સરળ લાગતી વાતોમાં પણ ક્યારેક રહસ્ય છુપાયેલા હોય છે. મનુષ્યની ઉત્કંઠા તેને સર્જક બનાવી દે છે, અજાણ્યી દુનિયામાં લઇ આવે છે. રશિયાના ઇતિહાસમાં એક એવો કિસ્સો બન્યો કે તેણે રશિયાનું રાજકીય ભવિષ્ય બદલી નાખ્યું. રાજા-મહારાજાઓને પોતાનું જીવન ટકાવી રાખવા માટે ઘણી ખેવનાઓ હોય છે, મૃત્યુનો ડર સૌથી વધુ રાજાને જ હોય છે. તેઓ હંમેશા સુપર પાવરની તલાશમાં હોય છે. કેટલીક વાર સત્તા અને રહસ્યોની દુનિયાને સીધો રસ્તો મળી જતો હોય છે. સત્તા એવી ધાર્મિક સત્તા અને ક્યારેક અંધશ્રદ્ધાને રસ્તે પણ આવી ચડે છે.
મેડમ સુંદ નામક એક સ્ત્રી અનેક મૃતાત્માઓ સાથે વાત કરી શકે છે. તેઓએ અનેક મૃતાત્માઓ સાથે વાત કરીને ભૂતકાળની અનેક ઘટનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. રશિયામાં જયારે ઝાર રાજાનું શાસન હતું, રોમનોવ (રોમનોફ) કુટુંબની પાસે સત્તા હતી ત્યારે લોકજુવાળ તેમની વિરુદ્ધ ધીરે ધીરે વધી રહ્યો હતો. રોમનોવ કુટુંબની પર અનેકવાર જાનલેવા હુમલા થતા રહેતા, તેઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રસ્તાઓ બદલવા પડતા. પોતાના વૈભવી મહેલમાં પણ આ રોમનોવ કુટુંબ સુરક્ષિત નહોતું. ઝરીના જે મહારાણી હતી, તે તકલીફોની વચ્ચે કુદરતી સહારો લેવાનો પ્રયત્ન કરી રહી હતી. મેડમ સુંદ જે મૃતાત્માઓ સાથે વાત કરી શકતી હતી, તે એક વાર એક અસામાન્ય દેખાવ અને આંખોવાળા વ્યક્તિને લઈને ઝરીનાને મળવા આવી. રાસપુતીન નામક એક વ્યક્તિ જે પોતાને સાધુ અને રહસ્ય જાણનાર વ્યક્તિ ગણાવે છે, તેની મુલાકાત રાજપરિવાર સાથે મેડમ સુંદએ કરાવી હતી. મહેલની ચારેતરફ પડઘા પાડતો અને ઊંડો અવાજ કરીને રાસપુતીન મહેલમાં આવ્યો હતો. થોડા જ સમયમાં આ વિચિત્ર અને અસામાન્ય વ્યક્તિએ જે કોઈને ખબર નહોતી કે કયા ધર્મ અને માન્યતાઓ માને છે તેણે રાજપરીવારને પોતાના કાબુમાં કરી લીધું.
એક સાંજે મેડમ સુંદ અને રાસપુતીન, મહેલમાં પ્રવેશ્યા, સમસ્યા હતી કે રોમનોવ કુટુંબના વારસદાર પુત્રને લોહીની અજીબોગરીબ બિમારી થઇ છે. તે લગભગ મૃત્યુની નજીક છે, તેવામાં રાસપુતીનના ઈશારે બધા ગાર્ડસ તે રૂમ છોડીને ચાલ્યા ગયા. ડોક્ટર્સને રાસપુતીનએ રૂમ છોડી દેવા કહ્યું. આકાશમાં થોડા સમય માટે શાંતિ છવાયેલી રહી, અચાનક કોઈ ચિત્ર-વિચિત્ર અવાજો વચ્ચે તે કઈ ગણગણવા લાગ્યો. પેલું બાળક ત્યાં લગભગ મૃત્યુવશ થઇ રહ્યું હતું, અને આ બાજુ રહસ્યમય વિધિ ચાલી રહી હતી. એવામાં આકાશમાં એક વીજળીનો ઝબકાર થયો, અને પેલા બાળકની અંદર ધીરે ધીરે પ્રાણ પુરાવા લાગ્યો. તે બાળક બિલકુલ સ્વસ્થ થઈને સુઈ ગયું. રોમનોવ કુટુંબનું એકમાત્ર વંશજ બચી ગયું હતું. આ ઘટનાએ ઝાર અને ઝરીનાને ખુબ પ્રભાવિત કર્યા હતા.
રાસપુતીનએ ધીરે ધીરે રશિયાના રાજપરિવારમાં પોતાનું સ્થાન જમાવી લીધું હતું. પ્રજાને માટે રાસપુતીનએ રાજપરિવારને વશ કરી લીધો હતો તેવું જાણવા મળતું હતું. એવું લાગી રહ્યું હતું કે રશિયાનું ભાવિ રાસપુતીનના હાથમાં છે? રાસપુતીનને મારવા માટે અનેકોવાર પ્રયાસ કરવામાં આવ્યા હતા. રાસપુતીને પોતાનું કાર્ય ચાલુ રાખ્યું હતું, તે અનેકોવાર યુદ્ધ અને તકલીફોની આગાહી કરતો હતો. તેના લખાણ રાજા પાસે નિયમિત પહોંચતા રહેતા. પ્રજા રાસપુતીનથી ત્રસ્ત હતી, તેવામાં તેને મારવા માટે તેને ત્રણ વાર સાયનાઈડ પીવડાવવામાં આવ્યું, એક સવારે તેની કોફીમાં ત્રણ ગણું સાયનાઈડ અને વાસણોમાં પણ સાયનાઈડ મેળવવામાં આવ્યું. તેમ છતાં તેના ચહેરા પર રતિભાર પણ તકલીફ નહોતી જણાઈ, અંતે તેના સિગાર પર પણ સાયનાઈડ લગાવવામાં આવ્યું હતું. સાયનાઈડથી સામાન્ય વ્યક્તિ દસ સેકંડની અંદર મૃત્યુ પામે છે, પણ રાસપુતીન પર તેની કોઈ અસર નહોતી. છેવટે તેને જાણભેદુઓએ માથામાં ત્રણ ગોળી મારીને ઠાર કર્યો. તેણે મૃત્યુ પહેલા એક પત્ર લખ્યો હતો, એ પત્રમાં તેણે પોતાનું મૃત્યુ અને પોતાના મૃત્યુ પછી રાજપરિવારના અંત માટે સંદેહ વ્યક્ત કર્યો હતો. આ ઘટના પછી રશિયન ક્રાંતિ અને રોમનોવ વંશનો અંત થયો તે ઈતિહાસ છે.
નીરવ રંજન