પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનું શોષણ કરવાનું છોડીએ

આપણે પણ પ્રકૃતિ પ્રત્યે દયા દેખાડીને તેના રૌદ્ર સ્વરૂપને શાંત સ્વરૂપમાં બદલવાનું છે. આ માટે પોતાના સ્વાર્થ માટે તેનું શોષણ કરવાનું છોડીએ. પ્રાકૃતિક તોફાનોને બુદ્ધિથી કચડવાની ઊંચી- ઊંચી યોજનાઓ બનાવવાના સ્થાને પોતાના નકારાત્મક, હિંસક, અન્યાયી તથા વિકારો થી ભરેલ આવેગોને કચડીયે તો પ્રકૃતિ પણ સુખ આપનાર બની જશે. રાજયોગના નિરંતર અભ્યાસ દ્વારા વ્યક્તિ આ પ્રકારના આવેગોને સમાપ્ત કરી શકે છે તથા તેની દિશા બદલીને કલ્યાણકારી બનાવી શકે છે. અર્થાત હિંસા, ચોરી, બીજાને છેતરવાના સ્થાને તેનું મન દાતા પનની ભાવના, રહમ ભાવના, બીજાનો ઉદ્ધાર કરવાની ભાવના તથા બધાને સુખી બનાવવાની ભાવનાથી ભરી શકે છે. આમ સમયની માંગ છે કે આપણે મનના ભારથી ઉત્પન્ન થયેલ આવેગોને સમાપ્ત કરીએ તથા ઈશ્વર પિતા સાથે યોગ યુક્ત બનીને કરુણા મૂર્તિ બની દરેકની આંખમાંથી આંસુ લુછવા લાગી જઈએ.

આજનો માનવ ભયના પડછાયામાં જીવી રહ્યો છે. બીમારી, વૃદ્ધાવસ્થા, ગરીબી, પ્રાકૃતિક આપદાઓ, મૃત્યુનો ડર વિગેરે અનેક પ્રકારની ભય જનક બાબતોનો પડછાયો તેની આજુબાજુ પડતો રહે છે. આ બધામાં સૌથી ભયાનક છે મૃત્યુનો ડર. મૃત્યુ ભયાનક નથી પરંતુ તેનો ડર ખૂબ ભયાનક છે. મૃત્યુ તો એક જ વાર આવે છે પરંતુ તેનો ડર વારંવાર વ્યક્તિને મારે છે. શાસ્ત્રોમાં એક ઉદાહરણ આવે છે કે ધર્મરાજે યમદૂતને 2000 વ્યક્તિઓને મારીને તેમની આત્માઓને લાવવાનું જણાવ્યું. જ્યારે યમદૂત પાછો આવ્યો ત્યારે તેની સાથે 4000 આત્માઓ હતા. જ્યારે તેને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે મેં તો 2000 વ્યક્તિઓને જ માર્યા હતા, બાકીના તો મૃત્યુના ભયથી મરી ગયા તથા મારી સાથે આવ્યા. આ ઘાતક ભયને જીતવા વાળો જ મૃત્યુંજય છે.


મૃત્યુ નામ ડર ઉત્પન્ન કરનાર છે આથી તેને બદલવું ખૂબ જરૂરી છે. મૃત્યુ નો અર્થ છે આત્મનું શરીર બદલવું. આમ મૃત્યુ તો માત્ર શરીર રૂપી વસ્ત્ર બદલવાની પ્રક્રિયા છે. એક ઝાડ પણ વસંત ઋતુમાં પોતાના પાંદડાને બદલે છે. મનુષ્યને શરીર બદલવા અંગે યોગ્ય જ્ઞાન ન હોવાના કારણે તે મૃત્યુના કારણે દુઃખી થઈ જાય છે. નવા કપડાં પહેરવા, નવા ઘરમાં જવું, નવા લોકો સાથે મળવું તે આપણને બધાને સારું લાગે છે ને ! મૃત્યુ દ્વારા આ તમામ પ્રાપ્તિઓ થાય છે તો તેનો દિલથી સ્વીકાર કરીએ અને મૃત્યુને ઉત્સવ સમજીને ખુશી મનાવીએ.

સતયુગ થી કલયુગ અંત સુધી આત્માઓ દ્વારા શરીર ધારણ કરવા તથા છોડવાનો ક્રમ નિરંતર ચાલતો આવ્યો છે. માટે જ કહેવાય છે કે મૃત્યુના સમાચાર દુનિયામાં હંમેશા તાજા રહે છે. એચ.જી. વેલ્સે કહ્યું છે કે આ દુનિયામાં જેટલા લોકો અત્યાર સુધી આવ્યા તેનો જો હિસાબ લગાવવામાં આવે તો આ સંસારમાં દરેક વ્યક્તિના પગ નીચે 10 વ્યક્તિઓની માટી છે. આ માટી સાથે, તેનાથી બનેલા શરીર સાથે તથા ભૌતિક સાધનો સાથે જેને જેટલો મોહ છે તેટલો જ તેને મૃત્યુનો ડર છે. જે વ્યક્તિ વિનાશી ચીજોના મનન તથા લગનમાં રહે છે તેને દરેક ક્ષણે પોતાના મૃત્યુનો ડર સતાવે છે.