રોકેટ અને સ્પેસક્રાફ્ટ ઓપરેશનના એક્સપર્ટ વી. નારાયણ બન્યા ISROના નવા ચેરમેન

કેન્દ્ર સરકારે મંગળવારે ઈન્ડિયન સ્પેસ રિસરિચ ઓર્ગેના ઈઝેશન (ISRO)ના નવા અધ્યક્ષ તરીકે સ્પેસ વૈજ્ઞાનિક વી. નારાયણનની નિમણૂક કરી છે. તેમને અંતરિક્ષ વિભાગના સચિવ પણ બનાવવામાં આવ્યા છે. 14 જાન્યુઆરીએ તેઓ ISROના ચીફ એસ. સોમનાથનું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે નારાયણનનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. હાલમાં તેઓ વલીયામાલા ખાતે લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર (LPSC)ના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. વી. નારાયણન પાસે 40 વર્ષનો બહોળો અનુભવ છે. તેઓ રોકેટ અને સ્પેસક્રાફ્ટ ઓપરેશનમાં એક્સપર્ટી ધરાવે છે.

1984 માં ISRO માં જોડાયા પછી વી નારાયણને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ખાતે સાઉન્ડિંગ રોકેટ, ASLV (ઓગમેન્ટેડ સેટેલાઇટ લોંચ વ્હીકલ), અને PSLV (પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ) ના સોલીડ પ્રોપલ્શન ક્ષેત્રોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વી નારાયણનને રોકેટ અને સ્પેસ પ્રોપલ્શન ક્ષેત્રે અગ્રણી નિષ્ણાત માનવામાં આવે છે. તેમણે પ્રોસેસ પ્લાનિંગ, એબ્લેટિવ નોઝલ સિસ્ટમ, કમ્પોઝિટ મોટર કેસ અને કમ્પોઝિટ ઇગ્નીટર કેસ જેવી ટેકનોલોજીના વિકાસમાં યોગદાન આપ્યું હતું. હાલ તેઓ નારાયણન LPSC ના ડાયરેક્ટર છે, જેનું મુખ્યાલય વાલિયામાલા, તિરુવનંતપુરમ ખાતે આવેલું છે. આ કેન્દ્ર ભારતના અવકાશ કાર્યક્રમ માટે મુખ્ય લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ વિકસાવે છે.

ISROના હાલના ચેરમેન એસ. સોમનાથે 14 જાન્યુઆરી 2022ના રોજ ઈસરોના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ 3 વર્ષના કાર્યકાળ બાદ નિવૃત્ત થઈ રહ્યા છે. ISROએ તેમના કાર્યકાળ દરમિયાન ઈતિહાસ રચ્યો હતો. ISROએ માત્ર ચંદ્રયાન-3ને ચંદ્રના સાઉથ પોલ પર ઉતાર્યું જ નહીં, પરંતુ પૃથ્વીથી 15 લાખ કિમી ઉપરના લેગ્રેન્જ પોઈન્ટ પર સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય-L1 પણ મોકલ્યું. એક મીડિયા હાઉસમાં આપેલા ઈન્ટરવ્યુ એસ સોમનાથે જણાવ્યુ હતું કે તેઓ કેન્સરના રોગથી પીડિત છે.