અમદાવાદ-શિર્ડી વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ

અમદાવાદ તથા ગુજરાતના અન્ય શહેરોનાં સાઈબાબા ભક્તો માટે ખુશખબર છે.મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડી માટે સ્પાઈસજેટ દ્વારા અમદાવાદ સહિત ચાર શહેરો માટે નોન-સ્ટોપ ડેઈલી વિમાન સેવાનો આજથી આરંભ કરવામાં આવ્યો છે.

શિર્ડીથી મુંબઈની વિમાન સેવાનો આરંભ કરાયા બાદ લોકો તરફથી જોરદાર પ્રતિસાદ મળતાં આજથી આ સેવાનો વિસ્તાર કરવામાં આવ્યો છે અને ચાર શહેરોને આવરી લેવામાં આવ્યા છે.

આ ચાર શહેરો છે – અમદાવાદ, ભોપાલ, બેંગલુરુ અને જયપુર.

હવે 10 જાન્યુઆરીથી શિર્ડી-ચેન્નાઈ માટે પણ વિમાન સેવા શરૂ કરવામાં આવશે.

આને લીધે અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોમાં વસતા સાઈબાબાનાં ભક્તો પણ હવે ઝડપથી શિર્ડી પહોંચી શકશે.

અમદાવાદથી ટ્રેન દ્વારા ભોપાલ અને શિર્ડી જવા માટે 12થી 13 કલાકનો સમય લાગે છે, પણ વિમાન સેવા શરૂ થવાથી સાઈભક્તો માત્ર એક કલાકને પાંચ મિનિટમાં જ ધાર્મિક નગરી શિર્ડી પહોંચી શકશે.

સ્પાઈસજેટે આ સ્થાનો માટે બોમ્બાર્ડિયર ક્યૂ-400 વિમાનનો ઉપયોગ કર્યો છે.

ગયા ઓક્ટોબરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવા બાંધવામાં આવેલા શિર્ડી એરપોર્ટ ખાતેથી મુંબઈ અને હૈદરાબાદ માટેની વિમાની સેવાનું ઉદઘાટન કર્યું હતું. દક્ષિણ ભારતમાંથી શિર્ડી આવતા સાઈભક્તો તરફથી હૈદરાબાદ-શિર્ડી ફ્લાઈટને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. એને પગલે એર અલાયન્સ અને સ્પાઈસજેટે હૈદરાબાદ માટેની ફ્લાઈટ્સની સંખ્યા વધારી દીધી છે. હાલ હૈદરાબાદ માટે રોજ 6 ફ્લાઈટ હોય છે.

એવી જ રીતે, શિર્ડી-દિલ્હી ફ્લાઈટને પણ લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

મુંબઈ, હૈદરાબાદ અને દિલ્હી શહેરો માટે શિર્ડીથી રોજ કુલ 10 ફ્લાઈટ ઉપડે છે. આને લીધે સ્પાઈસજેટે વધુ પાંચ શહેરો માટે 12 ફ્લાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આજે અમદાવાદ-શિર્ડી ફ્લાઈટ ઉપરાંત અન્ય ત્રણેય શહેર – જયપુર, ભોપાલ અને બેંગલુરુ ખાતેથી પણ શરૂ કરાયેલી ફ્લાઈટ પૂરી ભરાઈ ગઈ હતી.