મનની સ્થિતિ

ખુશી એટલે આપણાં વિચારો સ્થિર હોય. “આંતરિક શાંતિ” માટે ઘણા બધા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. જેમ કે સંતુષ્ટતા કોને કહેવાય? શાંતિ શું છે? તેની અનુભૂતિ કેવી હોય? વગેરે વગેરે.. જો આપણે અંદરથી એટલે કે મનથી સંતુષ્ટ હોઈએ તો એકદમ આરામનો અનુભવ કરીએ છીએ. જ્યારે આપણા મનમાં જો કંઈ ઉપર કે નીચે થાય તો સમજવાનું કે, મારી માનસિક સ્થિતિ બરાબર નથી. જો તમે મનથી એકદમ સ્થિર છો, સંતુષ્ટ છો તો એમ સમજો કે તમે ખુશ છો. ધારો કે આજે મેં આઇસક્રીમ ખાધો. પછી હું કહું કે હું બહુ જ ખુશ છું. પણ તે કોઈ આપણી આંતરિક ખુશી નથી. એ તો માત્ર સ્વાદનો એક પ્રત્યક્ષ અનુભવ છે.

ધારો કે મને દાંત બહુ જ દુ:ખે છે જેના કારણે હું ખૂબ પરેશાન છું. પરંતુ આજે એકાએક દાંતમાં દુ:ખતું બંધ થઇ ગયું, ત્યારે આપણે કહીએ છીએ કે દાંતમાં દુ:ખતું બંધ થવાથી આજે હું બહુ જ ખુશ થઇ. વાસ્તવમાં આ ખુશી નથી, આ તો દર્દથી થોડો સમય રાહત મળી. પરંતુ આપણે આ બધી બાબતોને જ ખુશી ગણીએ છીએ. પરિણામે વાસ્તવમાં ખુશી શું છે? તે આપણે ભૂલી જઈએ છીએ.

જીવનમાં ખુશ રહેવા માટે આપણે કશું બહારથી કરવાની જરૂર નથી. આપણે હંમેશા ખુશ છીએ જ. આપણું જીવન એક ખાલી ગ્લાસ જેવું છે. આપણે ઈચ્છીએ છીએ કે, કોઈને કોઈ રીતે તેને ભરવો છે. કંઈક એવું કરીએ કે જેનાથી તે જલ્દી-જલ્દી ભરાઈ જાય. હવે થોડા સમય માટે આપણા વિચારોને બદલી નાખીએ અને એમ વિચારીએ કે મારું મન રૂપી ગ્લાસ તો પહેલેથી જ ભરેલો છે, તેને ભરવા માટે આપણે કશું કરવાની જરૂર નથી. હવે આખો દિવસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે નાની-નાની વાતોમાં તે ખાલી ન થઈ જાય.  કારણ કે જો આપણે ધ્યાન નહીં રાખીએ તો દિવસના અંતે આપણે પોતાને ખાલી અનુભવ કરીશું.

આપણે ઉત્તેજનાને સાથે જોડી દીધી છે જે આપણા મનને સ્થિરતા માટે લાભકારક નથી. જેવી રીતે ભયએ મનની નીચેની અવસ્થા છે, આવેશ એ તેનો બીજો પર્યાયવાચી શબ્દ છે. આપણે સમજવું પડશે કે આ બંને ચીજો આપણા મનને સ્થિરતા નથી આપતી.

જ્યારે કોઈપણ કારણસર આપણને ભય લાગે છે, તે સંજોગોમાં મન સહજ નહીં રહે અને શરીર ઉપર તેનો પ્રભાવ દેખાશે. ડર, દુઃખ કે આવેશમાં હૃદયની ગતિ સામાન્ય નથી રહેતી. પરંતુ આપણે વિચારીએ છીએ આ બધી બાબતો સ્વાભાવિક છે. મન પર તેની જે અસર થાય છે તે તો પાછળથી જ  ખબર પડે છે. પરંતુ શરીર પર તો તેની સ્પષ્ટ અસર દેખાય છે. આપણા હ્રદયની ગતિ ઝડપી બની જાય છે. પરંતુ આપણે તેને સામાન્ય ગણીને અવગણીએ છીએ. આપણે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે, મારી આજુ-બાજુ આખા દિવસમાં કોઈ પણ ઘટના બને ત્યારે મારે પોતાના મનની સ્થિરતા જાળવી રાખવી છે. એનો અર્થ એ નથી કે આપણે કોઈ કામ પણ ન કરીએ, કંઈ બોલીએ નહિ. જો ઘરમાં બાળકે કોઈ ખોટું કામ કર્યું તો હું તને કહું કે ન કહું? આવા સંજોગોમાં આપણી પાસે બે વિકલ્પ છે. કાં તો ગુસ્સે થઈને કહીએ અથવા તો પ્રેમ-સ્નેહથી કહીએ. આપણે એવું વિચારીએ છીએ કે સામેની વ્યક્તિને કંટ્રોલમાં રાખવા માટે ગુસ્સો કરવો આવશ્યક છે.

આપણે એક દિવસ પ્રયત્ન કરીને જોઈએ, આપણે કોઈની પાસેથી કોઈ કામ કરાવવું છે તો આપણે એ લક્ષ્ય રાખીએ કે અશાંત થયા વગર તેની પાસેથી કામ કરાવવું છે. આજે આખો દિવસ મારી આજુબાજુ ભલે કોઈ પણ ઘટના બને પણ મારે મારા મનને શાંત અને સ્થિર રાખવું છે. આપણને એવો અનુભવ થશે કે આ તો બહુ જ સહેલું છે. પછી તો તે આપણો સ્વભાવ બની જશે.

જેવી રીતે આપણે મુસાફરી દરમિયાન વિચારો કરીએ છીએ કે આ શું થઈ રહ્યું છે? આ વ્યક્તિએ રોંગ સાઇડથી વાહન ચલાવીયું, ક્યાંક એક્સિડન્ટ ન થઈ જાય. આવા વ્યક્તિને વાહન ચલાવવાનું લાયસન્સ કોણ આપે છે? ફક્ત એક દિવસ માટે આપણે આવા વિચારો નથી કરવાના. બધાં પ્રકારના કામ કરતાં લક્ષ રાખવાનું છે કે, મારે કોઈપણ બાબતમાં અશાંત થવું નથી, મારે મારા મનને સ્થિર રાખવાનું છે.

દિવસના અંતે આપણે એ અનુભવ કરીશું કે આવો સ્વભાવ રાખવાથી મારી ઘણી બધી ઉર્જા બચી જાય છે. આવી મનની સ્થિરતા કેટલું બળ આપે અને કેટલી નવી પ્રેરણા આપે છે? તે આપણે પ્રયોગ કરીશું ત્યારે ખબર પડશે. આ પ્રયોગ આપણા પોતાના માટે હશે. આપને એ જ કહીશ કે આ લેખમાળા દ્વારા તમે જે કંઈ પણ સમજ્યા અને જીવનમાં જે અનુભવ કરી રહ્યા છો તે અન્યને જરૂર જણાવશો જેથી બીજાને પણ પ્રેરણા મળી શકે. શાંત ચિત્તથી મૌનમાં કેવી રીતે રહી શકાય છે, હું આત્મા શાંત સ્વરૂપ છું, શાંતિધામની નિવાસી છું, શાંતિના સાગર પરમાત્મા પિતાની સંતાન છું. જ્યારે ઊંડાણપૂર્વક આપણા અંતર મનમાં આ વાતોની સમજ આવી જાય પછી જે અનુભૂતિ થાય તેનો પ્રભાવ ખુબજ વધુ ગહેરો હોય છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]