2024 ધીરે ધીરે અસ્ત થઈ રહ્યું છે. આમ તો હિંદુ પંચાંગ પ્રમાણે આપણું નવું વર્ષ ઊજવાઈ ગયું, પણ દેશ-દુનિયામાં 2025ના સત્કારવામાં જાતજાતના મેળાવડા, સમારંભ થશો, દારૂની નદીઓ વહેશે, નાચગાન થશે. મોજશોખીનો માટે, કદાચ, આ જ સાચું સુખ હશે.
આમ જોવા જઈએ તો દરેકનું સુખ અલગ અલગ હોય. સાવ સામાન્ય આફ્રિક્ન પરિવારનાં દસ બાળકોમાંનું આઠમા સંતાન માઈકલ જેક્સનની વાત કરીએ… સતત અછતમાં ઉછરનારાં દુનિયાનાં લાખ્ખો બાળકોમાંના એક સામાન્ય બાળકમાંથી વિશ્વપ્રસિદ્ધ પૉપસિંગર તરીકેની યાત્રા કરનાર કલાકાર એટલે માઈકલ જેક્સન. એ માઈકલ જેક્સન, જેનાં અત્યાર સુધી બહાર પડેલાં આલબમ્સની 75 કરોડથી વધુ રેકર્ડ વેચાઈ છે. એ માઈકલ જેક્સન, જેના બેન્કખાતામાં સાડાપાંચસો કરોડ ડૉલર જમા હતા. અઢી હજાર એકરમાં ફેલાયેલા એના નેવરલેન્ડ નામના નિવાસમાં ૧૨ ડોક્ટર્સ હતા, જે ખડેપગે માઈકલ જેક્સનની નાનીમોટી શારીરિક સમસ્યાનો ઉકેલ લાવતા. આટલાં બધાં સુખ, સંપત્તિ, સાધન અને સમૃદ્ધિ હોવા છતાં તેના છેલ્લા ઉદગારો હતા, હું આ દુનિયાનો સૌથી એકલવાયો માણસ છું… અને 2009માં પચાસ વર્ષની વયે દવાના ઓવરડોઝથી માઈકલ જેક્સનનું મૃત્યુ થયું ત્યારે એની બાજુમાં એના દાકતર સિવાય કોઈ નહોતું.
દોમ દોમ સાહ્યબી, સફળતા જો કોઈ પોતીકા સાથે વહેંચી ન શકાય તો એ શા કામની? જીવનમાં સરિયામ નિષ્ળતાના સમયે પોતાના મજબૂત ખભા તમારી પાસે હોય તો માની લેજો કે તમે સૌથી સુખી છો. અને આપણે ફેસબુક, ઈન્સ્ટા ફ્રેન્ડ્સની વાત નથી કરતા. બૂરા સમયે પડખે ઊભા રહે એવા સાચા મિત્રની વાત કરીએ છીએ.
કોઈએ સાચું જ કહ્યું છે કે, ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈફ ઈઝ ધ કન્વિક્શન ધેટ વી આર લવ્ડ બાય અધર અર્થાત્ બીજા બધા મને ખૂબ ચાહે છે, પ્રેમ કરે છે, એની પ્રતીતિ થવી એ જ જીવનનું શ્રેષ્ઠ સુખ છે. બાકી સંબંધો વગરની ભૌતિક સવલતો સુગંધ વગરના ગુલાબ જેવી છે. બાહ્ય વૈભવ અને સુખ-સગવડ વ્યક્તિને આરામદાયક જીવન જરૂર પૂરું પાડશે, પરંતુ સાથે આંતરિક હૂંફ, સંતોષ અને શાંતિ માટે પોતાના કહી શકાય એવા માણસોનો સંગાથ મળે તો આપણું જીવન સોનામાં સુગંધ ભળ્યા જેવું બની જાય.
અમેરિકામાં કાર્નેગી ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી નામની એક પ્રખ્યાત શિક્ષણ સંસ્થા છે. તેના અધિકારીઓએ માણસની સફળતા-નિષ્ફળતા જેવા એક વિષય પર અભ્યાસ કરવાનું નક્કી કર્યું. આ માટે અધિકારીઓએ દસ હજાર વ્યક્તિઓની મુલાકાત લીધી અને તારણ આપતાં જણાવ્યું કે, વ્યક્તિની સફળતાનો પંદર ટકા આધાર તેની બુદ્ધિ, કામ કરવાની આવડત અને હુન્નર કે કૌશલ પર છે, પરંતુ પંચ્યાશી ટકા આધાર એ માનવીના અન્ય સાથેના લોકસંબંધો કેવા છે તેના પર નિર્ભર રહે છે, પરંતુ સંબંધોનું એક કડવું સત્ય એ છે કે જીવન-નૈયા સુખના પ્રદેશમાંથી પસાર થતી હોય ત્યારે તો સૌનો સાથ અવશ્ય મળી રહે, પણ દુઃખના દિવસોમાં સંગાથ આપે એ જ સાચો સંબંધ કહી શકાય.
અમરેલી જિલ્લાના ખડાધાર ગામમાં રહેતા રવજીભાઈના પરિવારમાં બીમારી અને ગરીબી અડીંગો જમાવીને બેઠેલી. પતિ-પત્ની બંને એ વખતે અસાધ્ય ગણાતા ટીબીનાં દર્દી. ઘરના રોટલા માંડ નીકળે ત્યાં ઈલાજના પૈસા ક્યાંથી હોય? બંનેએ સ્વીકારી લીધેલું કે દીકરા રમણીકને એ મોટો થતો જોઈ નહીં શકે. રવજીભાઈએ પોતાની વ્યથા પત્રમાં ઠાલવી પ્રમુખસ્વામી મહારાજને મોકલી. પત્ર વાંચતાં જ તેમની પરિસ્થિતિથી વાકેફ સાચા સ્વજન સમા સ્વામીશ્રીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે પતિ-પત્નીના ઉપચાર કરાવ્યા. થોડા સમયમાં તબિયત સારી થવા લાગી. પછી તો સુરત નજીક ગામમાં રમકડાંનો વ્યવસાય શરૂ કર્યો, એમાં પણ પ્રમુખસ્વામીએ એમને સહાય કરી.
જે યુગમાં સ્વાર્થ સોળે કળાએ ખીલ્યો હોય, જે સમયમાં સગાં પણ વહાલાને બદલે દવલા બની જતા હોય, જ્યારે વ્યક્તિગત લાભ અને મહાત્ત્વાકાંક્ષાના કારણે રક્ષક પણ ભક્ષક બની જતા હોય, એવા યુગમાં પ્રમુખસ્વામી મહારાજ સુખમાં સંગાથ અને દુઃખમાં હાથ આપવાનું ક્યારેય ભૂલ્યા નથી. આવા મહાપુરુષોનાં જીવનથી પ્રેરિત થઈ આપણે આપણા સંબંધીનાં સુખદુઃખના સંગાથી બનીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
