સારા હેતુઓ વિશ્વનો નાશ કરી શકે છે

વિશ્વમાં તમે જે કંઈપણ કરો, તે તમે ખરેખર જે છો, તેનું પ્રતિબિંબ માત્ર છે. તમે મહાન હેતુ ધરાવતાં હોઈ શકો, પણ મૂળભૂત રીતે તમે જે પણ કરો છો, તે, વાસ્તવમાં અંદરથી તમે કોણ છો, તે વ્યક્ત કરે છે. માનવ જાતિ પર લાદવામાં આવેલાં મોટાભાગનાં કષ્ટ અને પીડા ખરાબ હેતુઓથી નહીં, બલ્કે સારા હેતુઓ થકી જ આવ્યાં છે. આ પૃથ્વી પર મોટાભાગનાં સંહાર અને કત્લેઆમ ફક્ત સારા હેતુથી થયાં છે.

જો તમે વિશ્વ તરફ નજર નાંખશો, તો જોશો કે લડાઈ સારા અને ખરાબ વચ્ચે નથી. હંમેશા સારા લોકો પરસ્પર લડાઈ કરે છે. જે માણસ પર આતંકવાદીનું લેબલ લાગેલું છે, તે વિચારે છે કે તે બહુ સારો છે. તે પોતાને જેટલો વધારે સારો માને છે, તેટલો તે આપણા માટે વધારે ભયાનક બનતો જાય છે. એ ખરાબ લોકો નથી જેઓ પરસ્પર ઝખડે છે, તે હંમેશા સારા હેતુ સાથેના સારા માણસો હોય છે, જેઓ લડે છે. લાખો લોકોને રહેંસી નાંખનારા જેહાદીઓએ પણ સારા હેતુથી જ આમ કર્યું હતું. આ પૃથ્વી પર પારાવાર દુઃખ અને પીડાનું નિમિત્ત બનનારો હિટલર સુદ્ધાં સારો હેતુ ધરાવતો હતો. તે વિશિષ્ટ વિશ્વનું સર્જન કરવા માંગતો હતો. કેવો મહાન હેતુ!

તમે અજ્ઞાનતામાં જે કંઈપણ કરો છો, પછી તે પાછળનો હેતુ સારો હોય, (તો પણ) તેનાથી તમને અને તમારી આસપાસના વિશ્વને હાનિ પહોંચશે. આજે, આપણે પ્રસન્નતા મેળવવા માટે એટલા તત્પર બન્યાં છીએ કે પૃથ્વી પરનું જીવન જોખમાયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ જાતિ માટે એક મહાન વરદાન બની શક્યાં હોત, પરંતુ તેને સ્થાને આપણે આ પૃથ્વીને એ સ્થિતિ પર લાવી મૂકી છે, જ્યાં આપણે વૈશ્વિક આત્મહત્યા તરફ દોરવાઈ શકીએ છીએ. આપણે ઘણી બધી રીતે એ સ્થિતિ પર આવી પહોંચ્યાં છીએ અને તે પણ સારા હેતુ સાથે. છેલ્લાં સો વર્ષોમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી આ પૃથ્વી પર ઘણું બધું થઈ ચૂક્યું છે. હાલના યુગમાં એટલી બધી સુવિધાઓ વિકસી ચૂકી છે કે આજથી સો વર્ષ પહેલાં રાજવીઓ પણ તેની કલ્પના નહોતા કરી શકતા. તેમ છતાં, આજનો માનવ સમુદાય આજથી સો વર્ષ પહેલાંની માનવ જાતિ કરતાં વધુ પ્રસન્ન કે શાંતિપૂર્ણ નથી.

મૂળભૂત રીતે, દરેક માનવીએ સૌપ્રથમ પોતાના પર ધ્યાન આપવાની જરૂર હોય છે. દરેક માનવીની પ્રથમ અને સૌથી મહત્વની જવાબદારી તેની આંતરિકતા પસંદ કરીને આનંદિત વ્યક્તિ બનવાની હોવી જોઈએ. જ્યારે તમે ખુશ હોવ, ત્યારે તમે ઘણા જ ઉદાર વ્યક્તિ હોવ છો, ખરૂંને? જ્યારે તમે ખુશ ન હોવ, ત્યારે તમે જોખમી વ્યક્તિ બની જાઓ છો. આથી, પ્રથમ અને સૌથી જરૂરી જવાબદારી સ્વયંને આનંદિત વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કરવાની છે.

જો આમ ન થાય, તો સારા ઉદ્દેશો સાથે આપણે આ પૃથ્વી પર ભારે પીડા ઊભી કરીશું, જે આજે થઈ રહ્યું છે. જો તમે એ ન જાણતા હોવ કે, તમારા સ્વયંના શરીર, દિમાગ કે સંવેદનાઓનું સંચાલન શી રીતે કરવું, તો પછી તમે વિશ્વનું સંચાલન કેવી રીતે કરી શકો? જો તમે એ ન જાણતા હોવ કે સ્વયંની કાળજી કેવી રીતે લેવી, તો નિઃશંકપણે તમે એ નહીં જાણો કે વિશ્વની કાળજી કેવી રીતે લેવી. આથી, દરેક વ્યક્તિની પ્રથમ અને જરૂરી જવાબદારી પોતાના અંતરને સ્થિર કરવાની અને તમારી પોતાની પ્રકૃતિ દ્વારા આનંદિત બનવાની છે. એક વાર વ્યક્તિ આનંદિત બની જાય, પછી તે વિશ્વમાં ફક્ત આનંદનો જ પ્રસાર કરશે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.