શિવનું સ્વરૂપ કેવું છે? તેઓ કોઈ સ્થાનમાં વિરાજે છે? જો કોઈ કહે છે કે શિવ 15000 વર્ષ પહેલાંના યોગી છે, કે તેઓ કૈલાશમાં વિરાજે છે તો તે વાત તથ્ય વિહીન છે. શિવ અરૂપા છે. તેમને કોઈ આકાર નથી. શિવ કોણ છે? હું કહીશ કે કોણ શિવ નથી? વિશ્વમાં સર્વત્ર શિવ છે. સમગ્ર બ્રહ્માંડ શિવ છે. સૃષ્ટિનું કણ કણ શિવથી બનેલું છે. શિવ તત્ત્વ છે. સઘળું શિવમાંથી જ ઉત્પન્ન થયું છે અને શિવમાં જ લય પામે છે. શિવ આકાશ છે, ચૈતન્ય છે.
શિવની સાથે સૃષ્ટિમાંથી કંઈ કેટલુંય સંલગ્ન કરવામાં આવ્યું છે. તેનો અર્થ શું છે?
શિવનું શરીર: આકાશ બ્લૂ રંગનું છે. બ્લૂ રંગ અનંતતાનો રંગ છે. જેને કોઈ સીમા નથી, જે તત્ત્વ બધે જ વ્યાપ્ત છે, જેનો કોઈ આકાર નથી તે કઈ રીતે દર્શાવી શકાય? સામાન્ય લોકોને સમજાય એટલે શિવનું શરીર દર્શાવવું પડે, ભલે વાસ્તવમાં શિવનું કોઈ સ્વરૂપ જ નથી તેમ છતાં ઋષિઓએ સરળતા માટે શરીર સ્વરૂપમાં ગહન, અનંત દિવ્યતાને વ્યક્ત કરી છે. પરંતુ અનંતતા સમજાવવા માટે બ્લૂ રંગનો ઉપયોગ કર્યો છે. જ્ઞાનનો કોઈ આકાર નથી પરંતુ તે સૃષ્ટિનાં કણ કણમાં વ્યાપ્ત છે. સૃષ્ટિનું કણ કણ શિવથી સંતૃપ્ત છે, સમગ્ર બ્રહ્માંડ શિવનું જ શરીર છે.
અર્ધ ચંદ્ર: જ્યાં મનનો અંત આવે છે, જ્યાં મન નથી, ત્યાં શિવ છે. ચંદ્ર મનનો કારક છે. જ્યાં મન છે જ નહીં, એ અવસ્થાની અભિવ્યક્તિ પણ કઈ રીતે થાય? કારણ, કંઈ પણ સમજવા માટે, અનુભવ કરવા માટે અને તેની અભિવ્યક્તિ કરવા માટે થોડી માત્રામાં પણ મનની ઉપસ્થિતિ હોવી અનિવાર્ય છે. ન-મન ની અવસ્થા ધરાવતી અનંત ચેતનાને પણ જગતમાં પ્રકટ થવા, આંશિક મન જોઈએ. તો અનભિવ્યક્તને વ્યક્ત કરવા, દર્શાવવા આંશિક મન – અર્ધ ચંદ્રનાં સ્વરૂપમાં શિવનાં મસ્તિષ્ક ઉપર દર્શાવવામાં આવે છે. જ્ઞાન મનની પરે છે, પરંતુ તેને વ્યક્ત કરવા મનનું માધ્યમ જોઈએ, જે અર્ધ ચંદ્રનાં પ્રતીકથી દર્શાવાયું છે.
ગંગા: ગંગા એટલે જ્ઞાન. જ્ઞાન જે આત્મશુદ્ધિ કરે છે. મસ્તિષ્ક જ્ઞાનનું પ્રતીક છે. જયારે હૃદય એ પ્રેમનું પ્રતીક છે. ગંગા શિવની જટામાંથી વહેતી દર્શાવી છે. જો ગંગા પ્રેમની સંજ્ઞા હોય તો તે શિવનાં હૃદયમાંથી વહેવી જોઈએ. પણ તે મસ્તિષ્કમાંથી વહે છે. એટલે તે જ્ઞાનનું પ્રતીક છે. જ્ઞાનથી મોક્ષ સંભવે છે. જ્ઞાન મુક્તિ પ્રદાન કરે છે. જ્ઞાન શુદ્ધ કરે છે. આ સઘળી જ્ઞાનની લાક્ષણિકતાઓ છે. જ્ઞાન એટલે ગતિ. અને આ બધું દર્શાવવા ગંગાને શિવનાં મસ્તિષ્કમાંથી વહેતી દર્શાવાય છે.
સર્પ: સમાધિની એ અવસ્થા, જ્યાં કંઈ જ નથી, જ્યાં માત્ર ચેતન અવકાશ છે, તે શિવ છે. જ્યાં પૂરેપૂરી સજાગતા છે પણ કોઈ કાર્ય ઘટિત નથી થઇ રહ્યું. સજાગતાનાં પ્રતીક રૂપે શિવનાં ગળામાં સર્પ દર્શાવાય છે. તો સર્પ એ સજાગતાની સંજ્ઞા છે. ધ્યાનની સ્થિતિમાં, જ્યારે આંખો બંધ હોય છે ત્યારે એવું ભાસે છે કે વ્યક્તિ નિદ્રાવસ્થામાં છે પણ વાસ્તવમાં તે સચેત, સજાગ છે. ધ્યાનની સ્થિતિમાં સજગતાની અવસ્થાનું નિરૂપણ કરવા માટે શિવનાં ગળામાં સર્પ દર્શાવવામાં આવે છે.
ડમરુ: ડમરુ એ બ્રહ્માંડનું પ્રતીક છે. જે હંમેશા વિસ્તરે છે, સંકોચન પામે છે, પુન: વિસ્તરે છે. સર્જનની આ પ્રક્રિયા છે. જો તમે તમારાં હૃદયના ધબકારાની ગતિ જોશો તો તે સીધી રેખામાં નથી. લયબદ્ધ રીતે, તે ઉપર જાય છે, ફરી નીચે આવે છે. જગત આખું તરંગ છે. ઉર્જામાં વધારો થાય છે, ઘટાડો થાય છે. આ તરંગની લયબદ્ધતામાં જગત ચાલતું રહે છે. ડમરુનો આકાર જોશો તો સમજાશે કે તે વિસ્તરણ, સંકોચન, વિસ્તરણની લયનું આલેખન કરે છે. ડમરુ ધ્વનિનું પણ પ્રતીક છે. ધ્વનિ લય પણ છે અને ધ્વનિ ઉર્જા પણ છે. આખું બ્રહ્માંડ માત્ર તરંગ જ છે. માત્ર લયબદ્ધ તરંગ. ડમરુ બ્રહ્માંડનાં અદ્વૈત સ્વભાવની સંજ્ઞા છે.
ત્રિશૂળ : ચેતનાનાં ત્રણ પરિમાણને દર્શાવવા ત્રિશૂળની સંજ્ઞાનું ઉપયોજન કરવામાં આવે છે. જાગૃત, સ્વપ્ન અને નિદ્રા એ ત્રણ ચેતનાની અવસ્થા છે. જે ત્રણ ગુણ – સત્ત્વ, રજસ અને તમસ સાથે સંયોજિત છે. શિવ ત્રિશૂળ ધારણ કરે છે, અર્થાત શિવ જાગૃત, સ્વપ્ન અને નિદ્રા – આ ત્રણેય અવસ્થાઓથી પરે છે પરંતુ આ ત્રણેય અવસ્થાઓને તેઓ ધારણ કરે છે. દિવ્યતા ત્રણ ગુણોથી પરે છે પરંતુ ત્રણેય ગુણોને એકબદ્ધ કરી રાખનાર, સંયોજન કરનાર દિવ્યતા જ છે. શૂલ એટલે સમસ્યા કે પીડા, ત્રિશૂળ અર્થાત જે સઘળી સમસ્યાઓ અને પીડાનો નાશ કરે છે.
શિવલિંગ: લિંગ એટલે ઓળખ, સંજ્ઞા કે જેના દ્વારા સત્યની ઓળખ થાય છે. બ્રહ્મનને કઈ રીતે ઓળખશો? કારણ તેને કોઈ આકાર જ નથી. પરંતુ શિવતત્ત્વ આખાં બ્રહ્માંડમાં વ્યાપ્ત છે એટલે ઋષિઓએ બ્રહ્મનને જાણવા માટે સંજ્ઞા આપી. તેને શિવ લિંગમ કહેવાય છે. આકારથી નિરાકાર તરફ જવું માત્ર શિવલિંગ થકી સંભવ છે. શિવલિંગ સૂચવે છે કે બ્રહ્માંડ અને બ્રહ્માંડનું સર્જન કરનાર એક જ છે. શિવ અને શક્તિ આ બંને, સમગ્ર સર્જનનાં બે સિદ્ધાંતો છે. એક સિદ્ધાંત જે અપ્રકટ છે અને તેથી મૌન છે અને બીજો સિદ્ધાંત જે પ્રકટ થયેલો છે અને ગતિશીલ છે, આ બંનેનું પ્રતીક એ શિવલિંગ છે. શિવલિંગ માત્ર શિવ નહીં પરંતુ સર્વોચ્ચ ચેતનાનું પ્રતીક છે.
નંદી: પુરાતનકાળમાં ધર્મ અને નીતિપરાયણતા માટે બળદનું પ્રતીક વિશ્વની બધી જ સંસ્કૃતિમાં આલેખવામાં આવતું હતું. શિવ નંદી પર સવારી કરે છે તેનો અર્થ એ કે જ્યારે તમે પ્રામાણિક અને સત્યપરાયણ છો ત્યારે અનંત, નિર્દોષ ચેતના સતત તમારી સાથે હોય છે.
તાંડવઃ સમગ્ર સર્જન એક ચેતન તત્ત્વનું નર્તન છે. એક જ ચૈતન્ય તત્ત્વ સૃષ્ટિ પર લાખો પ્રજાતિઓમાં પ્રકટ થઈને નર્તન કરે છે. તો આ અનંત સર્જન એ શિવનું નર્તન છે, તાંડવ છે.
કૈલાશ: કૈલાશ પર્વત એ શિવનું આવાસ સ્થાન છે. કૈલાશનો અર્થ થાય છે, નિરંતર ઉલ્લાસ અને ઉત્સવનું સ્થાન. એ જ રીતે સ્મશાન પણ શિવનું સ્થાન છે. સ્મશાન એટલે જ્યાં શૂન્યાવકાશ છે. દિવ્યતા ઉત્સવ અને અવકાશ બંનેમાં વસે છે. તમારી અંદર પણ શૂન્યતા અને ઉત્સવ બંને છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)