(કેતન ત્રિવેદી)
થોડાક દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો ખાસ્સી ચર્ચામાં રહ્યો. ચુકાદો એ મતલબનો હતો કે પિતાની સ્વ-અર્જિત સંપત્તિમાં દીકરીનો પણ એટલો જ અધિકાર છે. આમ પણ, દીકરી ઘરની વારસ ગણાય કે કેમ એ મુદ્દો કાનૂની ઉપરાંત સામાજિક રીતે આપણે ત્યાં હંમેશા ચર્ચામાં રહ્યો જ છે.
વેલ, આ તો થઇ ભૌતિક કમાણીની, ભૌતિક મિલકતની વાત, પરંતુ કેટલીક મિલકત એવી પણ હોય છે જેમાં વારસદારે વડીલોપાર્જિત ધન-સંપત્તિ વાપરવાના બદલે તેનું જતન કરવાનું હોય છે, એનું સંવર્ધન કરવાનું હોય છે, ખાસ કરીને જ્યારે એ સંપત્તિ કોઈ સર્જકની હોય!
અને, એ સંપત્તિનું સંવર્ધન શ્રેષ્ઠ રીતે કેમ થાય એ જો જોવું હોય તો સંસ્કાર અને સાહિત્યની નગરી ગણાતા ભાવનગરમાં જવું પડે.
અહીં મહિલા કોલેજ નજીક આવેલા સાગર નામના બંગલોમાં સુનીતાબહેન રહે છે, સુનીતાબહેન શાહ. આમ તો ખુદ સુનીતાબહેનને જઇને કહો કે, સુનીતા શાહ અહીં રહે છે તો બે ઘડી એ પોતે પણ વિચારમાં પડી જાય કે આ સુનીતા શાહ વળી કોણ?! પરંતુ તમે ‘સુનીતા ઇજ્જતકુમાર’ એમ કહો તો આખા ભાવનગરનું સાહિત્યવર્તુળ એમને ઓળખતું જોવા મળે.
જી, આ સુનીતાબહેનની એક ઓળખ સર્જક અને લઘુ-કથાકાર તરીકેની ખરી. પોતે ખૂબ વાંચે અને લખે, પણ એમની બીજી એક ઓળખ ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા લઘુ-કથાકાર ઈજ્જતકુમાર ત્રિવેદીના દીકરી તરીકેની. આપણે આજે જે વાત કરવી છે એ સુનીતાબહેનની એક સર્જક તરીકેની નહીં, પણ એક દીકરી તરીકે એમણે પિતા તરફથી મળેલા સાહિત્યના વારસાનું કઈ રીતે જતન કર્યું છે એની છે.
એક વારસ તરીકે સુનીતાબહેન અહીં અન્ય સર્જકોના સંતાનો કરતા એક ડગલું આગળ વધ્યા છે અને પિતાજીની યાદમાં એમણે એક નવો જ યજ્ઞ શરૂ કર્યો છે. પુસ્તકોના પ્રચાર-પ્રસાર દ્વારા વાંચનના શોખની ક્ષિતિજોને વિસ્તારવાનો યજ્ઞ. મહુવાની જે.પી. પારેખ વિદ્યાલયમાં શિક્ષક રહી ચૂકેલા ઇજ્જતકુમારનું અવસાન થયું ત્યારે એમની ઘણી લધુકથાઓ પુસ્તકસ્વરૂપે આવવાની બાકી હતી. ખુદ ઇજ્જતકુમારે એનું સંપાદન, પુસ્તકનું ટાઇટલ પસંદ કરી રાખેલું. સુનીતાબહેને સૌ પ્રથમ તો પિતાજીના અવસાન પછી એમના લખાણોના ત્રણ પુસ્તક- સાતમો કોઠો, મીઠા જળનો લોટો અને પ્રતિનિધિ લઘુકથાઓ પ્રકાશિત કર્યા.
એ પછી એમણે પિતાજીના વતન લીલિયા મોટા ખાતે વર્ષ 2015માં કેટલાંક પુસ્તકો અને કબાટ ભેટ કરીને પિતાજીના નામે ગ્રંથ કોર્નર શરૂ કરાવ્યો. સુનીતાબહેન કહે છે, ‘વાંચન એ માનવ મનનો આધ્યાત્મિક વારસો છે. બાળપણમાં પિતાજી અમને વારંવાર પૂછતાઃ શું વાંચો છો? મારી બા નોન-મેટ્રીક સુધી ભણેલી, પણ એ પિતાજીના લખાણોની સૌ પ્રથમ વાચક હતી એટલે વાંચનનું મહત્વ અને માહત્મ્ય જળવાઇ રહે, એ વધુને વધુ પ્રસરે એવા હેતુથી પિતાજીની યાદમાં ગ્રંથ કોર્નર બનાવવાનું નક્કી કર્યું.’
સારી એવી આવક ધરાવતી સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇને ફક્ત આ જ પ્રવૃત્તિ માટે સમય ફાળવનાર સુનીતાબહેને એ પછી તો મહુવામાં જ્યાં પિતાજી નોકરી કરતા ત્યાં, ભાવનગરના બ્રહ્મક્રાંતિ સંઘની બહેનો માટે, વૃધ્ધાશ્રમમાં એમ જ્યાં તક મળી ત્યાં ઇજ્જતકુમાર ત્રિવેદી ગ્રંથ કોર્નર ઉભા કર્યા. પુસ્તકો પણ એ ભેટ આપે અને એને સાચવવા કબાટ-બુક શેલ્ફ પણ એ જ આપે. અત્યાર સુધીમાં એમણે સાતેક ગ્રંથ કોર્નરમાં ત્રણેક હજાર પુસ્તક પોતાના ખર્ચે ભેટ આપ્યા છે. દીકરીના લગ્ન કર્યા ત્યારે લાખણકા ગામની પ્રાથમિક શાળાને બાળ સાહિત્યના પુસ્તકો-કબાટ ભેટ આપ્યાં. જે મોરારીબાપુ એક સમયે પિતાજીના વિદ્યાર્થી રહી ચૂક્યા હતા એ બાપુએ પણ દીકરીના આ મનોરથને આશીર્વચનથી વધાવ્યો. આ પ્રવૃત્તિ માટે એમને નારીશક્તિ અને નારીરત્ન જેવા બહુમાન મળ્યાં છે એનો આનંદ ખરો, પણ મૂળ આનંદ તો પિતાજીની યાદમાં સતત આવી પ્રવૃત્તિ કરતા રહેવાનો.
સુનીતાબહેન આટલેથી અટક્યા નથી. ઇજ્જતકુમાર ત્રિવેદીની લગભગ અઢીસો જેટલી લઘુકથાઓ એમણે પસંદ કરી છે. ઇચ્છા છે કે પ્રત્યેક લધુકથા પરથી સાત-આઠ મિનીટની શોર્ટ ફિલ્મ બનાવવી. દરેક કથામાં કાંઇક સંદેશ હોય, કોઇકને કોઇક પ્રકારની પ્રેરણા હોય, મૂલ્યોની વાત હોય. આ પ્રોજેક્ટ પર એમણે ઓલરેડી કામ શરૂ દીધું છે.
આ તો ખર્ચાળ કામ છે. બજેટનું શું?
જવાબમાં સુનીતાબહેન આત્મવિશ્વાસથી કહે છે, ‘પિતાજીની યાદમાં કોઇ કામ એવું નથી, જે નાણાના અભાવે અટક્યું હોય.’
સુનીતાબહેને પોતે એક લઘુકથા લખી છેઃ અણસાર. એમાં વાત એવી છે કે, પિતાજી મહુવામાં માલણ નદીના કિનારે જશુબાપુની જગ્યાએ કલાકો સુધી બેસવા જતા. કથાની નાયિકા, એટલે કે લેખિકા પોતે, જ્યારે એ જગ્યાએ જાય છે ત્યારે ત્યાંના મહંતને એમના ચહેરા પરથી અણસાર આવી જાય છે કે, એ ઇજ્જતકુમારના દીકરી છે.
ખ્યાતનામ લઘુકથાકાર મોહનલાલ પટેલે આ લઘુકથાને એક દીકરીએ પિતાને તર્પણરૂપે આપેલું અર્ધ્ય અથવા ભાવાંજલિ ગણાવી છે. પિતાના વારસાનું આનાથી સારું જતન કોઇ દીકરી કેવી રીતે કરી શકે?