- આપણા જીવનની એક માન્યતા એવી છે કે ગુસ્સો આવવો એ સ્વાભાવિક છે. આ માન્યતાના કારણે આપણે હજી સુધી ગુસ્સા ઉપર કાબૂ નથી મેળવી શકતા. આપણે ગુસ્સા ઉપર કાબૂ મેળવવા માટે ઘણા સંમેલનોમાં ભાગ લીધો પરંતુ આપણી અંદરથી ગુસ્સો દૂર થતો નથી. પરિણામે તે ઘણા રૂપમાં વારંવાર પ્રગટ થઈ જાય છે.
આપણે જીવનમાં ખુશી, પ્યાર, શાંતિ તથા સંતોષનો ભાવ અનુભવ કરવાનો છે. તે માટે ગુસ્સો ,તણાવ, ઈર્ષા કે ડર જેવી નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં બદલવી જરૂરી છે. ગુસ્સા વગર પણ કામ કરી શકીએ છીએ. એવું નથી કે મોટે મોટેથી બોલવું એ જ ગુસ્સો છે, જ્યારે આપણે કોઈ વાતને અંદર પકડીને રાખીએ છીએ તો તે પણ ગુસ્સાનું જ સ્વરૂપ છે. આ સ્થિતિમાં આપણે ખુશ રહેવા ઈચ્છીએ તો પણ ખુશ નથી રહી શકતા કારણ કે ક્રોધ અને ખુશી બંને સાથે સાથે નથી રહી શકતા. આપણે પોતાની માન્યતાને ચેક કરવી પડશે કે ખુશી સ્વાભાવિક છે કે ક્રોધ સ્વાભાવિક છે. બંનેમાંથી કોઈ એકને આપણે પસંદ કરવો પડશે. આપણી અંદર આ બંને એક સાથે નથી રહી શકતા. આપણી માન્યતા છે કે ગુસ્સા વગર કામ નથી થઈ શકતું, તેનાથી લોકો આપણા નિયંત્રણમાં રહે છે. વર્તમાન સમયે આપણા જીવનમાં એ દેખાઈ રહ્યું છે કે આપણું જીવન ખુશી વગર ચાલી રહ્યું છે પરંતુ ગુસ્સા વગર નથી ચાલી રહ્યું. આપણે ઘણી વાર પ્રયત્ન કરીએ છીએ કે ગુસ્સા વગર આપણું કામ થઈ જાય. પરંતુ જો કામ ના થયું તો આપણી સામે બે વિકલ્પ છે. જેમાંથી આપણે ગુસ્સાને પસંદ કર્યો. જો આપણે ગુસ્સાથી કામ લેવાનું પસંદ કર્યું છે તો આપણે ગુસ્સા સાથે જ જીવન જીવવું પડશે. પરંતુ આપણે ગુસ્સાની સાથે જીવન જીવતા માંગણી કરીએ છીએ કે મને ખુશી જોઈએ છે.
આ બંને સાથે નથી રહી શકતા. ખુશ રહેવું બહુ જ સહેલું છે, આપણે હંમેશા ખુશ રહી શકીએ છીએ. જે દિવસે આપણે નક્કી કરી લીધું કે ગુસ્સા વગર પણ જીવન ચાલી શકે છે તો તે દિવસે આપણને ખુશી માટે પ્રયત્ન નહીં કરવો પડે. ખુશ તો આપણે પહેલેથી જ છીએ. આપણે અત્યારે પણ ખુશ છીએ કારણ કે ખુશી સ્વાભાવિક છે. જો એવું કંઈ બની ગયું કે જેના કારણે ગુસ્સો કરી દીધો તો મારી ખુશી જતી રહે છે. કારણકે ગુસ્સાના કારણે ખુશી જતી રહી. આપણે ક્યારેય પણ બેસીને ખુશી નથી ઉત્પન્ન કરવી પડતી. ખુશી તો પહેલેથી જ આપણી અંદર છે. જ્યારે આપણે ક્રોધ, દર્દ, દુઃખ, ઈર્ષ્યા વિગેરે ને ઉત્પન કરવા પડે છે. હવે આપણે એ સમજવાનું છે કે જે રીતે આપણે આ બધું ઉત્પન્ન કરી શકીએ છીએ એ જ રીતે ખુશી ને પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. જો આપણે મનમાં નક્કી કરી લીધું કે કોઈપણ સંજોગોમાં ગુસ્સો નથી કરવો તો આપણે ખુશી ઉત્પન્ન નહીં કરવી પડે .
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)