ્ણએ વિચાર કર્યો કે આ સ્થિતિ આપણને નામોશી લગાડનારી છે. હવે નરકાસુરનો નાશ કર્યે જ છૂટકો.
સત્યભામાએ કહ્યું: ‘સ્ત્રીઓનો ઉદ્ધાર કરવા માટે તમે જાઓ ત્યાં હું કેમ ઘેર રહું? નરકાસુર સાથે હું જ લડીશ.’
‘તમે મદદમાં ભલે રહેજો.’ શ્રીકૃષ્ણએ કબૂલ કર્યું.
‘તે દિવસે રથમાં સત્યભામા આગળ બેઠા હતા. શ્રીકૃષ્ણ પાછળ મદદમાં હતા. ચતુર્દશીને દિવસે નરકાસુરનો નાશ થયો, દેશ સ્વચ્છ થયો. લોકોએ આનંદ કર્યો. નરકાસુરનો કાળો કેર દૂર થયો એ બતાવવા લોકોએ રાત્રે દીપોત્સવ કર્યો અને અમાસની રાત્રે પણ પૂર્ણિમાની શોભા આણી!’
પછી કાકાસાહેબ એક અદ્ભુત વાક્ય ઉમેરે છે: ‘…પણ એ નરકાસુર એક વાર મર્યે મરે એવો નથી. એને તો દર વર્ષે મારવો પડે છે.’
કયો વિચાર મારવો અને કયો જિવાડવો એ વિશે ચિંતન આવશ્યક છે. ગાંડા બાવળની જેમ અવળા વિચારો આપણાં મન-મસ્તિષ્કનો કબજો લઈ લે ત્યારે બીજાની વાત તો જવા દો, સૌથી વધારે નુકસાન આપણને જ થાય છે. જે સનાતન સત્યો છે એ નિત્ય નૂતન રહેવાં જોઈએ. જે સનાતન દૂષણો છે એનો સામનો કઈ રીતે કરવો એ દરેક પેઢીની મથામણ છે. સનાતન મૂલ્યોનું જતન કઈ રીતે કરવું એ દરેક પેઢીની જવાબદારી છે. સનાતન સંવેદનોનું સંસ્કારસિંચન કરવાની શિક્ષકો અને મા-બાપની ફરજ છે.
જિંદગી એવી નિશાળ છે, જેમાં છુટ્ટીનો બેલ વાગે ત્યાં સુધી શિક્ષણકાર્ય ચાલતું રહે છે. ભયસ્થાન એ છે કે વારસાને ભૂલીને અપનાવવામાં આવતું પરિવર્તન મૂળથી દૂર લઈ જાય છે. પેઢીઓ વચ્ચેનું અંતર ઉંમરને આધીન હોય એનાથી વિશેષ સંસ્કારને આધીન હોય ત્યારે ઘર્ષણ તરફ દોરી જાય.
સાન-ભાન અને જ્ઞાનનું કામ જીવનને ઘડવાનું છે. આપણે કશું શીખ્યા ન હોઈએ છતાં કૉમન સેન્સ આપણને સતર્ક કરે છે. ભાન એટલે માત્ર દેહનું હલનચલન નહીં, પણ સમજણનું એક અનુભવવિશ્ર્વ. જ્ઞાનનું કામ સમજણને ઘડવાનું છે. જ્ઞાનમાં સંવેદનાનો ઉમેરો કરવાનું કામ શ્રદ્ધા કરે છે. આ બન્નેને સાંકળીને કવિ મકરંદ દવે એક લેખમાં લખે છે:
‘શ્રદ્ધાવાન, તત્પર અને સંયમ એ ત્રણે રૂપે માણસ તૈયાર થાય ત્યારે એને જ્ઞાન મળે. જ્ઞાન એટલે માત્ર માહિતી નહીં, પણ જીવનનો મર્મ સમજી શકે એ પ્રમાણે જીવવાનું સામર્થ્ય. જ્ઞાન એ શ્રદ્ધાનો વિરોધી શબ્દ નથી. અનેક શોધો કરનારો મોટો વિજ્ઞાની હોય, એ નિયમિત પૂજાપાઠ કરતો હોય તો આ બાબત એની ભીરુતા કે ભય પ્રગટ નથી કરતાં. બ્રહ્માંડનાં રહસ્યોને તાગતા વિજ્ઞાનીઓ અપાર અચરજને નિહાળી વધારે શ્રદ્ધાવાન બને છે. શ્રદ્ધાને આપણે ક્રિયાકાંડના લેબલ પૂરતી સીમિત કરી દીધી છે.’
મકરંદ દવેનું અવતરણ આગળ વધારીએ…
‘શ્રદ્ધા હોય, પણ તત્પરતા ન હોય અને તત્પરતા હોય, પણ એને કામે લગાડવાની શક્તિ ન હોય તો કશું જ હાથમાં આવતું નથી. પછી માત્ર વાતોનાં વડાં રહે છે અને એથી કાંઈ ભૂખ ભાંગતી નથી. સદા તત્પર અને સંયમિત શ્રદ્ધા જ્ઞાનની જનની છે. ચિત્તને પ્રસાદથી, પ્રસન્નતાથી ભરી દે એ શ્રદ્ધા.’
શ્રદ્ધા એટલે પ્રયાસોનો અભાવ નહીં. બે હાથ જોડીને બેસવાનો અર્થ એ નથી કે હાથ-પગ ચલાવવાના નથી. એક વિચાર તો એવો પણ આવે કે દિવ્યાંગ લોકો કયા પ્રેરક બેળથી જીવતા હશે? આપણે તો ચામાં સાકર ન હોય કે દાળમાં મીઠું ન હોય તોય રોકકળ કરી મૂકીએ, પરંતુ ઈશ્ર્વરે દૃષ્ટિ જ નથી આપી એવા પ્રજ્ઞાચક્ષુની દૃષ્ટિથી જો બે પળ વિચાર કરીએ તો આપણા ઉધામા ફોગટ લાગશે. આપણી મોટા ભાગની હાયવોય ટેવ પર નિર્ભર હોય છે, તર્ક પર નહીં.
આ વર્ષે જો ટેવ છોડવાનો સંકલ્પ કરવો હોય તો વ્યસનમુક્તિને પ્રાધાન્ય હોય જ, પણ બીજી કેટલીક બાબતો પર પણ વિચાર કરી શકાય. એકાદ-બે બાબત લઈએ તો બધી જગ્યાએ મોડા પહોંચવાની ટેવ ટાળવી જોઈએ. આપણા દેશમાં જેનો સમય ચાલતો હોય એને માન આપવામાં આવે છે, પણ સમયને માન નથી અપાતું. ક્યારેક સમયસર ન પહોંચીને માણસ પોતે બહુ મોટો હોવાનો સંકેત આપવા માગતો હોય છે. હકીકત તો એ છે કે સમયનું મૂલ્ય ન જાણીને અને ન સમજીને એ પોતાની કિંમત ઘટાડે છે. નિમંત્રણપત્રિકામાં છપાયેલા સમયે મોટા ભાગના કાર્યક્રમ શરૂ નથી થતા. આ એક પ્રકારની સમય-હિંસા છે.
સ્વચ્છતા સાથે આપણને બાપે માર્યાં વેર છે. બારીમાંથી ફગાવાતાં વેફરનાં રૅપર્સ અને પાણી-પીણાંની ખાલી બૉટલમાં ખરેખર આપણું પાણી મપાઈ જાય છે. સારા માણસ બનવું કે સારા નાગરિક બનવું એ પણ દેશસેવા જ છે.
દીવાનું તેજ અને આંખોનો ભેજ સચવાય એવી શુભેચ્છા સાથે ખલીલ ધનતેજવીની ચેતવણી પણ મુબારક:
માણસાઈ, હૂંફ, દીવો, રોશની
એ બધાંનાં એન્કાઉન્ટર થઈ ગયાં.
(હિતેન આનંદપરા)
