દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદાનો અમલ ૧ જુલાઈથી લાગુ થયો છે. આ ત્રણેય કાયદાએ બ્રિટિશ યુગના ઈન્ડિયન પીનલ કોડ (IPC), ક્રિમિનલ પ્રોસિજર કોડ (CPC) ૧૯૭૩ અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ, ૧૮૭૨નું સ્થાન લીધું છે. નવા કાયદામાં રાજદ્રોહનું સ્થાન દેશદ્રોહએ લીધું છે. આતંકવાદની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ છે. મોબ લિન્ચિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાંખનારા ગુનાઓ, મહિલાઓ-બાળકો પર જાતીય ગુનાઓની સજાને વધુ આકરી બનાવાઈ છે. આ નવા કાયદાઓથી સામાન્ય લોકોને કેવાં પ્રકારના ફાયદા થશે અથવા તો પોલીસ અને ન્યાયતંત્રના કામમાં કેવો બદલાવ આવશે તે વિશે ચિત્રલેખા.કોમની અમદાવાદસ્થિત જાણીતા સિનિયર એડવોકેટ મેહુલ વખારિયા સાથે થયેલી વાતચીતઃ
મેહુલ વખારિયા: નવા કાયદાથી પોલીસના કામમાં વધારો જ થશે. આમ તો નવા કાયદામાં બધું જ જૂના કાયદા જેવું જ છે. માત્ર 21 નવી કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ કલમોની અંદર રેકોર્ડિંગ એક ખૂબ જ મહત્વનું પાસું છે. જ્યારે કોઈપણ વ્યક્તિનું સ્ટેટમેન્ટ લેવાશે ત્યારે અથવા તો ઈનવેસ્ટિગેશન દરમિયાન પણ પોલીસે રેકોર્ડિંગ કરવાનું રહેશે. તેમાં સેલફોનથી રેકોર્ડિંગ કરવાની પણ છૂટ આપવામાં આવી છે. આ રેકોર્ડિંગ માટે પોલીસને વધારે કર્મચારીની જરૂર પડશે. નવા કાયદા અનુસાર સાત વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈ હોય એવા ગુનામાં ક્રાઇમ સીન પર જવાબદાર પોલીસ અધિકારી ઉપરાંત ફોરેન્સિક ઇન્વેસ્ટીગેટર દ્વારા અન્વેષણ અનિવાર્ય છે. એટલું જ નહીં, પરંતુ ક્રાઇમ સીનની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવી પડશે. નવા કાયદાઓ અનુસાર પોલીસની જવાબદારી વધી છે. જેમ કે, FIR દાખલ કરવામાં ચોકસાઈ રાખવા ઉપરાંત તમામ મુદ્દાઓને લગતા રેકોર્ડ નિર્ધારિત ફોરમેટમાં મેઇન્ટેઇન કરવા પડશે. FIRને લગતી તમામ જાણકારી પોલીસ કંટ્રોલ રૂમને આપવી પડશે. 90 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવી પડશે. તપાસ 180 દિવસમાં પૂરી કરવી પડશે. ચાર્જશીટ દાખલ કરવાના 60 દિવસમાં ચાર્જ ફ્રેમ કરીને ટ્રાયલ શરૂ કરવો પડશે. પોલીસ તપાસની સત્યતા જળવાય અને પારદર્શકતા રહે તે હેતુથી પોલીસ તપાસ દરમ્યાન વીડિયોગ્રાફી કરવાની રહેશે.
જો કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશન તાત્કાલિક પહોંચી શકે તેમ ન હોય તો ઇ-મેલ દ્વારા પણ FIR લખાવી શકશે. જે તે વ્યક્તિએ ત્રણ દિવસની સમયમર્યાદામાં જાતે પોલીસ સ્ટેશને જઈને FIRના પ્રિન્ટઆઉટ પર સહી કરવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશને પણ આ પ્રકારની FIRનો ત્રણ દિવસમાં નિકાલ લાવવો પડશે. આ ઉપરાંત કેસની તમામ માહિતી, આગળની તારીખ, ફરિયાદીની બધી જ માહિતી, કોર્ટનો હુકમ, FIR બધું જ ઓનલાઈન મળી જશે.
આમાં પોલીસ કે ન્યાયતંત્રનું કામ વધશે. પરંતુ સામાન્ય વ્યક્તિને આ ફાયદો થશે કે તેણે પોતાના કેસની માહિતી લેવા માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે નહીં. તેને ઘણી બધી માહિતી ઓનલાઈન મળી રહેશે.
નવા કાયદામાં બાળકો અને મહિલાઓ વિરૂદ્ધ થતા અપરાધો માટે એક અલગ ચેપ્ટર રચવામાં આવ્યું છે. હ્યુમન ટ્રાફિકિંગ અને ચાઇલ્ડ ટ્રાફિકિંગને જઘન્ય અપરાધની શ્રેણીમાં દાખલ કરવામાં આવ્યા છે. નવા કાયદામાં આતંકવાદી કોને કહેવાય એની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. સાથોસાથ સંગઠિત ગુના અંગે અલગ જોગવાઈ કરવાને બદલે આ કાયદાઓમાં જ વણી લેવામાં આવ્યા છે. નવા કાયદા અનુસાર મહિલાઓ વિરૂદ્ધ અપરાધમાં પીડિતોને 90 દિવસમાં કેસ સંબંધી તમામ માહિતી આપવી પડશે અને પીડિત બાળક કે મહિલાને સરકારી હોસ્પિટલમાં મફત સારવાર મળી શકશે. આરોપી અને પીડિત બંનેને 14 દિવસની સમયમર્યાદામાં FIR, પોલીસ રિપોર્ટ, ચાર્જશીટ, નિવેદન, કબૂલાત કે અન્ય દસ્તાવેજોની નકલ મેળવવાનો અધિકાર રહેશે. 60 વર્ષથી ઉપરની વ્યક્તિ, દિવ્યાંગ વ્યક્તિ સાથેના ગુનામાં અથવા તો ત્રણ વર્ષથી ઓછી સજાના ગુનામાં DSP કક્ષાની અધિકારીની મંજૂરી વિના ધરપકડ નહીં થઈ શકે.
ઝીરો FIRની જોગવાઈને પગલે કોઈપણ વ્યક્તિ કે પોલીસ અધિકારી ગુનો કયા પોલીસ સ્ટેશનની હદમાં બન્યો છે એની પળોજણમાં પડ્યા વિના સૌપ્રથમ ફરિયાદ દાખલ કરી શકશે. જે ખુબ જ સારી વાત છે. હવે કોઈપણ પોલીસકર્મી FIR નોંધવાની ના નહીં પાડી શકે.
આરોપો ઘડવાથી લઈને કેસના નિકાલ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે, તેના વિશે શું કહેવું છે?
નવા કાયદા અનુસાર કોઈપણ અપરાધિક મામલામાં સુનાવણી સમાપ્ત થયાના 45 દિવસમાં ચુકાદો આવી જશે. 60 દિવસમાં ચાર્જશીટ દાખલ થઈ જશે. કોઈપણ કેસનું ઈન્વેસ્ટિગેશન 90 દિવસની અંદર કરવું પડશે. જો વધુ સમય લાગે એવો હોય તો પોલીસ અધિકારીએ અરજી કરીને વધુ સમય માંગવો પડશે. આ ઉપરાંત, કેસની ટ્રાયલ વીડિયો કોન્ફરન્સિંગથી પણ કરી શકાશે. મુખ્ય સાક્ષી હાજર ન હોય તો તેની જુબાની ઓનલાઈન પણ લઈ શકાશે. સરકાર દ્વારા સાક્ષીઓની સુરક્ષા અને સહયોગ સુનિશ્ચિત કરવામાં આવશે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)