આર્થર ઍશ જગવિખ્યાત અમેરિકન ટેનિસપ્લેયર. ત્રણ વાર ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતેલા. યુવાનોની પ્રેરણામૂર્તિ. યુનાઈટેડ સ્ટેટ્સ ડેવિસ કપની ટીમમાં પ્રવેશનારા એ પ્રથમ બ્લૅક ટેનિસપ્લેયર. માત્ર 24 વર્ષની વયે વિમ્બલડન જીતેલા. 1980માં એ નિવૃત્ત થયા. 1983માં એમને હાર્ટ સર્જરી કરાવવી પડી તે વખતે બ્લડ ટ્રાન્ફ્યુઝનમાં કંઈક કાચું કપાયું ને એમને એઈડ્સ લાગુ પડ્યો. ધીરે ધીરે શરીર ક્ષીણ થવા માંડ્યું, હૉસ્પિટલમાં ઍડમિટ કરવા પડ્યા. હૉસ્પિટલમાં એક દિવસ આર્થર ઍશને એક કિશોરનો લેટર મળ્યોઃ “તમે મારી જેવા લાખો યુવાનોની પ્રેરણામૂર્તિ છો. મને પ્રશ્ન એ થાય છે કે ભગવાને તમને જ આવો રોગ કેમ આપ્યો?”
આ પત્રનો અશક્ત આર્થર ઍશે આપ્યો એ વિમ્બલડનમાં એન્ગ્રેવ કરીને મૂકેલો છે. આર્થર ઍશે લખ્યું કે “આ જગતમાં પાંચેક કરોડ બાળકો, કિશોરો હશે જેમને ટેનિસ રમવું છે. એમાંના કેટલા હું જે સ્થાને પહોંચ્યો ત્યાં પહોંચ્યા હશે? કેટલાએ વિમ્બલડન, યુએસ ઓપન, ઑસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ્સ જીતીને બન્ને હાથે ગર્વભેર કપ આકાશમાં ઊંચો કર્યો હશે? મેં અનેક વાર કર્યા છે. એ વખતે મેં ભગવાનને પૂછ્યું નહોતું કે પાંચ કરોડમાંથી તમે મારી પસંદગી કેમ કરી? તો એઈડ્સ માટે મને જ કેમ પસંદ કર્યો એ પૂછવાની સત્તા મને નથી.” અને માત્ર 49 વર્ષની વયે આર્થર ઍશનું અવસાન થયું.
આ છે ભગવાનમાં શ્રદ્ધા અને આ છે સુખમય જીવન જીવવાની જડીબુટ્ટી. કહેવાનું એ જ કે તમારી પાસે જે જે નથી એની સતત ચિંતા કર્યા કરવાથી એ મળી જવાનું છે? હા, પ્રગતિ માટે, સફળતા માટે પ્રયત્ન અવશ્ય કરવો, પુરુષાર્થમાં ખામી ન રાખવી, પણ એટલી સમજણ રાખવી કે મારા પુરુષાર્થના અંતે મારા ભાગ્યમાં હશે અને ભગવાનની ઈચ્છા હશે એ મને મળશે અને એમાં હું સંતોષ અને આનંદ પામીશ. બસ આ જ છે સુખમય જીવનની જડીબુટ્ટીઃ બી સૅટિસ્ફાઈડ વિથ વૉટ યૂ હૅવ. સુખ પદાર્થમાં નથી, પણ તમારી વિચારપ્રક્રિયામાં તમારી વિચારધારામાં છે.
એક ઉદાહરણ જોઈએઃ અકળાવનારા ઉનાળાની રાતે કોઈ તમને કોઈ રોઝ આઈસક્રીમ આપે તો તમને ગમે. તમે હોંશે હોંશે એ આરોગી જાઓ. પણ ધારો કે, તમે 102 ડિગ્રી તાવથી કણસતા પથારીમાં પડ્યા હો અને કોઈ એ જ રોઝ આઈસક્રીમ ઑફર કરે તો? સાહજિક જ તમે ના પાડી દો. તમને ઈચ્છા જ ન થાય. આનો અર્થ એ કે આઈસક્રીમ પર નહીં, પણ તમારી પરિસ્થિતિ શું છે એની પર તમારા આનંદનો આધાર છે. તમારી શારીરિક-માનસિક-આંતરિક સ્થિતિ પર છે. જો આઈસક્રીમમાં આનંદ હોત તો 102 ડિગ્રીમાં પણ આરોગીને તમને આનંદ આવત.
બહાર ગમે તેવી પરિસ્થિતિ હોય સુખદુઃખ, માન-અપમાન… ઈટ ડઝન્ટ મેટર. મગજ ઠેકાણે હોય, પગ જમીન પર હોય તો કોઈ ફરક પડતો નથી. સુખ મળે ને તમે ખીલી ઊઠો એની ના નહીં, પણ દુઃખમાં કરમાઈ નહીં જવાનું. સુખની જેમ દુઃખ પણ જીવનનો જ એક ભાગ છે, જીવનનો ક્રમ છે.
એક વાત લખી રાખજો, કે, આયખાનાં દસ વર્ષ બધાનાં ખરાબ જશે. કોઈનો સળંગ એક દાયકો અઘરો રહે કોઈનાં પાંચ વત્તા પાંચ કે સાત વત્તા ત્રણ ખરાબ રહે, પણ કષ્ટ તો આવશે જ. આપણે દુઃખી એ વિચારીને થઈએ છીએ કે મારી સાથે આવું કેમ થયું? ભલા માણસ, ભગવાને તને પૃથ્વી પર મોકલતાં પહેલાં તારી સાથે એમઓયુ સાઈન કરેલો કે તું જીવનભર સુખી જ રહીશ? જેમ કોઈ વખાણ કરવા પીઠ પર બે-ત્રણ ટપલાં મારે એમ ક્યારેક ગાલ પર એકાદ લગાવી પણ દેઃ એલા સખણો રહેજે. જીવનના કેટલાક શ્રેષ્ઠ, મહત્વના પાઠ તમે તમારા માઠા દિવસોમાંથી શીખો છો. ભગવાનમાં શ્રદ્ધા રાખો. બાકી બધું એની પર છોડી દો.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)