વિચારોની શક્તિમાં નિર્માણની શક્તિ

(બી. કે. શિવાની)

સૌ પ્રથમ આરામથી બેસી પોતાના વિચારોને જોવાનો પ્રયત્ન કરો કે,  હું એક શક્તિ છું… જે હું શક્તિ આખો દિવસ ઘરનું, ઓફિસનું તથા અન્ય લોકો માટે ધ્યાન રાખું છું. હું તે જ શક્તિ છું…કે જે આટલા બધા કાર્યો કરવા માટે સક્ષમ છું. મારી અંદર અનેક ખૂબીઓ છે.. પોતાની જાતને યાદ અપાવો કે, હું એક શક્તિશાળી આત્મા છું, પરિસ્થિતિઓને નિયંત્રણ કરનાર હું એક શક્તિ છું. હું મારા મનની કે મનનો માલિક છું…મારી આસપાસ…ભલે કોઈ પણ ઘટના ઘટે…કોઈ પણ વ્યક્તિ મારી સાથે ગમે તેવો વ્યવહાર કરે પણ… મારે તે વિશે કશું વિચારવાનું નથી. મારા વિચાર…એ મારી જ રચના છે. આજે મારે આખો દિવસ કેવા સારા સારા વિચારો કરવા તે હું પોતે નક્કી કરું છું. હું એક શક્તિશાળી આત્મા છું.. મારા મનના સંકલ્પો હું જાતે જ ઉત્પન્ન કરું છું… આજે આવનારી કોઈપણ પરિસ્થિતિનું હું સન્માન કરીશ…હવેથી હું શક્તિશાળી સકારાત્મક સંકલ્પોની જ રચના કરીશ…મારા દરેક સંકલ્પ…શક્તિશાળી…શુદ્ધ…અને સકારાત્મક હશે…ઓમ શાંતિ.   

આપણા સંકલ્પ જ આપણું ભાગ્ય નક્કી કરે છે. જ્યાં જાગૃતિની વાત થાય છે ત્યાં દર વખતે આપણે એમ કહીએ છીએ કે, ખુશી તો કુદરતી છે. આપણે વાત કરી રહ્યા છીએ કે, મારી ખુશીનું જે આંતરીક લેવલ છે, તે મારા જીવનમાં દિવસ દરમિયાન કયા પ્રકારનું છે? એક બાબત સ્પષ્ટ છે કે “મારી ખુશી” જે અત્યાર સુધી મારા વિચાર પ્રમાણે, પરિસ્થિતિ ઉપર, લોકો ઉપર કે ચીજ-વસ્તુઓ પર આધારિત હતી. તો પરિસ્થિતિ, ચીજો કે લોકો તો તેના તે જ છે અને હતા, પરંતુ ખુશી કે દુ:ખ એ મારી પોતાની રચના છે. એ વાત આપણને હવે સમજણ પડી. 

જે સંકલ્પોની આપણે રચના કરીએ છીએ તેનાથી આપણા ભાગ્યનું નિર્માણ થાય છે. અર્થાત મેં જે સંકલ્પની રચના કરી તે સ્વતઃ મને મારા ભાગ્ય સુધી લઇ જાય છે. આપણે વારંવાર સમજાવીએ છીએ કે, અનુભવ એ સૌથી મોટું ઉદાહરણ છે. આપણે એ રહસ્ય જાણવાનો પ્રયાસ કરીશું કે, સંકલ્પોથી લઈને ભાગ્ય સુધીનું જે ચક્ર છે તે આપણા જીવનમાં કેવી રીતે કામ કરે છે. 

ભાગ્ય એક શક્તિ છે, આપણી પાસે જે કંઈ આવે છે કે જે કંઈ પણ બને છે તે આપણું ભાગ્ય છે. પછી તે કોઈ પરિસ્થિતિ હોય, કોઈનું વર્તન, વાણી કે વ્યવહાર હોય. જે પ્રકારની શક્તિ મારી પાસે આવશે તે પ્રકારની શક્તિનું નિર્માણ મારી અંદર થશે. આપણે પોતાને ચેક કરીએ કે હું કેવી રીતે કાર્ય કરું છું? આપણી વિચારવાની રીતના આધારે જ આપણને ભાગ્ય મળે છે. વાસ્તવમાં જે પ્રકારની પરિસ્થિતિ દિવસ દરમિયાનમાં મારી સામે આવશે તે પ્રમાણે મારા વિચારો ચાલશે. જે ઉર્જા મારામાં મનમાંથી બહાર આવશે તેવી જ ઊર્જા મારી અંદર ઉત્પન્ન થશે.

આ જીવનનું સમીકરણ છે જો બહારથી સારી ઊર્જા આવી રહી હોય, તો અંદર પણ સારી ઉર્જા ઉત્પન્ન થશે. ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે, પરિસ્થિતિ આપણને સારો કે ખરાબ અનુભવ કરાવે છે. આપણે એમ સમજીએ છીએ કે બહારની ઉર્જા અને અંદરની ઉર્જા એ બંને આપણને ચિંતા કરાવે છે. પરંતુ આધ્યાત્મિકતા આપણને એમ શીખવે છે કે હું જે ઊર્જા ઉત્પન્ન કરું છું, તે ઉર્જા બહાર જાય છે, અને હું જે ઉર્જા બહાર મોકલું છું તે જ ઊર્જા વળી આપણી પાસે પાછી આવે છે. આને આપણે “કર્મનો સિદ્ધાંત” કહીએ છીએ. આ એક સાધારણ વિજ્ઞાન પણ છે કે, જે ઊર્જા આપ બહાર મોકલશો તે જ ઊર્જા આપની પાસે પાછી આવશે. આપણને આ બાબતની જાણકારી પહેલા ન હતી, આપણને સામાન્ય રીતે જાણકારી એ પ્રકારની હતી કે, બહાર શું થઈ રહ્યું છે, બીજા શું કરી રહ્યા છે? આ પરિસ્થિતિમાં આપણે આપણી અંદરથી બહાર જઇ રહેલી ઉર્જાને ઓળખી શકતા ન હતાં. ફક્ત બહારથી આપણી અંદર આવવાવાળી ઊર્જાનો જ અનુભવ કરતા હતા. 

ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે, આ વ્યક્તિનું ભાગ્ય બહુ સરસ છે. તેને દરેક વસ્તુ ઘેરબેઠાં સહેલાઈથી મળી જાય છે. તો શું આનો અર્થ એ છે કે, તેણે પહેલા આ પ્રકારની ઊર્જા ઉત્પન્ન કરી હશે? આપણને એ પણ ખબર નથી કે, તેણે પહેલા કેવા પ્રકારની ઊર્જા ઉત્પન્ન કરી હતી? આપણે આપણા ભાગ્યનો આધાર જે બહારથી આવી રહેલ ઉર્જા છે તેને બનાવીએ છીએ. અને આપણે એમ વિચારીએ છીએ કે, બહારથી જે ઉર્જા આવી રહેલ છે તેનું નિયંત્રણ મારા હાથમાં નથી. આપણે અહીં જાણ્યું કે જે બહારથી તમારી પાસે આવી રહેલ છે તે એ જ છે જે આપણે નિર્માણ કર્યું હતું. 

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)                      

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]