અધ્યાત્મ: એક અસાધારણ લોભ

ધારો કે તમે તમારી ધન માટેની મહત્વકાંક્ષા  છોડીને ભગવાન માટેની મહત્વકાંક્ષા અપનાવો છો, તો તેનો અર્થ એ થાય કે, પહેલાં તમને સર્જનનાં એક ટુકડાની ઈચ્છા હતી, હવે તમે સર્જનહારને મેળવવાની ઈચ્છા ધરાવો છો. શું તમારી મહત્વકાંક્ષા  ઘટી ગઈ છે? ના, તે વધીને અસાધારણ લોભમાં ફેરવાઈ ગઈ છે.

મુદ્દો હંમેશા આજ હોય છે: કે મનુષ્ય તરીકે, તમે ગમે ત્યાં રહો, તમે વર્તમાનમાં જે છો તેનાથી થોડા વધુ વિકસિત થવાની ઈચ્છા ધરાવો છો. જયારે તેમ થાય ત્યારે હજુ થોડા વધારે ને ત્યારબાદ તેનાથી વધારે, અને તેમ ચાલ્યા કરે છે… મૂળભૂત રીતે, તમને તમારા ચલણ પ્રમાણે વ્રુદ્ધિની અપેક્ષાઓ છે. એક વ્યક્તિ માટે તે ધન હોય શકે, બીજા માટે જ્ઞાન, કે પ્રેમ, કે આનંદ કે બીજું કંઈપણ હોય શકે. દરેક વ્યક્તિ પોતાના ચલણ પ્રમાણે હંમેશા  વ્રુદ્ધિની ઈચ્છા કરતો હોય છે. જો તમે વ્રુદ્ધિ ઈચ્છતા હો, તો કેટલી હદની વ્રુદ્ધિ તમને સંતોષ કરશે? સામાન્ય રીતે અમર્યાદિત વ્રુદ્ધિ જ તમને સંતોષ આપશે. તેનો અર્થ એ કે તમારો ધ્યેય અનંત છે. પરંતુ આ અસીમિત ધ્યેયને તમે શારીરિક માધ્યમ દ્વારા મેળવવાનો પ્રયાસ કરો છો. પણ શું શારીરિક ક્યારેય અનંત કે અસીમિત બની શકે? શારીરિક હંમેશા સીમિત હોય છે તે ક્યારેય અસીમિત ન બની શકે. તે બળદ ગાડામાં બેસીને ચંદ્ર સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવા જેવું છે. કોઈ તમને કેહ્શે કે, “નવી ચાબુક ખરીદી લો!”. જો તમારું લક્ષ્ય ચંદ્ર ઉપર પહોંચવાનું હોય તો તમારે યોગ્ય વાહન જોઇશે. તેથી શારીરિક પરિબળ દ્વારા જો તમે અસીમિત બનવાનું લક્ષ્ય રાખો છો તો તે તમને ફક્ત હતાશ કરશે.

જો તમારી કોઈ ઈચ્છા અતૃપ્ત હોય તો તમે દુઃખી થશો, અને તમારી ઈચ્છાઓની પ્રકૃતિ જ એવી હોય છે કે હંમેશા તમારી કોઈ એક ઈચ્છા તો અપૂર્ણ રહેશે જ: “મારે મારી ઈચ્છાઓ ત્યજી દેવી છે” તે પણ એક ઈચ્છા છે, ખરું ને? તેથી તમે એક ન જીતી શકાય તેવી સ્થિતિમાં છો.

એક એવો સમયકાળ હતો જયારે બધા એમ વિચારતા હતાં કે પ્રતિસ્પર્ધી એટલે તેનો નાશ કરી નાખો. હવે તેઓ કહે છે કે ચાલો આપણે ભાગીદારી કરીએ. તેનો અર્થ એ કે માનસિકતા બદલાઇ રહી છે. હું એમ કહું છું કે માનસિકતા માત્ર બાહ્ય વસ્તુઓને લગતી નથી પરંતુ તમારા જીવન વિષે પણ છે. તમારું જીવન તમારી આસપાસની સમગ્ર વસ્તુઓ પર આધારિત છે અને તેમના સતત સહયોગથી ચાલે છે. તેથી જો તમે પોતાની ઈચ્છાથી ભાગીદરી કરશો તો જીવવાની પ્રક્રિયા ખૂબ જ સુખદ બની જશે. પરંતુ જો તમે  અનિચ્છાએ ભાગીદારી કરશો તો તમને લાગશે કે જીવન તમારી પાસેથી છીનવાઈ રહ્યું છે. મારો હેતુ કોઈના જીવનના વિષયને બદલવાનો નથી, અમે માત્ર તમારા જીવનનો સદર્ભ બદલવા માંગીએ છીએ

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન મેળવનાર, સદગુરુ એક યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યુયોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને ૨૦૧૭માં ભારત સરકાર દ્વારા પદ્મવિભુષણથી  સન્માનિત કરવામાં આવ્યા છે, જે સર્વોચ્ચ વાર્ષિક નાગરિક  પુરસ્કાર છે જે અસાધારણ અને  વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]