મંત્ર એટલે ધ્વનિ. આજે આધુનિક વિજ્ઞાન આખી સૃષ્ટિને એક કંપન તરીકે જુએ છે. જ્યાં કંપન છે ત્યાં ધ્વનિ જરૂર હશે. એટલે એનો અર્થ એ થાય કે આખી સૃષ્ટિ એક પ્રકારની ધ્વનિ છે અથવા જુદી ધ્વનિઓનું એક મિશ્ર છે- આખી સૃષ્ટિ ઘણાં મંત્રોનું મિશ્રણ છે. આમાંના થોડા મંત્રો અથવા થોડી ધ્વનિઓને ઓળખવામાં આવ્યા છે, જે ચાવી સમાન હોય શકે છે. જો તમે તેને અમુક રીતે ઉપયોગમાં લો, તો તે તમારી અંદર જીવન અને અનુભવના અલગ પરિમાણ ખોલવાની ચાવી બની જાય છે.
મંત્રો વિવિધ પ્રકારના હોય છે. દરેક મંત્ર શરીરના જુદા જુદા ભાગમાં એક ખાસ પ્રકારની ઊર્જાને સક્રિય કરે છે. જરૂરી ચેતના વગર ખાલી ધ્વનિના રટણથી મન નિષ્ક્રિય બને છે. કોઈપણ જાતનું રટણ હંમેશા મનને નિષ્ક્રિય બનાવે છે. ફક્ત જયારે મંત્રને પૂરતી જાગૃતિ અને તેની સચોટ સમજણ સાથે ઉચ્ચારવામાં આવે ત્યારે તે ઘણું શક્તિશાળી માધ્યમ બની શકે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટીએ મંત્ર એક ઘણું શક્તિશાળી પરિમાણ છે, પરંતુ જે રીતે તેને જરૂરી આધાર કે જરૂરી પરિસ્થિતિઓનું નિર્માણ કર્યા વગર પ્રદાન કરવામાં આવે છે, તેનાથી તે ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
મંત્રોનો આધાર હંમેશા સંસ્કૃત ભાષા હોય છે અને સંસ્કૃત ભાષાના મૂળમાં જ ધ્વનિઓ ઘણી સંવેદનશીલતા રહેલી છે.. પરંતુ જયારે અલગ અલગ લોકો તેને ઉચ્ચારે, ત્યારે તે દરેક વ્યક્તિ પોતાની રીતે ઉચ્ચારે છે. જો બંગાળી લોકો મંત્ર ઉચ્ચારશે તો તેઓ તેમની રીતે ઉચ્ચારશે. જો તામિલ લોકો તેનું ઉચ્ચારણ કરશે તો તે તેમની રીતે કરશે. વળી જો અમેરિકાના લોકો તેને ઉચ્ચારશે તો તે બિલકુલ અલગ રીતે કરશે. આ રીતે વિવિધ પ્રકારના લોકો જે અલગ અલગ ભાષાઓ બોલે છે, તેઓ તેમની ભાષાઓ પ્રમાણે મંત્રોના ઉચ્ચારણમાં અમુક વિકૃતિ વલણ ધરાવે છે, સિવાય કે તેમને તાલીમ આપવામાં આવે. આવી તાલીમ ઘણી વ્યાપક હોય છે, પણ આજકાલ લોકોમાં એવા પ્રકારની ધીરજ કે સમર્પણભાવ રહ્યાં નથી કારણ કે તેનાં માટે ઘણા બધા સમય તેમજ સંલગ્નતાની જરૂર પડે છે.
મંત્રો, એ તૈયારી માટેનુ ખૂબ જ સારું પગલું હોય શકે છે. ફક્ત એક મંત્રની અસર લોકો પર ખૂબ જબરજસ્ત રીતે થઇ શકે છે. તેઓ કોઈ વસ્તુના નિર્માણમાં એક અસરકારક બળ બની શકે છે, પરંતુ તે ફક્ત ત્યારે કે જો તેઓ તે પ્રકારનાં સ્ત્રોતમાંથી આવતા હોય જ્યાં ધ્વનિની સમગ્ર સમજણ રહેલી હોય. જયારે આપણે “જે પણ કાંઇ છે તે ધ્વનિ જ છે.” તે વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે સર્જનની જ વાત કરી રહ્યા છીએ. જો એક મંત્ર તે સ્ત્રોતમાંથી આવતો હોય, તે સ્તરની સમજણ સાથે અને જયારે પ્રસારણ શુદ્ધ હોય, તો મંત્રો અસરકારક શક્તિ બની શકે છે.
(સદગુરૂ જગ્ગી વાસુદેવ)
(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)