શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા મહાપર્વ પર્યુષણનો આનંદોત્સવ
મુંબઈ: આજના આ અત્યંત વ્યસ્ત જીવનમાં સ્વયંને મળવાનો વિશ્રાંતિરૂપ સમય એટલે પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પ્રશાંત નિશ્રામાં ગાળેલા પર્યુષણ પર્વના આઠ દિવસ! શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા મુંબઈના વર્લીના વિશાળ એન.એસ.સી.આઈ. ડોમમાં આયોજિત પર્યુષણ પર્વની આ અષ્ટદિવસીય ઉજવણીઓમાં દેશ વિદેશથી હજારો લોકો પ્રત્યક્ષ તેમજ ઓન લાઈન લાખો લોકો જોડાયા હતા. પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પાવન નિશ્રામાં ઉજવાયેલ આ પર્વ એક ઝળહળતું ઉદાહરણ છે, ઉત્સવ અને ઉંડાણના અદ્ભૂત સમન્વયનું! સવારની સ્નાત્રપૂજા અને સાંજની વિવિધ ભક્તિમય પ્રસ્તુતિઓ જેમ કે ‘જૈનધર્મ કા યશોગાન’ નાટ્યપ્રયોગ, સહુને ગહન શાંતિમા લઇ જનાર સાઉન્ડબાથ અને કેન્ડલલાઈટ મેડિટેશન અને શ્રી મહાવીરજન્મની ભવ્ય ઉજવણીઓએ ઉત્સવનું ભવ્ય વાતાવરણ સર્જી રહ્યું છે.આ સમગ્ર આરાધનાનું મુખ્ય આકર્ષણ એવા પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના સવાર-સાંજના પ્રવચનો આત્માને ઢંઢોળનારા તથા સ્વયંના ઊંડાણમાં પ્રેમભીનો સ્પર્શ કરાવતાં બની રહ્યા છે! આ વર્ષે, પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજી સવારે ‘નાટક સમયસાર’ પર અને સાંજના જાગૃતિ પ્રેરક પ્રવચનોમાં ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત’ પર આધારિત ‘ધર્મનું યથાર્થ સ્વરૂપ’ ઉદ્દઘાટિત કરી રહ્યા છે. તેઓ શ્રી ભગવાન મહાવીરના સિદ્ધાંતોને એટલી સચોટ અને સરળ શૈલીમાં સમજાવે છે કે શ્રોતાઓને તેમની વર્તમાન સમસ્યાઓના સમાધાન તેમાંથી જ મળી જાય છે. ધર્મને તેઓ જીવનની ગુણવત્તા સુધારવાના એક માર્ગ અને આંતરિક રૂપાંતરણનું કારણ બનાવે છે. ધર્મ પ્રત્યેની સમજને વધુ ગહન બનાવતા આ સરળ અને સચોટ પ્રવચનોથી પ્રેરિત થઇ શ્રોતાજનોની વધુ અર્થપૂર્ણ જીવન જીવવાની પ્રતિબદ્વતા મજબૂત થઇ રહી છે.અધ્યાત્મ ઉપરાંત પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશજીએ સમાજસેવા પર પણ ખુબ ભાર મુક્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશજીની પ્રેરણા અને માર્ગદર્શનથી વર્ષોથી વૈશ્વિક સ્તરે અનેક સેવા પ્રોજેક્ટસ સફળતાપૂર્વક ચલાવી રહ્યું છે. આ અષ્ટદિવસીય ઉજવણીઓની અનેક સંધ્યાઓએ થયેલ વિમોચનોએ પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશજીની કરુણાનો સ્પર્શ કરાવ્યો, જે વ્યક્તિગત અને સામાજિક ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બની રહેશે.‘SRMD કોર્સીસ’નું વિમોચન પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશજીની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ ફિલ્મ પ્રોડ્યૂસર રોની સ્ક્રૂવાલા, UBS બેંકના વડા અને મેરેથોન રનર મિકી દોશી, NVIDIA કોર્પોરેશનના બોર્ડ સભ્ય ડૉ. આરતીબેન શાહ અને નવનીત એજ્યુકેશન લી.ના મેનેજીંગ ડાયરેકટર સુનિલ ગાલા અને સુપ્રસિદ્ધ લેખક અમીશ ત્રિપાઠીના શુભ હસ્તે કરવામાં આવ્યું. જીવનને વધુ શ્રેષ્ઠ બનાવતાં શારીરિક, માનસિક, પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક એમ પાંચ આયામોનો સુમેળ ધરાવતાં આ કોર્સીસ પ્રાચીન આધ્યાત્મિક બોધ પર આધારિત છે, જે ભાગ લેનારને પૂર્ણ સુખાકારી અને પરિપૂર્ણતા પામવાના સાધન રૂપ બની રહેશે.‘મિશન આફ્રિકા’ પ્રોજેક્ટ અંતર્ગત આફ્રિકા ખંડના 16 દેશોમાં ભોજન, પાણી, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, વ્યવસાયિક તાલીમ, કૃષિ વિકાસ અને આરોગ્યના મુદ્દાઓ પર કાર્ય કરવામાં આવશે. આ 16 દેશોનું પ્રતિનિધિત્વ કરતાં તાન્ઝાનિયા, કેન્યા, ધ ગેમ્બિયા, રવાન્ડા, બુરુન્ડી, ચાડ, ઇથોપિયા અને ડેમોક્રેટિક રિપબ્લીક ઓફ ધ કોંગોના એમ્બેસડર અને હાઈ કમિશનરો દ્વારા ‘મિશન આફ્રિકા’નો શુભારંભ કરવામાં આવ્યો.આ રીતે, પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશજીએ પર્યુષણ પર્વને સ્વયંની નજીક સરકવાનો અને અન્યની નિઃસ્વાર્થ સેવાનો ઉત્સવ બનાવ્યો છે.