બાળ મજૂરીની સમસ્યાનું સમાધાન માનવીય સંવેદનામાં

આ વર્ષને પ્રાયોગિક રૂપે જો સંયમ વર્ષ જાહેર કરવામાં આવે તથા આ વર્ષ દરમિયાન જો સંતાન મેળવવા ઇચ્છતા વ્યક્તિઓ અનાથ, ત્યજાયેલ,અસમર્થમાંથી એક-એક બાળકની જવાબદારી લે તો આ સમસ્યાનું નિવારણ લગભગ થઈ શકે તેમ છે. આ કોઈ કલ્પના નથી પરંતુ વ્યવહારમાં લાવવામાં આવેલ યુક્તિ છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલ ઘણા બ્રહ્મચારી દંપતિઓએ આ અંગે સફળ પ્રયોગ કરેલ છે. અસમર્થ, ગરીબ બાળકોને અપનાવીને ભણાવી ગણાવીને મોટા થતા તેમને નોકરી કે ધંધામાં લગાવીને પોતાના પગ ઉપર ઊભા કરવાની સેવા કરેલ છે. આ વિશ્વવિદ્યાલયના સેવાકેન્દ્રો પર એવા ઘણા યુવકો છે કે જેઓ બાળ મજૂરીના મુશ્કેલ જીવનથી નીકળીને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સુખમય જીવનનો અનુભવ કરી રહેલ છે. ધરતીકંપ સમયે અનાથ બનેલ ઘણા બાળકોને અપનાવવા માટે ઘણા દંપતિઓએ પહેલ કરેલ છે. એક સારી નિશાની છે.

એક પ્રસિદ્ધ લેખકની પ્રેરણાદાયક વાર્તાનો ઉલ્લેખ અહીંયા કરવો યોગ્ય છે. જેમાં મુખ્ય પાત્રના રૂપમાં બે બહેનપણીઓ છે. એકનો ચિત્ર કળામાં શોખ છે અને બીજીનો સમાજ સેવાનો શોખ છે. એકવાર એક ગરીબ મજૂર માતાનું અવસાન થયું. જેના બે નાના બાળકો મૃત શરીરને ચોંટીને રડવા લાગ્યા. ચિત્રકાર બહેને એ દ્રશ્યનું ચિત્ર બનાવીને કલા પ્રદર્શનીમાં રજૂ કર્યું. તેને ખૂબ ધન તથા શાબાશી મળી. બીજી બહેને તે બંને બાળકોને દત્તક લઈ લીધા. તેમને ભણાવી-ગણાવીને લાયક બનાવી દીધા. વાર્તાના અંતમાં વાંચકો માટે એક પ્રશ્ન તેમના નિર્ણય ઉપર છોડવામાં આવ્યો કે બંનેમાં મહાન કોણ? બાળકોને પગભર કરનાર તે અજ્ઞાત બહેન કે પોતાની ચિત્રકળાના માધ્યમથી ધન તથા માન પ્રાપ્ત કરવા વાળી ચિત્રકાર બહેન? આજે ગરીબો, બેસહારા, અનાથો ના ચિત્રો વેચવા વાળા, તેમના ઉપર વાર્તાઓ લખવા વાળા કે પોતાના ભાષણમાં તેમના આંકડા આપવા વાળા ઘણા છે, પરંતુ આ બધાથી ઉપર તેમને પોતાના આત્મિક ભાઈ માની તેમને ગળે લગાવવા વાળા, અપનાવવા વાળા કેટલા છે? કારણ કે આ સમસ્યાનું સમાધાન આ પ્રકારની માનવીય સંવેદનામાં જ છુપાયેલું છે.

બાળ મજૂરી પાછળ ફક્ત એક પૈસાનું જ કારણ નથી. પૈસાનો અભાવ એ મોટું કારણ હોઈ શકે છે, પરંતુ આમ કરવાના અન્ય કારણ પણ છે. જે મન સાથે જોડાયેલ છે. જે ઘરોમાં મોટી વ્યક્તિઓમાં પરસ્પરના સબંધો મન મોટાવ હોય છે ત્યાં બાળકોની જિંદગી કેદી જેવી બની જાય છે. ઘરમાં તમામ સગવડો હોવા છતાં મહિનામાં ઘણીવાર ચૂલો નથી સળગતો. રાત્રે પથારીમાં પણ તેમને તે શંકાના કારણે ઊંઘ નથી આવતી કે ક્યાંક થી ક્રોધનો જ્વાળામુખી ન ફાટી પડે. પિતાનું વ્યસની હોવું પણ બાળકોના કોમળ મન ઉપર વિપરીત અસર કરે છે. ઘણા બાળ મજૂરોએ મજુરી કરવાનું કારણ એ બતાવ્યું કે તેમના પિતા કમાતા નથી, અથવા કમાઈ છે તે વધુ વ્યસનોમાં ઉડાવી દે છે. અમે બાળકો તથા અમારી માતા મજબૂર બનીને મજૂરી કરીએ છીએ. સાવકી મા નો ઘરમાં પ્રવેશ, ફિલ્મ-ટીવી- મોબાઈલનું આકર્ષણ, ઘરમાં ઉપેક્ષા પૂર્ણ વાતાવરણ, માતા-પિતાની ક્રૂરતા, પરીક્ષાઓનો ભય, પ્રેમ પ્રસંગ, શહેરી જીવનનું આકર્ષણ આ બધી બાબતો ઘર થી બેઘર બનાવવા માટે તથા મજૂરી કરવાનું કારણ બને છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)