આપણી ઓળખાણ બને છે આપણા કાર્ય, પદવી તથા સંબંધ વિગેરે થી. સંબંધ પણ જીવનની યાત્રા સાથે બદલાતા રહે છે. પહેલા મારી ઓળખાણ કોઈની પુત્રી તરીકે હોય છે. થોડા સમય બાદ મારી ઓળખાણ એક માતાના રુપમાં હોઈ શકે છે. પછી 20 વર્ષ પછી હું કોઈની દાદી છું, સાસુ છું. આમ આપણી ઓળખાણ સંબંધના આધારે બદલતી જાય છે. ઘણી બાબતો છૂટતી જાય છે, જેમકે સેવા નિવૃત્ત થયા પછી પદવી જતી રહે છે. આપણને પરિવાર, પદવી, પોતાની સંપત્તિ વિગેરે સાથે લગાવ બની રહે છે. આ બધી બાબતો થી છૂટવાનો ડર રહે છે. જીવનમાં ખુશીનો અનુભવ નથી કરી શકતા. આપણા મનમાં એવો ડર બેસી જાય છે કે મને કાંઈ થઈ ન જાય.
જ્યારે આપણે ‘હું’ કહીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણું નામ, પછી હોદ્દો અને પછી સંબંધ યાદ આવે છે. આપણી સામે શરીર સંબંધિત તસવીર સામે આવે છે. આમ શરીર સાથે આપણો ખૂબ લગાવ છે. એટલો બધો લગાવ કે આપણે પોતાને શરીર જ સમજીએ છીએ. ઘણીવાર આપણે કહીએ છીએ કે મારું માથું દુ:ખે છે, મારા પેટમાં દર્દ છે. આ સિદ્ધ કરે છે કે હું કહેનાર ચૈતન્ય શક્તિ અલગ છે અને શરીર અલગ છે. વાસ્તવમાં આપણે પોતે શરીરના કંટ્રોલર ચૈતન્ય શક્તિ આત્મા છીએ. રાજયોગ દ્વારા આપણી મૂળ માન્યતા કે ‘હું શરીર છું’, ‘ગુસ્સો કરવો સ્વાભાવિક છે’ વિગેરે તૂટે છે, અને નવી માન્યતા બને છે કે હું શરીર નથી, પણ શરીરનો માલિક ચેતન્ય શક્તિ આત્મા છું. જ્યારે આપણે પોતાને શરીર સમજી અને બીજાને સાથે મળીએ છીએ ત્યારે દેહભાનના આધારે જ મળીએ છીએ. બીજાના શરીર સાથે સરખામણી કરીએ છીએ કે તે મારાથી વધુ સુંદર છે.
જો આપણે એ માન્યતા બનાવીએ કે હું શરીર નથી શરીરનો માલિક ચૈતન્ય શક્તિ આત્મા છું, તો જ્યારે મારી સાડી ઉપર કોઈ ડાઘો પડશે કે તે ફાટી જશે તો વિચારીશ કે મારા શરીર પહેરેલ સાડી નુકસાન થયું છે. આમ સમજવાથી મને દુઃખનો અનુભવ નહીં થાય. હું સાક્ષી બનીને સાડીને રીપેર કરાવીશ. મનુષ્યની સ્વાભાવિક ટેવ છે કે સુંદર દેખાવું.
રાજયોગ મેડિટેશનમાં પોતાના શરીર ને ભૂલી પોતાને આત્મા અનુભવ કરવાનો હોય છે. શરીર રૂપી વસ્ત્ર પણ મહત્વપૂર્ણ છે, તે સાફ રાખવું જરૂરી છે. પરંતુ સાથે-સાથે એવું ન હોવું જોઈએ કે મારું શરીર યાદ રહે અને વાસ્તવમાં હું જે છું તે ભૂલી જઈએ.
જ્યારે આપણે દર્પણમાં પોતાનું વસ્ત્ર જોઈએ છીએ ત્યારે એમ નથી વિચારતા કે હું વસ્ત્ર છું. હવે મને એ સમજમાં આવી ગયું છે કે હું એક પવિત્ર અને અવિનાશી ચૈતન્ય શક્તિ આત્મા છું. શરીરને સ્થૂળ દર્પણમાં જોઈ શકાય છે, જ્યારે પોતાને સંકલ્પના દર્પણમાં જોઈ શકાય છે. ચેક કરીએ કે મારામાં ( આત્મામાં) ગુસ્સો કે ઈર્ષ્યા નો ડાઘતો નથી લાગી ગયો?
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)