સદગુરુ: રાજાશાહી અથવા સરમુખત્યારશાહીમાં રક્ત વહાવ્યા વિના સત્તાનું પરિવર્તન શક્ય નથી. લોકશાહીનું મહત્વ એ છે કે લોકોની ઈચ્છા અનુસાર પરિવર્તન આકાર પામે છે, સામાન્યપણે રક્ત વહાવ્યા વિના.
રક્ત ભલે ન વહે, પણ થૂંકના છાંટાની વિપુલ વર્ષા તો થાય જ છે! છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં વપરાયેલી ભાષા – જેમાંથી એક પણ રાજકીય પક્ષ બાકાત નથી – એ સ્પષ્ટ કરે છે કે આગામી ચૂંટણી પહેલાં આપણે આ વર્ષાથી બચવા માટે છત્રીથી સજ્જ થવું જ પડશે!
ચૂંટણીમાં ભારતીય જીવનનો કેલિડોસ્કોપ વધુ રંગબેરંગી બન્યો હતો. આપણે ફિલ્મ સ્ટારોને તેમની મૂછોને વળ દેતા જોયા અને સન્યાસીઓને કમર કસતા જોયા. વાયદાઓની ભરમાર જોવા મળીઃ લોન માફી, આજીવિકા પૂરી પાડવી અને આરોગ્યની વિના મૂલ્યે સંભાળ (જેમાં મફત દારૂનો પણ સમાવેશ થાય છે). વિશેષણો પણ અઢળક આપવામાં આવ્યાઃ ઔરંગઝેબથી મોગેમ્બો, ચોકીદારથી લઈને ચોર અને અનારકલીથી લઈને ભ્રષ્ટાચારી. પત્નીઓ અને પિતાઓ પણ આ દોષારોપણ અને આરોપ-પ્રત્યારોપમાંથી બચી ન શક્યા. રમૂજની ક્ષણો આવી હોવા છતાં, આ ભાષણોમાં રમૂજ કરતાં કડવાશ વધારે હતી.
ચાલો, આ દ્વેષનો ત્યાગ કરીએ અને ગૌરવ અને શિષ્ટાચારના સિદ્ધાંતો તરફ પરત ફરીએ. ચૂંટણીના પ્રવચનોને, ચૂંટણીની ભાષાને શા માટે આપણા રોજિંદા જીવનના શબ્દકોશમાં લાવવી જોઈએ? એ યાદ રાખો કે પૃથ્વી પરની પ્રાચીનતમ પૈકીની સંસ્કૃતિના સમર્થનમાં ચૂંટણી લડવામાં આવે છે. વિજેતા અને હારનાર બંનેએ આપણને વારસામાં મળેલી નિર્મળ અને સમાવેશક સંસ્કૃતિને અનુરૂપ નૈતિક વિચારો દાખલ કરવા માટે સાથે મળીને કાર્ય કરવું જોઈએ.
તમામ પ્રકારની વિસંગતતાઓ વચ્ચે, ભારત એક અર્થતંત્ર તરીકે, અને સાથે જ શાણપણના મહાન નિર્ણાયક તરીકે વિશ્વમાં મહત્વનું સ્થાન હાંસલ કરવા માટે આગળ ધપી રહ્યું છે. આથી, સત્તા સંભાળનાર અને વિપક્ષનું સ્થાન મેળવનાર, બંનેએ તેમની તમામ ફરિયાદો બાજુએ મૂકીને, આક્ષેપબાજી બંધ કરીને આ મહાન ધરતીના પ્રતિનિધિઓને છાજે તે પ્રમાણે કામગીરી કરવાનો સમય પાકી ગયો છે.
આધ્યાત્મિક પ્રક્રિયાનો સાર સમાવેશકતા છે. રમત રમવી અને જરૂર પડ્યે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જરૂરી છે, તેની સાથે જ, આ મૂળભૂત સત્યનું મહત્વ ઓછું ન આંકવામાં આવે તે અતિ ઝરૂરી છેઃ અલગ થવું એ એક ભ્રમ છે, ખોટી માન્યતા છે. કૃષ્ણ તેમનું સમાવેશક વિઝન ગુમાવ્યા વિના જીવનની લીલામાં સંકળાવાની કુશળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ હતા. ચૂંટણીમાં, સ્પોર્ટની માફક, કોઈએ હારવું પડે છે. પરિણામ મહત્વનું નથી, બલ્કે તમે દેશની પડખે રહ્યા, તે મહત્વનું છે. હવે તમારો ઉદ્દેશ તમે સેવાના જુસ્સાને આગળ ધપાવો તે સુનિશ્ચિત કરવાનો છે.
ભાગલાવાદી ડ્રામા, ક્રોધ અને આડંબરયુક્ત ભાષા માટેનો સમય હવે પૂરો થયો. હવે સાંકડા સંપ્રદાય અને પક્ષ સાથેનાં જોડાણોથી આગળ વધીને દેશના ભવિષ્ય માટે કાર્ય કરવાનો સમય હવે પાકી ગયો છે. વિજેતાઓએ હવે વિનમ્રતા અપનાવવી જોઈએ અને હારનારાઓએ દેશની પ્રગતિ માટે કામગીરી કરવાની તેમની કટિબદ્ધતાનો ત્યાગ કર્યા વિના પ્રભાવશાળી રીતે ચુકાદાનો સ્વીકાર કરવો જોઈએ.
ગાંધીજીએ કહ્યું હતું, “લોકશાહીનો વિકાસ ત્યારે જ સંભવ છે, જ્યારે આપણે બીજા પક્ષની વાત સાંભળવા માટે તૈયાર હોઈએ.” હવે પ્રતિક્રિયાશીલ બન્યા વિના સાંભળવાનો સમય છે. હવે અંતરમાં ડોકિયું કરવાનો અને આગળ નજર કરવાનો સમય છે. આપણે ભૂતકાળ તરફ ગુસ્સો અને ક્રોધની નજરે જોઈને લોકશાહીની પ્રક્રિયાને તુચ્છ નહીં બનાવીએ. ક્રોધાવેશ અને ગુસ્સો એવાં ઝેર છે, જે તમે પી જાઓ છો, અન્ય કોઈ મૃત્યુ પામે તેવી અપેક્ષા સાથે. દોષારોપણ કરવાની યુગો જૂની રીતનો અંત આણવાનો આ સમય છે. જો આમ થશે, તો જ આપણે સામૂહિકપણે આડંબરભર્યા પ્રવચનથી જવાબદારી તરફ ગતિ કરીશું.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.