દિલ્હીમાં પૂજારીઓ, ગ્રંથિઓને અપાશે રૂ. 18,000: કેજરીવાલનું એલાન

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હવે વધુ સમય નથી, ત્યારે રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે એક વધુ ચૂંટણીવચનની લહાણી કરી છે. દિલ્હીમાં સરકાર બનવા પર પૂજારીઓ અને ગ્રંથિઓને પ્રતિ મહિને રૂ. 18,000નું માનદ વેતન મળશે, એમ તેમણે કહ્યું હતું. જોકે દિલ્હીમાં ચૂંટણીમાં આપ સરકાર બન્યા પછી આ યોજના લાગુ કરવામાં આવશે.

અમે જાણીએ છીએ કે પૂજારી કઈ રીતના સેવા કરે છે. બાળકનો જન્મદિન હોય કે કોઈ પ્રિયજનનું મૃત્યુ- તેમણે હંમેશાં આપણું ધ્યાન રાખ્યું છે. અમે પાટનગરમાં અનેક એવાં કામ કર્યાં છે, જે પહેલી વાર થયાં છે. અમે સ્કૂલો અને હોસ્પિટલોમાં સુધારો કર્યો છે અને મહિલાઓ માટે બસ યાત્રાની સુવિધા શરૂ કરી છે. મને અપેક્ષા છે કે ભાજપ અને કોંગ્રેસ સરકાર આનાથી શીખ લેશે અને જ્યાં તેમની સરકારો છે, ત્યાં આવી યોજનાઓને લાગુ કરશે, એમ તેમણે કહ્યું હતું.

દેશમાં આ પહેલી વાર થઈ રહ્યું છે. પૂજારી એક એવો વર્ગ છે, જેણે પેઢી-દર-પેઢી અનુષ્ઠાનોને આગળ વધાર્યા છે. તેમણે ક્યારેય પોતાના પરિવાર પર ધ્યાન નથી આપ્યું અને આપણે ક્યારેય તેમના પર ધ્યાન નથી આપ્યું. ગુરુદ્વારાઓની દેખભાળ કરવાવાળા ગ્રંથિઓને પણ પ્રતિ મહિને રૂ. 18,000ની સેલરી આપવામાં આવશે. આ યોજના માટે મંગળવારથી રજિસ્ટ્રેશન થશે, એમ તેમણે કહ્યું હતું.

કેજરીવાલની આ યોજનામાં હિન્દુ મતદાતાઓની સાથે દિલ્હીમાં રહેતા શીખો અને પંજાબી મતદારોને સાધવાની વાત છે. આ પહેલાં દિલ્હી સરકાર તરફથી તીર્થ યાત્રા યોજના પણ ચલાવવામાં આવી હતી.