સકારાત્મક વિચારોથી ભવિષ્યનું નિર્માણ 

(બી.કે.શિવાની)

સકારાત્મક સંકલ્પ દ્વારા આપણે જીવનમાં ખુશીનો અનુભવ કરી શકીએ છીએ. પરંતુ આ કોઇ જાદુ નથી કે આપ એક દિવસમાં શીખી જશો. તેના માટે તમારે અભ્યાસ (પ્રેક્ટીસ) કરવો પડશે. કારણ કે  ઘણાં લાંબા સમય વર્ષોથી તમે જે વિચારધારા સાથે ચાલી રહ્યા છો તેમાં બદલાવ (પરિવર્તન) લાવવા માટે ઘણો સમય થઇ શકે છે. આજથી આપણે ફક્ત એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે, પરિસ્થિતિઓ તથા વ્યક્તિઓના વ્યવહાર પ્રત્યે આપણે ધ્યાન રાખીએ છીએ, તેની સાથે-સાથે આપણે આપણા મનના વિચારો (સંકલ્પો)નું પણ ધ્યાન રાખીએ.

એક દિવસ માટે તમે જુવો કે વિભિન્ન પરિસ્થિતિઓમાં મન કયા પ્રકારના અને કેવા વિચારો (સંકલ્પો) કરી રહ્યું છે. જો મન નકારાત્મક સંકલ્પો કરી રહ્યું છે, તો પણ કોઈ વાંધો નહીં. તેને તરત જ બદલવાનો પ્રયત્ન ન કરો. સંકલ્પ સકારાત્મક હોય કે નકારાત્મક તે અગત્યનું નથી, પરંતુ આ સંકલ્પ કોણ ઉત્પન્ન કરી રહ્યું છે? તેની આપણને જાણકારી હોવી જરૂરી છે. મારા મનના વિચારો હું પોતે જ ઉત્પન્ન કરી રહેલ છું. ધારો કે, કાલે મારી નોકરી છૂટી જાય કે અન્ય કોઈ સમસ્યા ઊભી થાય, પરંતુ તે પ્રસંગે જે પ્રકારના વિચારો મારા મનમાં આવે છે, તે હું પોતે જ પેદા કરી રહી છું. 

મારા બોસે બધાની હાજરીમાં મારા ઉપર ગુસ્સો કર્યો, એથી મને દુઃખની અનુભૂતિ થઈ. બધાની સામે મારી આબરૂ ગઈ. આવા સમયે સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે, મારી તો કોઈ ભૂલ જ ન હતી. છતાં પણ તેઓ મારા ઉપર ગુસ્સે થયા. અહીં તો મહેનત કરવાનો કોઈજ ફાયદો નથી. ગમે તેટલી મહેનત કરો, બોસ તો ક્યારેય ખુશ થવાના જ નથી. આ પ્રકારના વિચારોથી આપણે દુઃખ તથા હતાશાનો અનુભવ કરીશું. આ બનાવ ઉપર આપણે એવું પણ વિચારી શકીએ છીએ કે, તેમણે બોસ તરીકે તેમનો પાર્ટ ભજવ્યો.

પહેલા આપણે આપણા કાર્યને જોઈ લઈએ કે પછી વિચારીએ કે, શક્ય છે કે તેઓએ ધ્યાનપૂર્વક મારું કાર્ય જોયું ન હોય. એવું પણ બની શકે કે આજે બોસનો મૂડ બરોબર ન હોય. જ્યારે તેમનો મૂડ બરોબર થશે ત્યારે હું તેમની પાસે જઈને સાથે સ્પષ્ટતા કરી લઈશ. જ્યારે કોઈ આપણા ઉપર ગુસ્સો કરે છે ત્યારે આપણું અપમાન થતું નથી. પરંતુ તે સમયે ત્યાં અન્ય હાજર રહેનાર વ્યક્તિઓ આ દ્રશ્યને જોઈ રહ્યા હોય છે. તેઓને ખબર છે કે કોણ પોતાની જાતને નિયત્રણ કરી શકે છે અને કોણ નથી કરી શકતા. અન્ય લોકો મારા માટે એવું જ વિચારશે જેવું હું મારા માટે વિચારતી હોઇશ. જો આવા સમયે મારી આંતરિક સ્થિતિ એકરસ રહી, મારા ચહેરા ઉપર કોઈ પ્રકારની દુઃખની લહેર માત્ર દેખાતી નથી તો બધા લોકો મારા માટે સહાનુભૂતિપૂર્વક વિચારશે.

આમ આવા સમયે અન્ય લોકો મારા માટે શું વિચારશે તેની ચિંતા કર્યા વગર હું પોતે કેવા વિચારો કરીશ? તે બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ. કારણ કે લોકો શું વિચારશે? તે હું તો જાણતી નથી, પરંતુ જેવા વિચારો હું મારા માટે કરીશ, લોકો પણ તે જ પ્રકારે વિચારશે. આપણે સકારાત્મક વિચારો દ્વારા જે શક્તિ (ઉર્જા) ઉત્પન્ન કરીશું તે શક્તિ (ઉર્જા) વાતાવરણમાં ફેલાશે અને વ્યક્તિઓના વિચારોને પ્રભાવિત કરશે. આમ લોકો મારા વિશે સારું વિચારે કે ન વિચારે, પરંતુ સૌ પહેલા હું મારા પોતાના વિશે સારા વિચારો ઉત્પન્ન કરું. 

જો હું એવું વિચારીશ કે બોસને તો મારી કોઈ કિંમત જ નથી, હવે હું કંઈ નવું કરીશ જ નહીં.  કારણ કે અહીં આપણા કરેલા કાર્યની કદર જ થતી નથી. હું આટલી બધી મહેનત કરું છું, છતાં પણ બધાની હાજરીમાં મારું અપમાન જ થવાનું હોય, તો મહેનત શા માટે કરું? આવા પ્રકારના નકારાત્મક  વિચારોની સાથે હું મારા ટેબલ પર કે મારી જગ્યાએ જઈને કામ શરૂ કરીશ, તો જરૂર કોઈને કોઈ મારાથી ભૂલ થશે. પરંતુ જો હું એમ વિચારું કે મારા પહેલા કરેલા કામથી બોસ ગુસ્સે થયા હતા. પરંતુ હવે હું ધ્યાનપૂર્વક નવું કાર્ય કરીશ. અગાઉ કારણ વગર બોસ મારા ઉપર ગુસ્સે થયા હતા.

હવે જોવું છું કે આ વખતે મારું કામ તેમને પસંદ આવે છે કે કેમ? પરંતુ હવે આવા સમયે આપણે નકારાત્મક વિચારો કરવાના નથી. અત્યારે જ આપણે એકાગ્રતાપૂર્વક નવું કામ શરૂ કરી શકીશું. મારાથી સિનિયર પ્રત્યે ખોટા વિચારો ઉત્પન્ન નહીં કરું. હું વિચારી શકું કે તેઓને પણ પોતાની કોઇ અલગ સમસ્યા હશે. અથવા તો તેઓ કોઈ પણ કારણથી ડિસ્ટર્બ હશે. આમ, આપણે અન્ય પ્રત્યે શુભભાવના ત્યારે જ રાખી શકીશું જ્યારે આપણું મન ડિસ્ટર્બ નહીં હોય. 

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)