કેરેક્ટર પ્યૉરિટીનો માપદંડ શું?

આજકાલ છાપાંમાં અવારનવાર ચેતવણી આપવામાં આવતી હોય છે કે સોનું-ચાંદી ખરીદો તો એની શુદ્ધતાની ખાતરી કરી લેજો, એ વિશેનાં સર્ટિફિકેટ ચકાસજો. શૅર ખરીદો કે પૈસા રોકો તે પહેલાં કંપનીઓ વિશે પૂરી ખાતરી કરી લેવી, વગેરે. સારી વાત છે, પણ ક્યારેય એ વિચારીએ છીએ ખરા કે કોઈના ચારિત્ર્ય વિશે ચકાસણી કરવી હોય તો એ વિશેના માપદંડ કયા?

ફ્રાન્સમાં રાજાશાહીના વિરોધીઓએ તત્કાલીન રાજ લુઈને જેલમાં પૂરી દીધો અને એના વારસદાર, લુઈના પુત્રને નૈતિક રીતે પાયમાલ કરવાની યોજના બનાવી. પ્લાન મુજબ કુંવરને એવા લોકોની વચ્ચે રાખવામાં આવ્યો, જે નૈતિકતાની દૃષ્ટિએ અધમ અને ચારિત્ર્યની દૃષ્ટિએ ભ્રષ્ટ હતા. રાજકુમાર એની શ્રદ્ધામાંથી ડગી જાય એવા પ્રયત્ન પણ કરવામાં આવ્યા. છ મહિના એને આવા વાતાવરણમાં રાખવામાં આવ્યો. કોઈ પણ વ્યક્તિનું પતન થઈ જાય એવા સંજોગમાં પાટવી કુંવરના સ્વભાવમાં જરીકેય ફેર ન પડ્યો.

કંટાળીને વિરોધીઓએ પ્રિન્સને પૂછ્યું: તેં કેમ કશું સ્વીકાર્યું નહીં. આ સાંભળીને છોકરાએ જવાબ આપતાં કહ્યું: આઈ વૉઝ બોર્ન ટુ બી અ કિંગ અર્થાત્ જેને જે કરવું હોય તે કરે, મારો જનમ જ રાજા બનવા માટે થયો છે એટલે મારે એ રીતે સજ્જ થવું જ પડે.

આને કહેવાય ચારિત્ર્ય. આવું દઢ ચારિત્ર્ય એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે એટલે જ આપણી ભારતીય સંસ્કૃતિમાં સારા સંસ્કારને ખૂબ મહત્વ આપવામાં આવતું, એમને શિક્ષણમાં શીલ, સદાચાર અને ચારિત્ર્યના પાઠ શીખવવામાં આવતા હતા. આજના ભૌતિક યુગમાં લોકો ધન અને સમૃદ્ધિને વધુ મહત્ત્વ આપીને તે પ્રમાણે જીવનની દિશા નક્કી કરે છે એ લોકોને યાદ કરાવવાનું કે જીવનમાં સૌથી વધારે મહત્વનું છે ચારિત્ર્ય.

દોમદોમ સાહ્યબીમાં આળોટતા વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર મોહમ્મદ અલી અને સિંગર માઈકલ જૅક્સન જેવા પણ કોર્ટકેસમાં ખરડાયેલા તે જગજાહેર છે. આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ શા માટે માણસનું ચારિત્ર્ય આટલું ઝડપથી ઓગળી જાય છે? આનું કારણ છે એમને ચારિત્ર્યની મહત્તા જ સમજાઈ નથી.

કેવળ માન માટે, જાહેરમાં ચારિત્ર્ય બતાવવું એ ચારિત્ર્યની પરખ નથી. ખરેખર તો કોઈ આપણને જોતું ન હોય ત્યારે આપણે કઈ રીતે વર્તીએ છીએ એના પરથી આપણા ચારિત્ર્યનું માપ નીકળે છે.

વર્ષો પહેલાં અમેરિકાનું ન્યૂ યૉર્ક શહે૨ એક રાતે અચાનક ગાઢ અંધકારમાં ડૂબી ગયું, વીજપ્રવાહ ખોરવાઈ ગયો હતો. બીજી સવારે સૂરજ ઊગ્યો ને શહેર ફરી એક વાર પ્રકાશની રોશનીમાં નહાઈ રહેલું ત્યારે ખબર પડી કે શહેરના મોટા ભાગના શો-રૂમ, મૉલ લૂંટાયા છે. પોલીસતપાસમાં જાણવા મળ્યું કે સુખી ઘરના લોકો પણ કાળા ડિબાંગ અંધકારમાં લૂંટફાટ (બ્લૅક નાઈટ રૉબરી)માં સામેલ થયા હતા. આમ અંધારામાં માણસની અસલિયત બહાર આવી ગઈ

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અમેરિકામાં એક વખત ૧૦ શહેરોની ‘કિ ટુ ધી સિટી’ અર્પણ કરવામાં આવી. ભારતીય ધર્મગુરુ માટે આ મોટું સમ્માન હતું. સમ્માન બાદ શહેરના મેયરને સવાલ થયોઃ “તમે ક્યારેય પ્રમુખસ્વામીને જોયા નથી, એમના સંપર્કમાં આવ્યા નથી, એમના વિશે કંઈ જાણતા નથી છતાં આટલું મોટું સમ્માન? ”

મેયર કહે, “હા, હું પ્રમુખસ્વામી વિશે જાણતો નથી, પણ તેમના યુવાન શિષ્યો આપણા શહેરમાં છે. તેમનાં ચારિત્ર્ય એટલાં ઉત્કૃષ્ટ છે કે મને વિચાર આવ્યો, જેના શિષ્ય આવા હોય તેના ગુરુ કેવા હશે.’’

આપણી ભાષામાં ફર્સ્ટ ક્લાસ કહેવત છેઃ કૂવામાં હોય તો હવાડામાં આવે, એ કહેવત પ્રમાણે ગુરુ સોળ આની વર્તે ત્યારે શિષ્ય બે આની વર્તે. પ્રમુખસ્વામી મહારાજ પાસે ગંગા જેવું પાવિત્ર્ય અને હિમાલય જેવા ઉચ્ચ ચારિત્ર્યની શક્તિ હતી. અને એમની મૂડી હતીઃ બે જોડી કપડાં અને એક માળા છતાં તેમના ચારિત્ર્યથી નતમસ્તક બ્રિટન, કેનેડા, કેન્યા જેવા દેશોની પાર્લમેન્ટે તેમનું અભૂતપૂર્વ સમ્માન કર્યાં હતાં.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)