એ શક્ય નથી કે જો તેઓ નાની બાબતમાં સ્થિર ન હતા તો મોટી પરિસ્થિતિમાં તેઓ સ્થિર રહેશે. જો ઘરની તમામ વ્યક્તિઓ તણાવમાં છે તો આપણે એવું વિચારીએ છીએ છે મારે એવું કાંઈ પણ નથી કહેવું કે જેથી તેઓ વધુ તણાવમાં આવી જાય. હું મારા વ્યવહારને બદલી નાખું છું. બહુ જ વિચારીને બોલું છું કે જેથી કોઈને પણ દુઃખ ના થાય. કોઈ પરિવારમાં કોઈનું અવસાન થાય છે પરિણામે બધા બહુ જ દુઃખી છે, રડી રહ્યા છે. આ સંજોગોમાં ઘરની એક વ્યક્તિ જવાબદારી લે છે કે મારે આ પરિસ્થિતિને પાર કરવી જ છે. એ પોતાના દર્દ ને અંદર જ દબાવી દે છે અને પરિસ્થિતિને સહજ રીતે પાર કરે છે. પરંતુ ત્યારબાદ તે વ્યક્તિ બહુ જ ખરાબ રીતે દુ:ખી-અશાંત બની જાય છે. કારણકે એની અંદર જે દર્દ ભરેલું છે તે તો બહાર નીકળ્યું જ નથી. જે તેને સુખેથી જીવવા નથી દેતું.
આ સંજોગોમાં આપણે કહીશું કે તેઓએ તણાવ ઊભો ન કર્યો પરંતુ અંદર જ દબાવી દીધો પરિણામે તેઓ અંદર ને અંદર દુઃખી થયા કરે છે. આપણે પ્રયત્ન કરવો જોઈએ અંદર દુઃખ ઉભું જ ના થાય. આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે નાની નાની બાબતોમાં સ્થિરતાથી પરિસ્થિતિને પાર કરીએ.
આ સ્વભાવ બની ગયા પછી મોટી પરિસ્થિતિમાં વધુ મહેનત નહીં કરવી પડે. તેને સહજ રીતે પાર કરી શકીશુ. પરંતુ તેની શરૂઆત નાની પરિસ્થિતિઓથી કરવી પડશે. તણાવ એક માનસિક બીમારી છે જેને ફક્ત હું જ જાણું છું. આ બીમારીમાં દર્દી પણ હું છું તો ડોક્ટર પણ હું જ છું. રોજ સવારે ઊઠીને આપણા સંકલ્પોને ચેક કરીએ કે આપણા મનમાં કેવા વિચારો ચાલી રહ્યા છે? તેની ઝડપ કેવી છે? જેવી રીતે હૃદયના ધબકારા વધી જાય છે તો આપણે તરત ડોક્ટર પાસે જઇને તેનો ઇલાજ કરાવીએ છીએ. તેવી જ રીતે મનના વિચારો પણ જો અનિયંત્રિત બની જાય તો તરત તેનો ઉપાય કરવો જોઈએ.
મનના વિચારોનો પ્રભાવ શરીરના અંગો પર પણ પડે છે. આથી જો શરૂઆતથી જ મનના વિચારોને કંટ્રોલ કરીએ તથા સકારાત્મક બનાવીએ તો તેનો વિપરીત પ્રભાવ શરીરના અંગો પર નહીં પડે. તણાવ આપણી એકાગ્રતાની શક્તિ, યાદશક્તિ તથા નિર્ણયશક્તિને અસર કરે છે. માનસિક તણાવના કારણે આપણે ગૂંચવાઈ જઈએ છીએ અને યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. જો કોઈનામાં ચિંતા કરવાની ટેવ છે તો તેના માટે અપચો, અલ્સર વિગેરે બીમારીઓ થવી સામાન્ય બની જાય છે. ગુસ્સાવાળો સ્વભાવ છે તો કેન્સર, હૃદયરોગ વગેરે બીમારીઓ થવી શક્ય છે. આથી આપણે આપણા વિચારો ઉપર ધ્યાન આપવાનું છે કે જેથી નકારાત્મક વિચારોની અસર શરીર ઉપર ન થાય. તણાવના સમયે જો આપણે થોડો સમય આરામ કરી લઈએ તો થોડા સમય માટે આપણને ફાયદો થશે. પરંતુ તે એનું કાયમી સમાધાન નથી.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)