દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.
——————————————————————————————————
ગુજરાતી સર્જકે રાજસ્થાનના બિસાઉની વિશ્વપ્રસિદ્ધ મૂક રામલીલા પર બનાવેલી ફિલ્મ દેશ-વિદેશના એક ડઝન જેટલા
અયોધ્યા નગરીના રાજા દશરથને ત્રણ-ત્રણ રાણી, પણ સંતાન એકેય નહીં આથી ગુરુ વશિષ્ઠની આજ્ઞાથી ત્રણ રાણીઓ સાથે રાજા દશરથ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરી રહ્યા છે. બૅકગ્રાઉન્ડમાં અનુપ જલોટાનો સ્વર ગુંજી રહ્યો છે: અવધપુરી રઘુકુલ મનિ રાઉ, બેદ બિદિત તેહિ દસરથ નાઉ… હવે કૅમેરા રાજા દશરથ અને એમની રાણીઓ તથા યજ્ઞની વેદી પરથી હળવેકથી હટીને આસપાસ-ચોપાસ મંત્રમુગ્ધ બનીને આ દૃશ્ય નિહાળી રહેલા પ્રેક્ષકો પર ફરતો રહે છે…
– અને કર્ણમંજુલ કોરસ આપણને કહે છે: બાત કહું એક છોટી સી, યા લિક્ખું લંબા ઈતિહાસ, બિસાઉ કી યે રામલીલા તો સચ મેં હૈ બડી ખાસ… બોલો, રામ સિયારામ, બોલો, રામ સિયારામ…
આ છે રજની આચાર્યએ સર્જેલી આશરે એકસો ને સાત મિનિટની ફિલ્મ, બિસાઉ કી મૂક રામલીલાનો આરંભ. આજે ભારત જ્યારે રામમય બની ગયું છે ત્યારે આવી એક નોખી-અનોખી રામલીલા વિશે, એના પર સર્જાયેલી ફિલ્મ વિશે જાણવું રસપ્રદ બની રહેશે.
થોડા સમય પહેલાં જેમનું અવસાન થયું એ શૅરબજારના ખાંટૂ રાકેશ ઝુનઝુનવાલા રાજસ્થાનના જે જિલ્લામાંથી આવતા તે ઝુંઝુનુના એક નાનકડા કસબા બિસાઉમાં દર વર્ષે નવરાત્રિમાં ઉત્સવનું વાતાવરણ હોય છે. હા, રાસગરબા તો ખરા જ, પણ આ દિવસોનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે 166 વર્ષથી ભજવાતી મૂક રામલીલા. શ્રાદ્ધપક્ષની સમાપ્તિ બાદ તરત, પહેલા નોરતાથી સતત પંદર દિવસ આ રામલીલા સમી સાંજે સાતેક વાગ્યાથી લગભગ રાતે નવ-દસ વાગ્યા સુધી ભજવાય છે.
દેશભરમાં ભજવાતી રામલીલા અને બિસાઉની રામલીલા વચ્ચે એક તફાવત એ કે આ મૂક લીલા છે. જી હા, એમાં પાત્રો સંવાદ બોલતાં નથી અને એ મંચ પર નહીં, પણ ખુલ્લામાં, નગરના હાર્દ સમા વિસ્તાર રામલીલા ચોક પર ભજવાય છે. બીજું એક વૈશિષ્ટ્ય એટલે રામકથા રજૂ કરનારા કોઈ તાલીમબદ્ધ કલાકારો નહીં, બલકે નગરવાસીઓ જ હોય છે. દર વર્ષે જેની ઈચ્છા થાય એ રામ બને, સીતા બને કે પવનપુત્ર કે પછી રાવણ બને… સીતા કે મંદોદરી કે શબરી કે અહિલ્યાનું પાત્ર પુરુષો જ ભજવે એવુંય બને. બિસાઉના બાશિંદા રામકથાનાં વિવિધ પાત્રોના સ્વાંગ રચીને, મુખવટા પહેરીને રામાયણના વિવિધ પ્રસંગો રજૂ કરે છે. આ મૂક રામલીલાનું બીજું એક વૈશિષ્ટ્ય તે એ કે એમાં રાવણ ઉપરાંત મેઘનાદ, કુંભકર્ણ, અહિરાવણ એમ ચાર પૂતળાંનાં દહન થાય છે.
દર વર્ષે બિસાઉના બાશિંદા બે મહિના પહેલાંથી રામલીલાની તૈયારી શરૂ કરી દે છે. આ રામલીલામાં વિવિધ પાત્રનાં મહોરાં (મુખવટા)નું બડું મહત્ત્વ હોય છે. ભજવનારનો મુખવટો જોઈને પ્રેક્ષક પાત્રની ભૂમિકા સમજી લે છે. આ રીતે લગભગ દોઢસો જેટલાં મહોરાં તૈયાર કરવામાં આવે છે.
ઈતિહાસ ગવાહ છે કે સ્વાતંત્ર્ય મેળવવાના સૌપ્રથમ સંગ્રામ, ૧૮૫૭ની ક્રાંતિ વખતે કેટલાક સેનાનીઓ બ્રિટિશ ફોજથી છુપાતા આ વિસ્તારમાં આવેલા. એ સમયે બિસાઉ નજીક આવેલા રામાણા જોહડમાં સાધના કરતાં જમુના નામનાં સાધ્વીને આ ઘટના પરથી વિચાર આવ્યો કે બાળકો પાસે મૂક અભિનય કરાવી દેશદાઝ જગાવીએ તો? આ રીતે એમને અસ્ત્ર-શસ્ત્રનો પરિચય થાય, યુદ્ધકળાનું કૌશલ હસ્તગત થાય ને સંસ્કારનું સિંચન થાય. વળી, લોકનાટ્ય જોવા ભેગી થયેલી પ્રજા એકજૂટ થાય એ પણ એક હેતુ.
આ ફિલ્મના પ્રસ્તુતકર્તા તથા મૂક રામલીલાને વિશ્ર્વસ્તર પર ઓળખ તથા પર્યટન નકશામાં સ્થાન અપાવવાનું શ્રેય જેમને મળે છે એ મુંબઈમાં વસતા મૂળ બિસાઉના ઉદ્યોગપતિ કમલ પોદાર આ જ હકીકત જરા જુદી રીતે રજૂ કરતાં ચિત્રલેખાને કહે છે:
‘૧૮૫૭ના પ્રથમ ઐતિહાસિક સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન ત્રણ સ્વાતંત્ર્યસેનાનીએ બિસાઉના પાદરમાં વિવિધ સ્થળે આશ્રયસ્થાન બનાવેલાં. એ ત્રણ ક્રાંતિકારીમાં એક મહિલા હતાં, જેમનું નામ સાધ્વી જમુના. એમણે આ મૂક રામલીલાની આધારશિલા રાખી. એમનો આશય બાળકો-કિશોરોમાં સનાતન ધર્મ તથા દેશ પ્રત્યે ભાવના જગાવવાનો હતો. આમ ઝુંઝુનુ જિલ્લામાં ચુરુ સરહદ પર આવેલા અમારા આ ટપકા જેવડા બિસાઉને કોઈ જાણતું સુદ્ધાં નહોતું, કિન્તુ પ્રભુ શ્રીરામની કૃપાથી આજે એ દુનિયામાં મશહૂર છે. બિસાઉની અનોખી મૂક રામલીલા જોવા સ્થાનિક ઉપરાંત વિદેશી સહેલાણી પણ આવે છે. રાજસ્થાનના શેખાવતી વિસ્તારમાં ફરવા આવનારા લોકો માટે મૂક રામલીલા એક વિશેષ આકર્ષણ બની રહે છે.’
કમલ પોદાર અને એમના જેવા અન્ય વેપારીઓ દર વર્ષે અપાર જહેમતથી ચોક્કસ તિથિએ રામલીલા ભજવાય એ માટે બિસાઉના આયોજકો સાથે સંપર્કમાં રહી એ પાર પડે એનું ધ્યાન રાખે છે. આ ફિલ્મ પણ કમલ પોદારના ઉદાર અનુદાનથી જ બની, જેમાં તાઈવાન તથા અમેરિકાનાં નિર્માણગૃહો પણ જોડાયાં છે.
એ કાળમાં વિવિધ પાત્રો ભજવતાં બાળકો, કિશોરોને સંવાદ બોલવામાં પરેશાની થતી હોવાના લીધે રાવણવંશ સહિત હનુમાન, વાલી, સુગ્રીવ, જામવંત, નલ-નીલ, દધિમુખ, વગેરે પાત્રોના મુખવટા લગાવીને એનું મંચન કરવામાં આવતું. ત્યારથી આજ સુધી મૂક રામલીલાની પરંપરા જળવાઈ રહી છે. એ રીતે જોતાં, જેમ ગણેશોત્સવનાં મૂળિયાં સ્વાતંત્ર્યસંગ્રામમાં છે એમ આ મૂક રામલીલાનાં મૂળ પણ આઝાદીની લડાઈમાં છે.
બિસાઉની શ્રી રામલીલા પ્રબંધ સમિતિ આ રામલીલાનો પ્રબંધ કરે છે. એક સમયે એ બિસાઉ રેલવેસ્ટેશન પર પણ ભજવાતી. ૧૯૪૯થી ગઢની પાસે આવેલા બજારમાં મુખ્ય માર્ગ પર લીલાનું મંચન થતું. આજે શહેરના હાર્દ સમા વિસ્તારમાં માટી પાથરી એની પર રામલીલા ભજવાય છે. ઉલ્લેખનીય તે એ કે આ રામલીલાને ભજવનારા કલાકારોથી માંડીને એના સાજઅસબાબ તૈયાર કરનારા, મુખવટા બનાવનારા, વગેરે બધા બિસાઉવાસી જ હોય છે. એ રીતે આ રામલીલાને નાગરિકો કી, નાગરિકો દ્વારા, નાગરિકો કે લિયે રચાઈ ગઈ રામલીલા પણ કહે છે.
ફિલ્મના સર્જક રજની આચાર્ય કહે છે કે અમારું શૂટિંગ પૂરું થયું ત્યારે અમારી પાસે ૧૫૦ મિનિટનું ફૂટેજ ભેગું થયું. એને એડિટ કરી, બૅકગ્રાઉન્ડમાં કથાકથન તથા અનુપ જલોટા-અનુરાધા પૌડવાલના કંઠમાં ગવાયેલાં ભજન, ચોપાઈ ઉમેરી ૧૦૭ મિનિટની ફિલ્મ બનાવી.
અડધો ડઝન કૅમેરા, ડ્રોન, ક્રેન, ટ્રૉલી અને ૩૦થી વધુ કસબી સાથે ફિલ્મ શૂટ કરનારા રજનીભાઈ ઉમેરે છે કે ડોક્યુમેન્ટરી બનાવવાનું પ્રયોજન છે: આ પારંપરિક લોકકળા-સંસ્કૃતિ તથા રામલીલા ભજવવાની અનોખી શૈલીની જાળવણી.
રજની આચાર્ય ભારતીય ટીવીઈન્ડસ્ટ્રીનું એક મહત્ત્વનું નામ છે. એમણે રામાનંદ સાગર સાથે ત્રણ-ત્રણ દાયકા કામ કર્યું. ટીવીસિરિયલ રામાયણમાં પણ એ આરંભથી અંત સુધી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં રત રહ્યા. આ પહેલાં એમણે હાલ જેમની જન્મશતાબ્દી ઊજવાઈ રહી છે એ મોહમ્મદ રફી પર દાસ્તાન-એ-રફી, ગુજરાતી પ્રજાને ગાતી કરનારા સ્વરકાર અવિનાશ વ્યાસ પર સૂર શબ્દનું સરનામું, બોલીવૂડના વિગમેકર વિક્ટર પરેરાની જીવનકથા જેવી અડધો ડઝન જેટલી ફિલ્મ બનાવી છે. રફીસાહેબની ફિલ્મ વિવિધ માધ્યમો પર બે કરોડથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે ને એ યુટ્યૂબ પર જોઈ શકાય છે. ટૂંક સમયમાં રજનીભાઈ ગાયક મહેન્દ્ર કપૂરની લાઈફોગ્રાફી સાથે હાજર થશે, જ્યારે બિસાઉ કી મૂક રામલીલાનો આ વર્ષે જ પ્રીમિયર થયો એ પછી દેશ-દુનિયાના એક ડઝન જેટલા વિવિધ ઈન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એનું પ્રદર્શન ઉપરાંત શ્રેષ્ઠ ફિલ્મના એવૉર્ડ એ મેળવી ચૂકી છે.
રજનીભાઈના કહેવા મુજબ, અમુક ઓટીટી પ્લૅટફૉર્મ્સ સાથે વાટાઘાટ ચાલે છે. જો બધું સમુંસૂતરું પાર પડી જશે તો એ એકાદ મહિનામાં દેશ-દુનિયાના ફિલ્મપ્રેમીઓને એ જોવા મળશે.
એક રસપ્રદ વાત એ કે વિશ્વની આ એકમાત્ર મૂક રામલીલાને અયોધ્યામાં ઉદ્ઘાટિત થવા જઈ રહેલા શ્રીરામમંદિરના સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવશે. વિવિધ ભાષામાં ડબ કરીને આ ફિલ્મ તેમ જ બિસાઉના સાંસ્કૃતિક વારસા સમાં ચિત્રો, મુખવટા, વગેરે પ્રદર્શિત કરવામાં આવશે.
– કેતન મિસ્ત્રી (મુંબઈ)