આદર્શ વ્યક્તિનો વ્યવહાર બીજાને પ્રેરણા આપે છે

જનતા કહે છે કે અમે ચુંટીને મોકલેલ સરકાર અમારી વાત નથી સાંભળતી. અમારી માંગણીઓ અધૂરી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આપણે બધા આપણા અંતરાત્માના નથી સાંભળતા અને ભગવાનના અવાજને પણ નથી સાંભળતા. બે યુગો થી આપણે સૌ ઘંટડી વગાડીને ભગવાનને આપણા દિલની પરિસ્થિતિ સંભળાવીયે છીએ પરંતુ ભગવાનની આજ્ઞાનું પાલન નથી કરતા. જો આપણે ભગવાનની આજ્ઞા સાંભળવાનું શીખી લઈએ તો આપણી સર્વ સમસ્યાઓ હલ થઈ જાય.


જો મનુષ્ય અંતરમુખી બનીને જુએ તો એ સત્ય સામે આવે છે કે સૌથી વધુ પોતાનું મન બોલે છે. બીજી વ્યક્તિ તો એક કલાક, બે કલાક બોલીને ચૂપ થઈ જશે પરંતુ મન તો હંમેશા બોલતું જ રહે છે. આપણે સુઈ જઈએ છીએ ત્યારે પણ મન વિચાર કરવાનું ચાલુ જ રાખે છે. બીજાનું બોલવાનું બંધ કરતા પહેલા મનુષ્ય એ પોતાના મનના વ્યર્થ વિચારોને બંધ કરવા જોઈએ. આમ કરવાથી બીજાને સાંભળવાની શક્તિ કેળવવાશે. આપણે બોલીને બીજાને સુધારવા જઈએ છીએ, પોતાનું મહત્વ બતાવવા માંગીએ છીએ, પરંતુ આપણાથી નાના કે સમાન વ્યક્તિઓ આપણા કર્મોને વધુ જુએ છે, આપણી વાણીને નહીં. આદર્શ વ્યક્તિનો વ્યવહાર બીજાને પ્રેરણા આપે છે. માટે આદર્શ બનો અને શક્તિને બચાવો. આ મનુષ્ય સૃષ્ટિના ડાયરેક્ટર પરમપિતા પરમાત્મા શિવ દ્વાપર અને કળિયુગ બે યુગોમાં ઉપર પરમધામમાં રહીને ભક્તોની પોકાર સાંભળે છે અને ધર્મ ગ્લાનિના સમયે થોડા વર્ષો માટે આ ધરતી પર અવતરિત થાય છે.

આ દરમિયાન પણ તેઓ બધી મનુષ્ય આત્માઓના દિલની વાત સાંભળે છે. બીજા નંબરમાં પ્રજાપિતા બ્રહ્મા પણ બધાના દિલની વાત સાંભળી તેમને હલકા કરે છે. દેવી-દેવતાઓ પણ વધુ પડતા વાણીમાં નથી આવતા. મંદિરોમાં રાખેલ તેમની જડ મૂર્તિઓ સમક્ષ ભક્ત લોકો પોતાના હૃદયમાં ઉત્પન્ન થતા તમામ ભાવોને મન અને મુખની થાળીમાં રાખી દેવી-દેવતાઓને અર્પણ કરે છે. દેવી-દેવતાઓની જડ મૂર્તિઓ પણ ભક્તોની વાત સાંભળે છે અને ભક્તોને પ્રસન્નતાનો અનુભવ કરાવે છે. તમામ ધર્મ પિતાઓ માં પણ સાંભળવાની શક્તિ હોય છે. ધર્મની સ્થાપના કરવા માટે તેઓએ લોકોની ઉલટી-સુલટી વાતો તથા વિરોધને સહન કરેલ હોય છે. તો પછી આપણે સાંભળવાથી શા માટે ડરીએ છીએ?

આપણા કાન બે છે પરંતુ બંનેનું કામ એક છે સાંભળવું. જ્યારે મુખ એક છે પરંતુ કામ બે છે બોલવું અને ખાવું. એનો ભાવાર્થ આપણી સાંભળવાની શક્તિ બોલવાથી બે ઘણી હોવી જોઈએ. આપણે સાંભળવામાં સંકોચ ન કરવો જોઈએ તથા વ્યર્થ વાતને એક કાનથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખીયે. વધુ પડતું બોલવાના ઘણા નુકસાન છે. માટે જ પ્રકૃતિએ જીભને 32 દાંતના પહેરામાં રાખી છે. એક મુખ દ્વારા બે કામ કરવાના છે, માટે ઓછું બોલવું જોઈએ. ખૂબ વિચારીને મુખ દ્વારા મહાવાકયો જ બોલવા જોઈએ. જેવી રીતે કામની વાતો ન બોલવી તે એક રીતે અપરાધ છે. તેવી જ રીતે જાણી જોઈને સાંભળ્યું ન સાંભળ્યું કરવું જે પણ એક જાતનો અપરાધ છે. સાંભળવાની શક્તિનો સાચો અર્થ એ છે કે સાંભળીને તેનો અમલ કરવો.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)