અમદાવાદ: ગાંધી આશ્રમ વિશેની વાત આવે એટલે અમૃતભાઈ મોદી અચૂક યાદ આવે. 50 વર્ષ કરતાં પણ વધારે સમયથી ગાંધી વિચાર ધારા, ગાંધી આશ્રમના સંચાલન સાથે જોડાયેલા અમૃતભાઈ મોદીનું 25-6-2024, મંગળવારની સવારે દેહાવસાન થયું છે. વર્ષો સુધી ગાંધી આશ્રમમાં સતત કામગીરી કરનાર અમૃતભાઈની અંતિમયાત્રા એમના નિવાસસ્થાનેથી નીકળી ગાંધી આશ્રમ આવી હતી.આશ્રમના પ્રાંગણમાં લાવવામાં આવેલા પાર્થિવ દેહના દર્શને મોટી સંખ્યામાં ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા લોકો ઉમટી પડ્યા હતા. જેમાં કાર્તિકેય સારાભાઈ, જયેશભાઈ પટેલ, ડાયરેક્ટર અતુલ પંડ્યા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સો વર્ષ જૂના ગાંધી આશ્રમમાં 50 વર્ષ કરતાં પણ વધારે સમય અમૃતભાઈ મોદીએ ગાંધી વિચાર અને આશ્રમને સમર્પિત કર્યો હતો.ગાંધીનગરની નજીક આવેલા સાદરા ગામના વતની અમૃતભાઈ મોદી વિદ્યાર્થી કાળથી ગાંધી વિચારોના વાંચનમાં રુચી ધરાવતા હતા. કોંગ્રેસના સેવાદળમાં જોડાયા બાદ કેન્દ્રના સંચાલક પણ રહ્યા. ભીંત પત્ર લેખન, શ્રમ, ગામ સફાઈ, સેવા કાર્યો અને સાંસ્કૃતિક કાર્યોમાં અમૃતભાઈ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. એસ.એસ.સી પછી શિક્ષણ જગતથી માંડી સેક્રેટરીએટમાં કારકુન સુધી ચાર નોકરીઓ બદલી હતી.1955ની ગાંધી આશ્રમની 7 દિવસની સર્વોદય વિચાર શિબિર બાદ સાબરમતીના આ આશ્રમને સમર્પિત થઈ ગયા હતા. મહેસાણા જિલ્લામાં જ્યારે ભૂદાનનું કાર્ય શરૂ થયું, ત્યારે એમણે ચાર વર્ષમાં 1100 ગામડામાં પદયાત્રા કરી હતી. ગુજરાત સર્વોદય મંડળની રચના બાદ ગાંધી આશ્રમમાં મંત્રી તરીકે ફરજ બજાવી. સર્વોદય મંડળના મુખપત્ર ‘ભૂમિપુત્ર’ માટે 1962થી 1969 વડોદરા ગયા. ત્યારબાદ મહાનુભાવો સાથે ગુજરાતભરમાં ભૂદાનની પ્રવૃત્તિ માટે ભાગ લીધો હતો.અમૃતભાઈ મોદી સતત લખતા એમણે ઘણાં પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યુ હતું. એમણે એક સાથે પાંચ સામયિકોનું સંપાદન કર્યુ હતું. જેમાં ‘ગ્રામ નિર્માણ’, ‘કલ્યાણ યાત્રા’, ‘હિંસા વિરોધ’, ‘સ્ત્રી જીવન’ અને ‘સુવિચાર’નો સમાવેશ થાય છે. લાંબા સમયથી ગાંધી આશ્રમ સાથે જોડાયેલા હોવાથી દેશ દુનિયામાંથી આવતા મુલાકાતીઓને ગાંધી વિચાર, આશ્રમનો પરિચય કરાવતા. સમગ્ર જીવન સાદાઈથી જીવનાર અમૃતભાઈ ગાંધી આશ્રમને છોડ્યા પછી ઉંમરના પડાવ પર પહોંચ્યા અને દુનિયામાંથી વિદાય લીધી.
ગાંધી આશ્રમ સાથે વર્ષોથી જોડાયેલા લતાબહેન પરમાર ચિત્રલેખા.કોમને કહે છે, “અમૃતભાઈ અમારા માટે પિતા સમાન હતા. એ નિવૃત્તિ પછી સતત 30 વર્ષ પ્રવૃત્તિ કરતાં રહ્યાં હતાં. લેખન, વાંચન, ચિંતન અને મનન સતત એમનું ચાલું જ રહેતું હતું. કોરોના દરમિયાન પણ એમણે બે પુસ્તકો લખ્યાં હતાં… ‘વિદ્યાર્થીઓને ગાંધીના પત્રો’ અને ‘ગાંધી જીવન -વિચાર ઝલક ‘… સૌથી જૂનાં હોવાને કારણે ગાંધીવિચાર અને ગાંધી આશ્રમ વિશે, કોઈ પણ વ્યક્તિ વિશેષની ગાંધી સાથેની વાત, ઓળખ માટે એમની અવશ્ય જરૂર પડતી હતી. આજે એ અમૃતભાઈ મોદી અનંત યાત્રાએ નીકળી ગયા છે.”