અમદાવાદઃ ગુજરાત અને ગુજરાતીઓ દરેક ઉત્સવને ધામધૂમથી ઉજવે છે. ત્યારે આજે ઉત્તરાયણનો પવિત્ર પર્વ છે. ઉત્તરાયણમાં લોકો પોતાના ઘરની અગાશી પર જઈને પતંગ ચગાવે છે, ચીક્કી, તલના લાડુ, શેરડી, બોર વગેરે આરોગે છે અને આનંદ કરે છે.
પરંતુ ઉત્તરાયણ એ માત્ર આનંદ કરવાનો પર્વ નથી. આપણા દરેક તહેવારો એક યા બીજી રીતે આધ્યાત્મિક વિજ્ઞાન અને ધર્મ સાથે જોડાયેલા છે. બીલકુલ તેવી જ રીતે ઉત્તરાયનો આ ઉત્સવ પણ એક અલૌકિક આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. ત્યારે આવો જાણીએ ઉત્તરાયણના મહત્વ વિશે.
સૂર્ય જ્યારે ઉત્તર દિશામાં અયન કરે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ ઉત્તરાયણનો મહિમા વર્ણવતા કહ્યું છે કે ઉત્તરાયણના 6 માસના શુભ કાળમાં જ્યારે ભગવાન સૂર્ય ઉત્તરાયણમાં હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે ત્યારે આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી તે જીવનો પુનર્જન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે.
સૂર્યનું મકર રાશિમાં આજના દિવસે પ્રવેશ કરે છે. સૂર્યનું મકર રાશિમાં આવવું એનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ અનોખું મહત્વ છે. આ ઉપરાંત ભૌગોલિક દ્રષ્ટિએ પણ આ તહેવારનું મહત્વ છે. વર્ષના છ મહિના પૃથ્વી ઉત્તર દિશા તરફ નમેલી રહે છે. જેને કારણે છ મહિના ઉત્તરાયણના અને છ મહિના દક્ષિણાયનના કહેવામાં આવે છે.
કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહ બાણશૈયા પર છ મહિના સુધી ઉત્તરાયણની રાહ જોઈને સૂઈ રહ્યાં હતાં. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ મહિના દરમિયાન જો કોઈ મૃત્યુ પામે તો તેને મુક્તિ મળે છે અને તેનો ફરી જન્મ થતો નથી. અને એટલા માટે જ ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે પોતાનો દેહત્યાગ કર્યો હતો.
વિષ્ણુ ધર્મસુત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મકરસક્રાંતિના દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવાથી જાતકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. સામાન્ય રીતે તલની પ્રકૃતિ ગરમ હોય છે જેનું શિયાળામાં સેવન કરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે.
ભૌતિકતા તરફથી આધ્યાત્મ તરફની ગતિ એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણમાં સૂર્યનારાયણના કિરણો પૃથ્વી પર સીધા પડવાની શરૂઆત થાય છે તેથી આ પ્રકૃતિનો ઉત્સવ છે. દેવીપુરાણમાં જણાવ્યા અનુસાર સંક્રાંતિ ખૂબ જ સૂક્ષ્મ સમયમાં સંપન્ન થતી એક મહત્વની ઘટના છે.
સ્વસ્થ માણસ એક પલકારો મારે તેના ત્રીસમા ભાગનો સમય ‘તત્પર’ કહેવાય છે. તે તત્પરનો 100મો ભાગ ‘ત્રૂટિ’ કહેવાય છે અને ત્રૂટિના પણ 100માં ભાગના સમયમાં સૂર્ય રાશ્યાંતર કરી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. અને તે સમયગાળાને સંક્રાંતિ કહેવાય છે.
મકરસંક્રાંતિની પૌરાણિક કથા
સૂર્ય ભગવાન પોતાના પુત્ર શનિ અને બીજી પત્ની છાયાના શાપને કારણે કોઢી થઈ ગયાં હતાં, પરંતુ પોતાના બીજા પુત્ર યમરાજના સાર્થક પ્રયત્નો દ્વારા એવું વરદાન પણ મેળવ્યું કે જે પણ વ્યક્તિ ભગવાન સૂર્યના ચક્ર સ્વરૂપ એટલે કે માત્ર ચહેરાની પૂજા કરશે તેના કુષ્ઠ રોગ દૂર થશે. એક સમયે સોનાચાંદી, ઝવેરાતથી ભરેલું રહેનાર છાયા અને શનિદેવનું ઘર હવે ધનરહિત થઈ ગયું હતું. ઘણો સમય વીત્યાં પછી પુત્રમોહ તથા યમરાજના ઘણા સમજાવવાથી ભગવાન સૂર્ય પોતાની પત્ની છાયાના ઘરે પહોંચ્યાં ત્યારે શનિદેવ અને છાયાએ તેમની પૂજાઅર્ચના કરી. વાત્સલ્ય પ્રેમથી ભગવાને જણાવ્યું કે, “મારા શાપ અને કિરણોને કારણે તમારું ઘર નિર્ધન થઈ ગયું છે. તે હવે હંમેશાં ધનથી સંપન્ન રહેશે.” નિર્ધનતાને કારણે છાયા અને પુત્ર શનિએ ભગવાન સૂર્યની પૂજા માત્ર તલ દ્વારા કરી હતી, કારણ કે નિર્ધનતાને કારણે તેમની પાસે કોઈ પણ પ્રકારનું અનાજ કે પૂજા માટેની બીજી કોઈ સામગ્રી ન હતી. શનિ અને છાયાના કાળા રંગને કારણે તે તલનો રંગ પણ કાળો થઈ ગયો. આથી ભગવાન સૂર્યએ વરદાન આપ્યું કે, “જે પણ વ્યક્તિ આ દિવસે તલથી મારી પૂજા કરશે તેને દૈહિક, વૈદિક તથા ભૌતિક કષ્ટ કે આપત્તિ ક્યારેય નહીં આવે.”
શાસ્ત્રોક્ત અને વેદોક્ત મહિમા
ઉત્તરાયણના દિવસે સૂર્ય પૂજા, ગૌ પૂજા અને દાનનું વિશેષ મહત્વ છે. આજના દિવસે ભગવાન સૂર્યની જો શ્રદ્ધાપૂર્વક ઉપાસના અને પૂજા કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. સૂર્ય એટલે સકારાત્મકતા, ઊર્જા અને શક્તિ. ભગવાન સૂર્યની ઉપાસના કરવાથી ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થવાથી મનુષ્યને ઊર્જા મળે છે, તેનામાં પોઝિટિવિટી આવે છે અને સાથે ઊર્જા અને પોઝિટિવિટી અને તેજ પ્રાપ્ત થવાથી મનુષ્યને શારીરિક રોગોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં પ્રસન્નતા આવે છે. એટલા માટે જ આજના દિવસે સૂર્યપૂજાનું વિશેષ મહત્વ છે.
પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યો સૂર્યતત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. ઉત્તરાયણનું વિશેષ મહત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું.
મહાભારતમાં કુરુ વંશનાં ભીષ્મપિતામહ કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણશય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે.
ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં સવારે વહેલા ઉઠીને લોકો ગાયની પૂજા કરીને ગાયને ઘઊં કે બાજરાને બાફીને તેના પર ઘી-ગોળ નાખીને (પૂળા) ખવડાવે છે. લીલો ચારો ખવડાવે છે. આ દિવસે દાનનુ પણ પુષ્કળ મહત્વ છે. તેથી આ દિવસે લોકો દાન પણ કરે છે. આ દિવસે તલનુ વિશેષ મહત્વ હોય છે. તેથી ઘેર-ઘેર તલપાપડી, તલસાંકળી, તલના લાડુ તો બનતા જ હોય છે.
(અહેવાલઃ હાર્દિક વ્યાસ)