અમદાવાદઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોએ નફારૂપી વેચવાલી કાઢી હતી. સેન્સેક્સ અને નિફ્ટી આશરે એક ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બજારમાં IT, ફાર્મા અને બેન્કિંગ શેરોમાં ધૂમ વેચવાલી થઈ હતી. બજારમાં ઇન્ટ્રા-ડેમાં થોડા-થોડા સમયે રિકવરી થતી હતી, પણ આખરે બજાર પર મંદીવાળાઓ હાવી થયા હતા. રોકાણકારોના રૂ. 80,000 કરોડ ડૂબ્યા હતા.
જોકે આ પહેલાં બે દિવસમાં સેન્સેક્સ આશરે 2000 પોઇન્ટની તેજી થઈ હતી. બજારમાં ઇન્ડેક્સમાં હેવી વેઇટ શેરો- ખાસ કરીને ફાઇનાન્સિયલ અને IT શેરોમાં વેચવાલીને કારણે ઘરેલુ શેરબજારમાં ઘટાડો થયો હતો. રોકાણકારો કંપનીઓના ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો પહેલાં સતર્ક રહેવાનું વલણ અપનાવ્યું હતું, જેથી ઉછાળા ઊભરા સાબિત થયા હતા.
બજારમાં વેચવાલીનું દબાણ બનાવવામાં બેન્કિંગ શેરો અગ્રેસર રહ્યા હતા. આ શેરોમાં HDFC બેન્કમાં પાછલા કેટલા દિવસથી દબાણ જોવા મળી રહ્યું છે. બજારમાં રોકાણકારોને ડર સતાવતો હતો કે બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની મોટા પાયે વેચવાલી શરૂ ના થાય, જેથી તેમણે ઊંચા મથાળે વેચવાલી કાઢી હતી. સેન્સેક્સ 712 પોઇન્ટ તૂટીને 79,223ના સ્તરે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 184 પોઇન્ટ તૂટીને 24,005ના સ્તરે બંધ થયો હતો.
BSE એક્સચેન્જ પર કુલ 4103 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2117 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1866 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 120 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 329 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 210 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.