અમદાવાદઃ રાજ્યોનાં ચૂંટણી પરિણામો પછી શેરબજાર ફરી એક વાર ટ્રેક પર આવી રહ્યું છે. છેલ્લાં પાંચ ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સ 3000 પોઇન્ટથી વધુ વધ્યો છે અને 82,000ને પાર થયો થયો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સે 24,700ના સ્તરને પાર કર્યું છે. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.5 લાખ કરોડનો વધારો થયો છે.
ઘરેલુ બજારમાં વિદેશી રોકાણકારો પરત ફર્યાની શક્યતા છે, જેને લીધે રોકાણકારોના વિશ્વાસમાં પણ વધારો થયો છે. ટ્રેડિંગ સેશન દરમ્યાન સેન્સેક્સમાં ભારે ઉતારચઢાવ જોવા મળ્યો હતો.બજારની નજર આવતી કાલે RBIની ધિરાણ નીતિની સમીક્ષામાં કમિટી વ્યાજદર અંગે શો નિર્ણય લે છે એના પર ચોંટેલી છે. બજારના અનેક એનાલિસ્ટો CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયોમાં કાપની અપેક્ષા દર્શાવી રહ્યા છે. જેને પગલે IT અને બેન્કિંગ શેરોમાં આગઝરતી તેજી જોવા મળી હતી. જોકે રિયલ્ટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.જ્યારે મિડકેપ અને સ્મોલકેપમાં પણ તેજીમય વાતાવરણ જોવા મળ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભાનાં ચૂંટણી પરિણામો પછી બજારમાં તેજી થઈ છે. બજારમાં છેલ્લી 20 મિનિટમાં ભારે ચઢાવઉતાર જોવા મળ્યા હતા. એક સમે નિફ્ટી થોડી જ મિનિટોમાં 300નો ઘટાડો થયો હતો, જ્યારે બેન્ક નિફ્ટીમાં 500 પોઇન્ટથી વધુનો ઘટાડો થયો હતો. જોકે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 809 પોઇન્ટ ઊછળી 81,766ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 241 પોઇન્ટની તેજી સાથે 24,708ના મથાળે બંધ થયો હતો.
BSE એક્સચેન્જ પર કુલ 4083 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2141 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1825 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 117 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 237 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 11 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.