આપદા જ્યારે આનંદનો અવસર બને…

થોડા દિવસ પહેલાં સત્સંગસભા બાદ એક ભાઈ મળવા આવ્યા. યુવાન હતા. કહે “સ્વામી, નવાં નવાં લગ્ન થયાં છે, પણ ઘરે પત્ની-માતાના કંકાસ વચ્ચે મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જાય છે. હું શું કરું?” એમની વાત સાંભળી અમારી સાધુમર્યાદામાં રહીને જેટલું કહેવાય એટલું કહી એમને વિદાય લીધા.

વર્તમાનયુગમાં છૂટાછેડા લેનારાં દંપતીઓના આંકડા ચોંકાવનારા છે. સાસુ-વહુનો આદિકાળથી ચાલી આવતી બોલાચાલી, દિવસે ને દિવસે વધતી જાય છે. સંતાનો અને માતા-પિતા વચ્ચેનો સ્નેહસંબંધ ઓગળતો જાય છે, વૃદ્ધાશ્રમો ઊભરાતા જાય છે. ભાઈ-ભાઈ વચ્ચે મોટી ખાઈ સર્જાઈ છે. કયાંક દેરાણી-જેઠાણી વચ્ચે આગ લાગી છે. સંબંધોમાં અસંતોષની ચિનગારી વધતા-ઓછા અંશે દરેકને દઝાડી રહી છે, પરંતુ એ અસંતોષના મૂળમાં ડોકિયું કરતાં એક જ આલાપ સંભળાય છેઃ “મને કોઈ સમજતું જ નથી.”

રામાયણનો એક પ્રસંગ છેઃ ભગવાન શ્રીરામ-લક્ષ્મણ-જાનકી ધૈર્યથી વનવાસ પસાર કરી રહ્યાં હતાં. એક દિવસ ભગવાન શ્રીરામે દિવ્ય દેહે લક્ષ્મણનાં પત્ની ઊર્મિલાને દર્શન દીધાં. લક્ષ્મણના કુશળ સમાચાર આપી કંઈ માંગવા કહ્યું ત્યારે ઊર્મિલાએ કહ્યું, “રઘુવંશની પુત્રવધૂ થવાનું મને જે સૌભાગ્ય મળ્યું છે એ શું ઓછું છે? છતાં આપવું જ હોય તો એવું કરજો કે આપના વનવાસ દરમિયાન મારા પતિને મારું સ્મરણ સપનામાં પણ ન આવે, જેથી આપની સેવામાં ખામી ન આવે.”

ઊર્મિલાની મહાન માગણીની પ્રશંસા કરવા કરતાં એની લાગણીને સમજવી જરૂરી છે. ૧૪-૧૪ વર્ષ વિના કારણ પતિ વગર રહેવાની ફરિયાદ નહોતી, સાસુ પ્રત્યે ઘૃણા નહોતી, પિયર જતાં રહેવાની ધમકી નહોતી કે લક્ષ્મણને પાછા બોલાવી લેવાની રોકકળ નહોતી. મહેલમાં રહીને તપસ્યા કરનારી એ પતિવ્રતાના મનમાં એક જ અભિલાષા હતી- લક્ષ્મણની કર્તવ્યનિષ્ઠામાં આંચ ન આવવી જોઈએ. પોતાની પરિસ્થિતિ પર રડવા કરતાં એમણે લક્ષ્મણની પરિસ્થિતિને સમજવામાં શાણપણ માન્યું. તો સામે લક્ષ્મણ પણ મોટા ભાઈ અને ભાભીની પરિસ્થિતિ સમજ્યા અને સેવક બનીને ચાલી નીકળ્યા.

હવે, ધારો કે આમાંથી કોઈ એકે સ્વકેન્દ્રી થઈને બળવો પોકાર્યો હોત તો અયોધ્યા સમરાંગણ બની લંકાની જેમ બળીને ખાખ થઈ જાત, પરંતુ જ્યારે દરેક વ્યક્તિ બીજાને સમજવા માટે તત્પર હોય ત્યારે હૃદયમાં અને પરિવારમાં કેટલી શાંતિ સ્થપાય છે, તેનું આ ઉદાહરણ છે. કેવળ ઉદાહરણ નહી પણ માનવહૃદયમાં સળગતા પ્રશ્નનો ઉકેલ છે.

2008માં BAPS સંસ્થાના વર્તમાન ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બેંગલુરુમાં હતા. તે વખતે સ્વામીશ્રીની ઉંમર ૭પ વર્ષની હતી, થોડા જ સમય પહેલાં હ્રદયની બાયપાસ સર્જરી થયેલી. બેંગલુરુના વિચરણ દરમિયાન તેઓ એક વિવિધ પ્રકારની ચા ભૂકી વેચતીની દુકાને પધાર્યા. દુકાનમાલિક સત્સંગીનાં ધંધાપાણી સારાં ચાલે તે માટે પ્રાર્થના કરી સ્વામીશ્રી વિદાય થતા હતા ત્યાં પેલા ભાઈએ સંતોને કહ્યું, “આપ પૂજ્ય મહંતસ્વામીને કહોને કે મારા ઘરે પધરામણી કરી જાય. અહીં નજીકમાં જ છે.”

એ મુરબ્બીનું ઘર ચોથા માળે અને લિફ્ટ પણ નહીં. વળી પૂજ્ય મહંતસ્વામીને આગળ રાત્રિસભામાં પહોંચવાનું હતું. સંતોએ વડીલને સમજાવ્યું કે “મહંતસ્વામીની હમણાં જ બાયપાસ સર્જરી થઈ છે. ચાર માળ ચઢવા હાલ તેઓના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી, માટે તમે સમજો,” પણ પેલા ભાઈએ આગ્રહ ચાલુ રાખ્યો. ગાડીમાં બેસી ગયેલા પૂજ્ય મહંત સ્વામીને આ વાર્તાલાપની ખબર પડી. તેઓ તરત એ ભક્તના ઘરે પહોંચી ગયા. બાયપાસ સર્જરીના વર્ષે જ ચોપન પગથિયાં ચઢી તેમણે પેલા વડીલ તથા એમના પરિવારનાં જીવન સુખી બને તે માટે ભગવાનને પ્રાર્થના કરી. પછી જ રાત્રિસભામાં પહોંચ્યા. 75 વર્ષની જૈફ વયે રાત્રે ભક્તિ સંબંધી ક્રિયા આટોપી તેઓ આરામમાં પધાયાં ત્યારે રાતનો દોઢ વાગ્યો હતો. આવા તો હજારો પ્રસંગ તેમના જીવનમાં બનેલા છે.

કહેવાનું એ કે પૂજ્ય મહંત સ્વામી મહારાજ જીવનઆખું બીજાને સમજ્યા એટલે જ તેમના એક વચને અમદાવાદમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 80,000 થી વધુ સ્વયંસેવકો 30-30 દિવસ સુધી સેવામાં હાજર થઈ ગયેલા.

બીજાને સમજવામાં આપણને કષ્ટ પડશે, બીજાની લાગણીઓને સમજવામાં આપણે ઘસાવાનું થશે, પણ જો હૃદયમાં શુદ્ધ પ્રેમ સાથે બીજા માટે સહન કરીશું તો એ તકલીફ પણ આનંદનો અવસર બની જશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)