કર્મોના હિસાબનું ચૂકવણું ને આત્માની અનંત યાત્રા

નવા જન્મમાં કાર્મિક હિસાબોના કારણે અને આધારે આપણે અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ. ગયા જન્મના હિસાબ-કિતાબના આધારે આપણે આપ-લે કરીએ છીએ. જે આત્માઓ સાથે આજે આપણે છીએ તે પહેલા પણ ક્યારેક તેમની સાથે હતા. આ દરમિયાન તેઓની સાથે આપણો હિસાબ-કિતાબ બન્યો હતો. પરંતુ જેવો તે આત્મા સાથેનો હિસાબ ચૂકતે થઈ જાય છે કે તરત તે આત્મા પોતાનું શરીર છોડી દે છે. હવે આપણને એ સમજમાં આવ્યું છે કે, ચોક્કસ સમય માટે તે આત્મા હિસાબ ચૂકતુ કરવા માટે આપણા સંપર્કમાં આવી હતી. હિસાબ ચુકતુ થયા બાદ કોઈ પણ આત્મા વધુ સમય સુધી આપણી સાથે રહી શકતી નથી. હવે તે આત્મા નવું શરીર ધારણ કરે છે અને નવા ઘેર જન્મ લે છે જ્યાં તેનો હિસાબ છે. આ રીતે આત્મા પોતાની યાત્રા ઉપર વધતી રહે છે.

જેવી રીતે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોઈએ છીએ ત્યારે બધા મુસાફરો પોત પોતાની યાત્રા પર હોય છે. દરેકનું ઉતરવાનું સ્ટેશન અલગ અલગ હોય છે. જો આપનો મારી સાથેનો સંબંધ ચાર દિવસનો જ છે તો ચાર દિવસ પછી આપણે છૂટા પડવાનું જ છે, કારણ કે પાંચમા દિવસથી આપનો સંબંધ બીજા સાથે છે. આ સમયે આપણે વિચારીએ કે તમે તો મારી પાસેથી જતા રહ્યા. તો આપણે નિરાશ થઈશું. પણ તે સમયે આપણે જો એ વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઈએ કે હવે આપનો સંબંધ બીજા સાથે છે તો આપણે આ બાબતથી દુઃખી થઈશું નહીં.

આનો અર્થ એ કે, જ્યારે તેઓ આપણાથી અલગ થયા તો મારો હિસાબ-કિતાબ તેમની સાથે પૂરો થઈ ગયો. આ એક આધ્યાત્મિક નિયમ છે. આપણે દુઃખ-દર્દ સાથે તેમને યાદ નથી કરતા.

એક માતાને એના પુત્ર પ્રત્યે બહુ જ સ્નેહ હોય અને જો અચાનક તે પુત્રનું અવસાન થાય. ત્યારે જો માતા પુત્રને યાદ કરીને દુઃખી થઈને રડશે. તો તે સંકલ્પો તેના પુત્રએ બીજા સ્થળે જ્યાં બાળક તરીકે જન્મ લીધો હશે ત્યાં પહોંચશે અને તે બાળકની આત્માને દુ:ખનો અનુભવ થશે. આથી જ્યારે આપણા નજીકના સંબંધીનું અવસાન થાય છે ત્યારે આપણે એ સત્યનો સ્વીકાર કરવો જોઈએ કે, આત્મા અવિનાશી છે. ફક્ત તેણે આગળની મુસાફરી માટે નવું મનુષ્યનું શરીર ધારણ કરેલ છે. નવા જન્મમાં તે આત્મા સુખ-શાંતિનો અનુભવ કરે તેવા સંકલ્પો કરવા જોઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)