નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું. જેમાં તેમણે ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્રસિંહ શંટીને આમ આદમી પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી હતી. જીતેન્દ્ર સિંહ શાંતિ વર્ષ 2013માં ભાજપ તરફથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. જીતેન્દ્રસિંહ શંટીનું AAPમાં સ્વાગત કરતાં કેજરીવાલે કહ્યું કે તેમના આગમનથી પાર્ટી મજબૂત થશે.AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકે આ પ્રસંગે કહ્યું કે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા જીતેન્દ્ર સિંહ શંટી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કોરોના મહામારી દરમિયાન લોકોને મોટાપાયે મદદ કરવાને કારણે તેમને એમ્બ્યુલન્સ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાવવા માટે, બીમાર લોકોને એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અને પોતે 100થી વધુ વખત રક્તદાન કરવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે.