પ્રશ્ન: પ્રેમ અને કરુણા વચ્ચે શું તફાવત છે?
સદગુરુ: તમામ લાગણીઓ જે તમે તમારી અંદર કેળવી શકો છો તેમા કરુણા સૌથી ઓછી મૂંઝવે તેવી અને સાથે સાથે સૌથી વધારે મુક્તિદાયક લાગણી છે. તમે કરુણા વગર પણ જીવી શકો છો પરંતુ તમે એમ પણ લાગણીઓ ધરાવો છો તેથી એ સારું રહેશે કે બીજી કોઈ વસ્તુ કરવા કરતાં, તમે તમારી લાગણીઓને કરુણામાં ફેરવો. તેના સિવાય દરેક બીજી લાગણી તમને ફસાવવાની ક્ષમતા ધરાવે છે. કરુણા, લાગણીઓનું એક એવું પરિમાણ છે જે તમને મુક્તિ અપાવે છે અને જે બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે મુંઝવણ ઉભી નથી કરતી.
સામાન્ય રીતે તમારો પ્રેમ એ આવેગ વડે બળ મેળવે છે. જેને તમે પ્રેમ કહો છો તે અમુક રૂચી/પસંદ થી શરુ થાય છે, તેથી તે કોઈ વ્યક્તિ કે વસ્તુ જે તમારી સાથે સારો વર્તાવ કરે છે તેના પર આધારિત હોય છે. તમે હંમેશા કોઈ વ્યક્તિ કે વસ્તુની સારા હોવાની ગણતરી પર આધારિત રહો છો. અથવા બીજી રીતે કહીએ તો, તમારી લાગણી સંકુચિત બને છે. જો તમે જેને પ્રેમ કરતા હો તે વ્યક્તિ સારી હોય તો જ તમે તેને પ્રેમ કરવાનું ચાલુ રાખશો. જો તેઓ તમારા વિચાર પ્રમાણે જે ખરાબ હોય, તેવાં નીકળે, તો તમે તેમને પ્રેમ નહીં કરી શકો. પરંતુ કરુણાનો ફાયદો એ છે કે જો કોઈ વ્યક્તિ ખુબ જ ખરાબ છે, દયનીય પરિસ્થિતિમાં છે અથવા તો દુષ્ટ મૂડમાં છે તો તેની ઉપર વધારે કરુણા રાખી શકો છો. તેથી કરુણા, પ્રેમની સરખામણીમાં ચોક્કસપણે એક વધારે મુક્તિદાયક લાગણી છે. તે તમને નિયંત્રિત નથી કરતી. તે સારા અને ખરાબ વચ્ચે ભેદ નથી રાખતી.
સામાન્ય રીતે, પ્રેમ કોઈક બીજા વિષે હોય છે. તે સુંદર હોય શકે છે પરંતુ તેમાં બધાનો સમાવેશ નથી હોતો. જો બે પ્રેમીઓ સાથે બેઠા હોય, તો બાકીનું વિશ્વ તેમના માટે ગેરહાજર થઈ જાય, તેઓએ પોતાની બનાવટનો જગત સર્જે છે, જેમાં તેઓ એકરૂપ છે. સ્વાભાવિક રીતે આ એક કાવતરા જેવું છે. તમને હંમેશા પોતે સર્જેલા કાવતરાનો ઘણો આનંદ થાય છે કારણકે – તેમાં તમે વિશેષ બની જાઓ છો – અને બીજા કોઈને તેનાં વિષે કંઈ જાણ નથી હોતી. સામાન્ય રીતે, મોટાભાગનાં લોકો માટે પ્રેમનો આનંદ માત્ર એટલો જ છે કે તે એક કાવતરું છે. તેઓ પ્રેમમાં પડીને તેનો ખુબ આનંદ લે છે. પરંતુ જયારે તેમના લગ્ન થાય છે ત્યારે આખા જગતને તેની ખબર પડી જાય છે, અચાનક બધો જ આકર્ષણ જતો રહે છે કારણકે તે હવે એક કાવતરું રહ્યું નથી- બધાને તેની જાણ થઇ ગઈ છે.
એટલે પ્રેમનાં કાવતરામાં લોકોને એક અલગ પ્રકારનો આનંદ મળે છે. પરંતુ આ જ બાદબાકીની પ્રકૃતિ, જેમાં બાકીના વિશ્વને બાકાત રાખવામાં આવે છે, તેનાંથી જ પીડા ઉત્પન્ન થાય છે. પીડા એ નક્કી જ ઉત્પન્ન થશે જો તમે તમારા અનુભવમાંથી આ અસ્તિત્વને બાકાત રાખશો. જો તે એક આવેગ તરીકે શરુ થયાં બાદ વધીને અનંત કરુણા બની જાય તો તે સારું છે. પરંતુ જો તે એક આવેગ તરીકે શરુ થઈને આવેગ તરીકે સમાપ્ત થાય તો પછી તમે ઘણી મુશ્કેલીઓને તમારા જીવનમાં આમંત્રણ આપી રહ્યાં છો. કરુણા એટલે તમામને આવરી લેતું આવેગ! જયારે તે બીજાને બાદ કરે છે ત્યારે આપણે તેને આવેગ કહીએ છીએ. અને જયારે તે સૌનો સમાવેશ કરે છે ત્યારે તે કરુણા બની જાય છે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
