એક માણસ પાસે પોપટ હતો. એ મંત્ર બોલતો. એનાથી એના માલિકની પ્રતિષ્ઠા ખુબજ વધતી હતી. લોકો માલિકના દર્શન કરવા માટે લાંબી કતારો લગાવતા. કોઈ ક્યારેય એ વિચારતું પણ નહિ કે આવા જ્ઞાની પોપટનો માલિક અજ્ઞાની હોઈ શકે. એક વાર એક માણસને વિચાર આવ્યો કે એ પોપટને એ મંત્રની અસર વિષે જ્ઞાન છે ખરું? એ વિચાર જ અજ્ઞાન માંથી પ્રકાશ તરફ જવા વાળો હતો. પોપટ તો પોપટ હતો. એને તો જે શિખવાડવામાં આવે તે બોલી શકતો. એને અર્થમાં શું રસ? આ આખી પ્રક્રિયામાં પોપટનો કોઈ વાંક ખરો? એના માલિકનો પણ કોઈ વાંક ખરો? એક સામાન્ય બાબત હતી કે, એને પોપટ ગમ્યો. એણેપોતાના દરવાજા પાસે એને રાખ્યો. લોકોએ પોપટને બોલતો સાંભળ્યો. બાકી જે થયું તે હવે લોકોએ જાતે નક્કી કર્યું હતું.
જીવનમાં પણ એવુજ થાય છે. માણસ પોતે પોતાના વિચારોમાં જીવે છે. એમાંથી એની અપેક્ષાઓનો જન્મ થાય છે. અને એ અપેક્ષાઓ પૂરી ન થતા તે વાંક સામેવાળાનો કાઢે છે. સર્વ પ્રથમતો સહુને નવા વરસની શુભકામના. નવા વર્ષના નિશ્ચયમા અપેક્ષાઓ ઓછી કરવાનો પણ નિર્ણય લેવો જરૂરી છે. આપણા શાસ્ત્રોમાં જીવન જીવવાની જે રીત દર્શાવી છે તેમાં આત્મસંતોષની પણ વાત છે. આપણી અપેક્ષાઓ અને જરૂરિયાતો વચ્ચેનો ભેદ જો સમજાઈ જાય તો દુખ થવાના કારણો ઘટી જશે. વ્યાજ ઘટી જાય તો લોન લેવીજ પડે એવો કોઈ નિયમ છે ખરો? જેની પાસે વધારે ધન છે તે વધારે સુખી છે તેવું માની શકાય ખરું? જો મેળવેલું ભોગવવાનો સમય જ નહિ રહે તો એ મેળવેલું કરવાનું શું? કોઈને ખબર છે કે પોતાનું મૃત્યુ ક્યારે થવાનું છે? બીજું કે જ્ઞાન સર્વત્ર પૂજાય છે. પણ માહિતી અને જ્ઞાન વચ્ચેનો ભેદ જો ન સમજાય તો તે ભૂલ કોની? ઈન્ટરનેટ પર જાત જાતની વાતો વાંચવા મળશે.
કોઈ કહેશે કે ઘરના આંગણામાં બિલાડી રાખો તો સારું અને કોઈ એવું પણ કહે કે વાઘ રાખોતો વધારે સારું. બંને લગભગ સરખાજ દેખાય છે ને? તો પહેલા તો આ બંને રખાય કે નહિ તે નક્કી કરવું પડે. અને વાઘ જો આંગણામાં બેઠો હોય તો?તેથીજ કોઈ પણ માહિતીમાં પોતાની રીતે વિચારીને નિર્ણય લેવામાં આવે તો વધારે સારું પડે.વ્યસન કરવાથીજ મિત્રો બને એવું ન હોય ને? વળી વ્યક્તિગત રીતે પણ નિયમો અલગ હોઈ શકે. એક માણસને સાકર સદે છે અને બીજાની નથી સદતી તો એકજ દ્રવ્ય બે અલગ અલગ વ્યક્તિ માટે વિપરીત અસર આપી શકે છે, એ સમજવું પણ જરૂરી છે. આયુર્વેદમાં પણ પ્રકૃતિ પારખીને ઈલાજ કરવાની વાત છે.
આ ધરતીના આપણી ઉપર અનેક ઉપકાર છે. એને સન્માન આપીએ. કચરો જ્યાંત્યા ન જ નાંખીએ. પ્લાસ્ટિક પ્રદુષણ કરેછે તે આપણે સહુ જાણીએ છીએ. તો જેને આપણે માતા કહીએ છીએ તેવી ભૂમિ પર કે નદીમાં તેને કેવી રીતે નાખી શકાય? જો આપણું પર્યાવરણ સુરક્ષિત હશે તોજ તેની ઉર્જા સચવાયેલી રહેશેને? ભારતીય વાસ્તુમાં કુદરતના દરેકે દરેક તત્વમાંથી શ્રેષ્ઠ પામવાના નિયમો છે. પણ તે પામવા માટે આપણે પણ શ્રેષ્ઠ બનવું જરૂરી છે. એવું કહે છે કે સિહણ નું દૂધ સોનાના પાત્રમાં જ ટકે. અન્ય પાત્ર તૂટી જાય. તો શ્રેષ્ઠ ઉર્જા પ્રાપ્ત કરવા માટે સ્વને યોગ્ય તો બનાવવા પડેજ ને?કાઈક પામવા કાઈક છોડવું પડે છે તે વાત સાચી. પણ જે નકારાત્મક છે તેને છોડવાની વાત અહી કરવામાં આવી છે. મિત્રો પામવા અભિમાન છોડવું પડે કે પછી સન્માન પામવા જીદ છોડવી પડે તેવું વિચારી શકાય. પણ હા, ધાર્યું કરાવવા નીતિ છોડવી પડે તે સકારાત્મક વિચાર નથી. મોટા ભાગે માણસ પોતાના સ્વભાવના લીધેજ દુખી થાય છે. ખોટી જીદ વાળી વ્યક્તિ સારી વાતને પણ બગડી શકે છે. વાયવ્યના દોષના કારણે આવું થતું હોય છે.
આપણે ત્યાં પરસ્પર દેવો ભવઃ ની વાત છે. તો એકબીજાનું સન્માન રાખવું પણ જરૂરી છે. જે પૈસા આપે છે તેને વધારે અપેક્ષા હોય તો તે નકારાત્મકતા છે. સામેવાળી વ્યક્તિ જે સર્વિસ કે કામ કરી આપે છે તેનું પણ આ પ્રક્રિયામાં એટલુજ મહત્વ છે. બંને એક બીજાના પુરક છે. જો આ બધીજ વાતો યોગ્ય રીતે સમજવામાં આવે તો આવનારા વરસમાં અર્થશાસ્ત્રીઓ ભલે જે પણ કહે, સુખી થવાના રસ્તા હમેશા ખુલ્લા દેખાશે.
(મયંક રાવલ)