હવે આપણને સમજમાં આવી ગયું છે કે જેના ઉપર આપણું જીવન આધારિત છે તે માન્યતાઓ આપણે પોતે જ બનાવી શકીએ છીએ. સૌથી મોટી માન્યતા એ છે કે ખુશી મારી પોતાની રચના છે. હું કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા ખુશ રહી શકું છું ખુશ રહેવા માટે મારે કોઈ કારણની જરૂરિયાત નથી. આ માન્યતા જીવનમાં વણાઈ જાય ત્યારબાદ આપણે નવી માન્યતાઓને જીવનમાં અપનાવવાની છે.
હજુ સુધી જીવનમાં આવનાર પરિસ્થિતિઓના કારણે આપણે નિરાશ હતા. આપણને કોઈ પણ રસ્તો દેખાતો ન હતો. પરંતુ હવે જીવનમાં નવી શરૂઆત થઈ છે. આપણને વિશ્વાસ છે કે હું મારા જીવનને સુખી બનાવી શકું છું. હવે આપણે એ વિચાર કરવો જોઈએ કે એવી કઈ-કઈ બાબતો છે કે જે આપણને નવી માન્યતાઓ બનાવવા નથી દેતી.
આપણે જોયું કે તણાવ કે જે અંગે આજ સુધી આપણે સમજતા હતા કે તે બહારથી આવી રહ્યો છે. હવે આપણને ખબર પડી કે તણાવ આપણી પોતાની જ રચના છે. પહેલા આપણે ધીરજ રાખીએ અને તણાવને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ. આપણી અંદર જે વ્યર્થ સંકલ્પો ચાલે છે તેને જાગૃત રહીને ધીરે-ધીરે ઓછા કરીએ.આ માટે એક સુવાક્ય અપનાવીએ – “કમ બોલો, ધીરે બોલો, મીઠા બોલો”. કોઈ કોઈ વાર મૌન પણ રાખીએ.
ઘણી બધી બાબતો છે જે આપણે પકડીને રાખી છે. કોઈ પરિસ્થિતિ આવી, લોકોએ કંઈક કહ્યું કે મારી સાથે ખોટું થયું. આ પ્રકારના વિચારોથી હું દુઃખી થઉં છું. કોઈ પણ વાતને પકડીને રાખવાથી આપણે પોતાને જ નુકસાન થાય છે.
મારી સાથે અન્યાય થયો છે, મોટાભાગના લોકોની આ જ માન્યતા હોય છે. કોઈ પણ વાતને પકડી રાખવાથી આપણને પોતાને જ નુકસાન થાય છે. આનાથી બચવા નો એક ઉપાય છે કે મૌનમાં બેસીએ અને સાક્ષી દ્રષ્ટા બની ને દ્રષ્ટિ ને જોઈએ અને સમજીએ કે એ બાબતને લઈને દુઃખ હું પોતે જ ઊભુ કરી રહેલ છું. હવે તે બાબતને મનમાંથી કાઢી નાખીએ.
ઘણી વાર આપણને એવું થાય છે કે આ બાબત સહેલી નથી મનમાંથી બધું કાઢી નાખવું શક્ય નથી. પરંતુ આપણે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ અંતમાં તો મનમાંથી જતું જ રહેશે. જ્યાં સુધી મેં તે બાબતને મન માં પકડી રાખી છે ત્યાં સુધી પરિસ્થિતિ વશ આપણે હેરાન થતાં જ રહીશું. ભૂતકાળની બાબતો નો ખરાબ અનુભવ આપણને વર્તમાનમાં પરેશાન એટલા માટે કરે છે કે આપણે તે ઘટનાને ફરીથી યાદ કરીએ છીએ. ધારો કે પરિસ્થિતિ આવી પરંતુ હું મારા દુઃખ ને ભૂલી ગઈ તો ભલે પરિસ્થિતિ આવી પરંતુ તેના કારણે હું દુઃખી નથી થઉં. પરિસ્થિતિને હું અલગ રીતે પસાર કરીશ. ધારો કે તમે મારા માટે ખરાબ બોલી રહ્યા છો. પરંતુ જો મારા ઉપર તમારા શબ્દોનો પ્રભાવ નહીં પડે તો હું દુઃખી નહીં થાઉં. તે પરિસ્થિતિ મારા માટે કાંઈ નથી.
જો હું દુઃખ માં જતી રહી તો હું બીજાને પ્યાર કે ખુશી નહીં આપી શકું. જો મારે તમારી સાથે થોડોક પણ સંબંધ છે અને મને ખબર પડે છે કે આજે તમારો મૂડ બરાબર નથી તો તરતજ હું તમને મદદ કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જઈશ. જો આપણે આ બીજા માટે કરી શકીએ છીએ તો પોતાના માટે શા માટે નહીં?
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)