શું જીવન એક સ્વપ્ન છે?

પ્રશ્ન: જ્યારે આપણે સપનું જોતા હોઈએ ત્યારે તે કેટલું વાસ્તવિક લાગે છે. પણ મને ખબર છે કે તે એક ભ્રમ છે. મારું જીવન પણ શું એવું જ છે ? આ જીવન કેટલું વાસ્તવિક છે?

સદ્ગુરુ: આમા સમસ્યા એ છે કે તમે અહીં તહીંથી અધકચરું ઝેન વાંચ્યું છે. અધકચરું ઝેન ખતરનાક બાબત છે. કોઇ પણ બાબતનું અધુરૂં જ્ઞાન જોખમી છે. તમે જે કંઇ કહી રહ્યા છો તે એક અર્થમાં સાચું છે કારણ કે તમારું ૯૯ ટકા જીવન માત્ર વિચારો અને લાગણીઓ છે. વિચારો અને લાગણીઓ માત્ર જીવનના પ્રક્ષેપણ છે, તે જીવન નથી.

તમે અત્યારે ઝેનમાં રસ ધરાવો છો તો તમારે ચાંગ ત્સૂ વિશે જાણવું જોઈએ. તેઓ એક મહાન ઝેન ગુરૂ હતા અને તેમના આશ્રમમાં ઘણા સાધકો રહેતા હતા. એક દિવસે સવારે તેઓ અચાનક અત્યંત દુઃખી થઇ ગયા. પોતાના ગુરૂને દુઃખી અવસ્થામાં જોઇને બધા સાધકો ગભરાઈ ગયા. જો ગુરૂ દુઃખી છે તો ચોક્કસ કંઇક અત્યંત અજુગતુ બન્યું હોવું જોઇએ. કારણ કે તેઓ હંમેશા આનંદિત અને ખુશ રહેતા. તેથી સૌથી વરિષ્ઠ સાધકોએ ધીરેથી તેમની પાસે જઇને પૂછ્યું, “ગુરુજી, શું થઇ રહ્યું છે?”

ચાંગ ત્સૂએ કહ્યું, “મને પરેશાન કરશો નહીં, હું ખુબ દુખી છું. અહીંથી ચાલ્યા જાવ!” સાધકોએ કહ્યું, “જો તમે દુઃખી છો તો તે તો અમારા માટે મૃત્યુ સમાન હશે.. મહેરબાની કરીને અમને જણાવો કે શેના લીધે તમે દુઃખી છો?” ચાંગ ત્સૂએ કહ્યું, “ઓહ, ગઇકાલે રાત્રે મને સપનું આવ્યું જેમાં હું એક પતંગિયું હતો.” સાધકોએ કહ્યું,“પતંગિયામાં શું સમસ્યા છે? અમે ઘણી વખત ડુક્કર, પક્ષી અને અલગ અલગ ચીજો રહ્યા છીએ. તેમાં કોઈ સમસ્યા નથી. પતંગિયું તો ઘણી સારી વસ્તુ છે. તેમાં શું વાંધો છે?”

ચાંગ ત્સૂએ કહ્યું, “મુર્ખાઓ તમે સમજતા નથી. જ્યારે હું પતંગિયુ હતો ત્યારે હું ઉડતો હતો અને એક ફુલ પર જઈને બેઠો. હું ફુલનો અનુભવ કરી શકતો હતો તેની સુગંધ માણી શકતો હતો. તેનો સ્વાદ પણ હું માણી શકતો હતો. એક પતંગિયા તરીકે મારું જીવન મારા માટે ખરૂં અને વાસ્તવિક હતું. પણ આજે સવાર ઉઠ્યો તો મેં જોયું કે હું  તો ચાંગ ત્સૂ છું. અને ચાંગ ત્સૂ તરીકે મારું જીવન પણ એકદમ સાચું અને વાસ્તવિક છે. હવે મને એ ખબર નથી પડતી કે ગઈકાલે રાત્રે ચાંગ ત્સૂ પતંગિયું હોવાનો સ્વપ્ન જોતો હતો કે અત્યારે પતંગિયું ચાંગ ત્સૂ હોવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે. આમાંથી સાચું શું છે એ મને સમજાતું નથી. કારણ કે બન્ને એકદમ વાસ્તવિક અને જીવંત લાગે છે.”

તમે જ્યારે માત્ર વિચારોમાં જીવો ત્યારે આવું જ થાય છે. આ પદ્ધતિથી તેઓ તેમના સાધકોને તેમની જડ આધ્યાત્મિકતામાંથી જગાડવા માંગતા હતા કારણ કે લોકો પુસ્તકો અને સૂત્રો વાંચીને એવું માનવા લાગે છે કે તેઓ જે વાંચે અને વિચારે છે તે આધ્યાત્મિકતા છે. ચાંગ ત્સૂ તેમના માનસિક માળખાને તોડવા માંગતા હતા જેથી તેઓ વાસ્તવિક બને. જો તમે જીવનને અનુભવી રહ્યા હોવ – વિચારો અથવા લાગણીઓને નહિ, તો આ પ્રકારના સવાલો ઉભા નહિ થાય. પરંતુ જ્યારે મોટાભાગનું તમારું જીવન માત્ર લાગણીઓ અને વિચારોમાં જ હોય ત્યારે તે સાચું છે, તે એક સ્વપ્ન જેવું જ છે. તે માત્ર વધુ એક પ્રક્ષેપણ જ છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.