સિલ્વર માર્ગ ઉપર આવેલા આલીશાન બંગલાઓ દિવાળીમાં રોશનીથી છલકાતા હતા. આખા માર્ગ ઉપર ઝબકતી ઝીણી લાઈટોના તોરણો શોભતા હતા. એને કારણે રાત્રે પણ સોય પરોવી શકાય તેવો પ્રકાશ દેખાતો હતો.
મનોહર શેઠના બંગલાની બહાર ઝળહળાટ હતો. પરંતુ અંદર રહેલા માણસોના મનમાં અંધકાર હતો. જે આવા દિવસોમાં પણ ખુશીઓને અંદર આવવા દેતો નહોતો. સરિતા બે દિવસથી મ્હો ફુલાવી ફરતી હતી. સોનીને ત્યાં નવો બનાવવા આપેલો સોનાનો સેટ કોઈ કારણોસર બનીને આવ્યો નહોતો બસ એજ કારણે કકળાટ હતો.
“તમારે બધાને જે જોઈએ તે મળી જાય છે, આખો દિવસ ઘર હું સાચવું અને મારે કશું જોઈએ ત્યારે કાયમ આમજ બને છે. મને તો લાગે છે કોઈ જાણીને રમત રમી જાય છે.” આમ કહી નજરને મીનલ તરફ ફેરવી.
શેઠના દીકરા મોન્ટીની પત્ની મીનલ પણ બે દિવસ થી ગુસ્સામાં હતી. કારણ હતું મીનલ માટે આવેલું બ્રાન્ડેડ પર્સ તેની નણંદ સીમાને ગમી ગયું હતું. આ દિવાળીમાં તેને એ ભાભી તરફથી ગીફ્ટમાં જોઈતું હતું. બસ થઇ રહ્યું. પરસ્પર માંગ અને આશા અપેક્ષાઓમાં દિવાળીની ખુશીઓ હોળી બની ગઈ હતી.
આજ સિલ્વર માર્ગની પાછળની તરફ આવેલી નાની ઝૂપડપટ્ટીમાં દસ બાર નાના એક ઓરડીના મકાનો હતા. અંદર સાવ નાના લટકતા બલ્બમાંથી આછો પીળો પ્રકાશ રેલાતો હતો. અધખુલ્લી બારી માંથી બહાર જોઈ રહેલા કાનજીએ આઠ વર્ષના દીકરા સોમુને માથે હાથ ફેરવતા પૂછ્યું
“બેટા આ દિવાળીમાં તારે શું જોઈએ છે?”
“બાપુ મારે તો કશું નથી જોઈતું પણ આ ગુડ્ડી માટે ગુલાબી ઢીંગલી લાવજો. કાલે બજારમાં ઢીંગલી જોઈ બાનો સાડલો પકડી ત્યાજ ઉભી રહી ગઈ હતી. એનું લાવજો બહુ ખુશ થશે.”
“તો બેટા તારી હારું ફટાકડા લાવું?”
ના બાપુ એ તો આ સામે બંગલા વાળાઓ રોજ ફોડે છે અને આપણે જોઈએ છીએ.”
છેવટ કાનજીએ સોમુની માનાં હાથ ઉપર હાથ મુકીને પૂછ્યું
“તારે દિવાળીમાં શું જોઈએ છે એ તો કહે?
સોમુની મા સવી તો કાનજીના સ્પર્શ માત્ર થી ગુલાબી ગુલાબી થઇ ગઈ હતી.
“સોમુના બાપા આ વખત તેલ લેવા જાવ ત્યારે થોડું ઘી અને ખાંડ પણ લાવજો આ છોકરાઓ માટે ધીનો શીરો બનાવીશ. બહુ દહાડા થયા કશું હારું બનાવ્યાને. તમારે હું જોઈએ છે એતો કહો?” સવી એ આંખમાં આંખ પરોવી કહ્યું.
“મારે તો તમારી આંખોમાં ફૂટતા ફટાકડા એ જ દિવાળી છે.” કાનજીના ચહેરે ઝળહળાટ હતો.
- રેખા પટેલ (ડેલાવર-યુએસએ)