ગણતરીના દિવસોમાં 31 ડિસેમ્બર આવશે. તે રાતે સમયની અવળી ગણતરી થશે, 10 9 8 ને પછી 12 વાગ્યે ધડાકાભેર નવા વર્ષના આગમનને વધાવી લેવામાં આવશે. જો કે સમયની અવળી ગણતરી અથવા ઘડિયાળના કાંટાને અવળી દિશામાં ફેરવવાની આ ચેષ્ટા માત્ર નવા વર્ષની પૂર્વસંધ્યાએ જ થાય છે એવું નથી. જન્મદિવસ કે એવી ઉજવણીમાં પણ આ રસમ જોવા મળે છે.
આપણે એટલે કે ભારતીયો કર્મના સિદ્ધાંતને માનીએ છીએઃ ફળની અપેક્ષા વિના આપણે આપણાં કર્મ કરતા રહેવું. વળી કર્મ કરતી વખતે કેવા પ્રકારનું વલણ રાખવું, જેથી સારાં પરિણામ મળે એ ધ્યાન રાખવું પણ જરૂરી છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કાર્ય સાથે સંબંધિત સફળતા માટેનું વલણ કંઈ આવું રહેતું- ધારો કે તમને કોઈ જરૂરી કામ યાદ આવે અથવા કોઈ કામ કરવાનો વિચાર આવે અને તમે વિચારો કે આ કામ હું થોડી વાર પછી કરીશ તો આને આળસ અને ટાળી દેવું કહેવાય. શા માટે આપણે આજના કામને આવતી કાલ પર અને આવતી કાલના કામને પરમ દિવસ ૫૨ ટાળીએ છીએ? સાચું વલણ છેઃ આવતી કાલનું આજે નહીં પરંતુ આજનું અત્યારે જ. કામમાં આવો અભિગમ, અટિટ્યુડ હશે તો જ જીવનમાં તમે મહાન કાર્ય કરી શકશો.
મેં દેશ-દુનિયાના મહાપુરુષોનાં સેંકડો જીવનચરિત્રો વાંચ્યાં છે. રાજપુરુષો સરદાર પટેલથી માંડીને અબ્રાહમ લિંકન, વિન્સ્ટન ચર્ચિલ, નેલ્સલ મંડેલા, ક્રિકેટર સચિન તેંડુલકરથી માંડીને ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, વગેરે. આ બધાનાં જીવનમાં કામકાજ સંબંધી વલણ હંમેશાં જેવા મળે છે કે, જે આવતી કાલે કરવાનું છે તે આજે જ થવું જોઈએ અને જે આજે કરવાનું છે તે અત્યારે થવું જોઈએ. આળસ અને કામની ટાળંટાળની કોઈ વાત જ નહીં.
અમે પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે. વર્ષો પહેલાં કોઈમ્બતુર રેલવે સ્ટેશન પર રાત્રે 12 વાગ્યે ટ્રેન 15-20 મિનિટ લેટ હતી. તેમણે સેવક સંતને કહ્યું, પત્રો કાઢો, આપણે વાંચીને જવાબ લખી કાઢીએ. તેમણે પ્લેટફોર્મ પર જ ટ્રેનની રાહ જોતાં-જોતાં બે-ત્રણ પત્રોના જવાબ લાખાવી દીધા.
આવા સમયે આપણે શું કરીએ રેલવે તંત્રની નિંદા કરીએ ઘણા તો દેશ સુધી પહોંચી જાય ભારતનું કાંઈ થવાનું નથી બગાસાં ખાતાં ચાના કપ ખાલી કરતાં કરતાં નિરર્થક વાતો કરતા રહીએ, પરંતુ મહાન વ્યક્તિત્વો અચાનક મળી ગયેલા સમયને વરદાન માનીને અધૂરાં કામ પૂરાં કરે છે. આ લોકો પોતાના સમયની દરેકેદરેક ક્ષણનો ઉપયોગ કરે છે, જેયારે આપણે અનેક કલાકો અને અનેક દિવસો વેડફી નાખીએ છીએ. હા, એ સાચું છે કે આપણે આખો દિવસ આપણી મરજી મુજબ ચાલી શકતા નથી. તમે કોઈને સમય આપ્યો હોય ને નિયત સમયે પહોંચવાના પૂરતા પ્રયત્નો કરો, પણ ટ્રાફિક-જામ પર આપણો કન્ટ્રોલ હોતો નથી. આવા સમયે તમે મોડા પડો છે, પરંતુ આખા દિવસમાં બે-ત્રણ ક્રિયા એવી નક્કી કરો, જે નિયત સમયે થવી જ જોઈએ. જો તમે વર્ષો સુધી આવો અભિગમ અપનાવ્યો હશે, તમારા શિડ્યુઅલને તોડ્યું નહીં હોય તો જીવનમાં એક પ્રકારની નિયમિતતા આવશે, તમે કંઈ કરી શકશો.
તો ચાલો, 2025ને આવકારીએ ને સંકલ્પ કરીએ કે નવા વર્ષથી, દરેક વર્ષે, દરેક દિવસે, દરેક પળે સમયનું સમ્માન કરીશું ને જીવનમાં સફળતા મેળવીશું.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)