જીવવા માટે મરણિયા પ્રયાસ ન કરો

સંસ્કૃતમાં, જાણ હોવા માટેના બે ચોક્કસ શબ્દો છે. એક છે, જ્ઞાન અને બીજો છે વિજ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. પાંચ ઈન્દ્રિયો થકી તમે જે જાણકારી કે સમજૂતી મેળવો છો તે જ્ઞાન છે. “વિજ્ઞાન”નો સાચો અર્થ છે વિશેષ જ્ઞાન અથવા તો જ્ઞાનનો અસાધારણ માર્ગ. જો તમે ઈન્દ્રિયાતીત હોય તેવી કોઈ બાબતને સમજો, જો તમે તે જાણકારીને આત્મસાત કરવા માટે સક્ષમ હોવ, તો તે વિશેષ જ્ઞાન ગણાય છે.


વ્યક્તિની ઈન્દ્રિયો અને જાણકારીથી આગળ વધવું શા માટે જરૂરી છે?  જો તમે ‘જરૂરિયાત’ શબ્દ – અમુક વસ્તુ તમારા અસ્તિત્વ માટે જરૂરી છે કે કેમ – તે સંદર્ભમાં વાપરતા હોવ, તો તે જરૂરી નથી. ધારો કે તમે ચિમ્પાન્ઝી તરીકે જન્મ્યા હોત, તો ચોક્કસપણે તેની જરૂર નહોતી. પણ તમે માનવી તરીકેનો ક્રમિક વિકાસ સાધ્યો છે. ચિમ્પાન્ઝી તરીકે જીવવાની ઈચ્છા હવે કારગત નીવડે તેમ નથી.

માનવ બુદ્ધિ અને જાગૃતિ એ તબક્કે આવી પહોંચ્યાં છે, જ્યાં તે સ્વયંને અસ્તિત્વની સીમામાં સીમિત કરી શકે નહીં. તેણે જોવું પડે છે. આ સમસ્યા નથી, શક્યતા છે. શક્યતા પર મદાર ન રાખવા ઈચ્છનારા લોકોને દરેક શક્યતા સમસ્યા જેવી લાગે છે. તે શક્યતા જ હોય છે, છતાં મોટાભાગનાં માણસો તેને સમસ્યા ગણે છે. અને તેઓ અસ્તિત્વનું સ્તર સતત વધારીને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

તમારા સ્વયંના જીવનમાં ડોકિયું કરો અને જુઓ કે પચીસ વર્ષ પહેલાં, પંદર વર્ષ પહેલાં અસ્તિત્વ અંગે તમે શું વિચાર ધરાવતા હતા અને આજે શું વિચાર ધરાવો છો. સ્તર સતત ઊંચું કરવામાં આવ્યું છે. સમાજના દરેક વર્ગમાં અસ્તિત્વને એ સ્તરે ઊંચું કરી દેવાયું છે, જ્યાં અબજોપતિ લોકો સુદ્ધાં તેમના સમુદાયમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મેં ભલભલા માલેતુજારોને ભિખારીની માફક વર્તન કરતાં જોયાં છે. તેમની માનસિકતા રોજ રસ્તા પર બેસીને – “હજી વધુ કેટલા પૈસા હું એકઠા કરી શકું?” એવા વિચારો કરતા ભિખારી જેવી છે. સંખ્યામાં તફાવત છે પણ જીવનનો અનુભવ હજી પણ સમાન છે, કારણ કે તમે અસ્તિત્વનું સ્તર ઊંચું કરી દીધું છે.

હું જ્યારે અમેરિકા જાઉં, ત્યારે જોઉં છું કે વિશ્વના સૌથી સમૃદ્ધ દેશના લોકો પણ જ્યારે ઈચ્છે ત્યારે તેમના જીવનની દિશા બદલી શકતા નથી. દરેક વ્યક્તિ ઓછાંમાં ઓછાં ત્રીસ વર્ષ માટે ગુલામ બની રહે છે, કારણ કે તેઓ ત્રીસ વર્ષની હાઉસિંગ લોન, પાંચ વર્ષની કાર લોન અને આવું બીજું ઘણું બધુ ધરાવતા હોય છે. કોઈ બાબતમાં તેમને તીવ્ર રસ જાગે અને તેઓ તેમાં આગળ વધવા ઈચ્છે, તો પણ તેઓ ત્રીસ વર્ષ પછી જ તે કામ કરી શકે છે. તેઓ ફિક્સ્ડ થઈ ગયા હોય છે. આપણા જીવનને ઘડવા માટેનો આ યોગ્ય માર્ગ નથી. સમૃદ્ધિનો અર્થ એ થાય છે કે તમે તમારા જીવનની દિશા બદલવાની કે ઈચ્છો તે કરવાની સ્વતંત્રતા ધરાવો છો.

ઈતિહાસની કોઈ પણ પેઢીને આપણને આજે મળી છે તેટલી સુવિધાઓ અને સુખસગવડો મળ્યા નહોતાં. કોઈની પાસે આપણાં જેટલાં મોટાં ઘર ન હતાં, કોઈ પણ વ્યક્તિ, સમ્રાટોએ પણ પાંચસો ઘોડાઓ સાથેના રથની સવારી કરી ન હતી. તેને અસ્તિત્વ ગણીને જીવવાને બદલે અને બાકી બધી બાબતોને જીવનના નીરિક્ષણ તરીકે જોવાને બદલે, આપણે ફક્ત સ્તર ઊંચું કરી રહ્યાં છીએ. તમારા જીવનમાં તમારે કોઈક તબક્કે તેને સ્થિર કરવું જોઈએ – “આ મારૂં અસ્તિત્વ છે. તો પછી મારે શું કરવું જોઈએ? એવી કઈ બાબત છે, જે સાચા અર્થમાં મારા જીવનમાં મહત્વ ધરાવે છે?”

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]