પરિવર્તનનો પવન ફૂંકી શકે યુવા હવા…

આજનો લેખ યુવાનોને સમર્પિત છે. લેખની શરૂઆત મારા એક મિત્રની સક્સેસ-કથાથી કરવી છે. એનું નામ યશવંત જેઠવા. મૂળ મુંબઈનો યુવક. નાનપણથી જ ભણવામાં ખૂબ તેજસ્વી, પણ ઘરની દારુણ પરિસ્થિતિને લીધે ઉચ્ચ અભ્યાસ વિશે તો વિચારી શકાય એમ નહોતું. એવામાં યશવંત બીએપીએસ સંસ્થાના પરિચયમાં આવ્યો. એ સંસ્થાની યુવાપ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લે. થોડા સમય બાદ બીએપીએસના આધ્યાત્મિક વડા પૂજ્ય પ્રમુખસ્વામીને યશવંતની પરિસ્થિતિ વિશે ખબર પડી. એમણે એનું હીર પારખી એનાં ભણતરની જવાબદારી ઉપાડી લીધી. પછી તો યશવંત જેઠવાએ યુપીએસસી ક્રૅક કરી, એ આઈપીએસ અફ્સર બન્યા. ઓરિસ્સા એમની કૅડર. ત્યાં એ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (એસપી) થયા.

આજથી દોઢેક દાયકા પહેલાં ઓરિસ્સાના સુંદરગઢ ડિસ્ટ્રિક્ટ તથા આસપાસ નક્સલવાદે માઝા મૂકેલી. આ સમસ્યાનાં મૂળમાં જઈને એસપી યશવંત જેઠવાએ નક્સલવાદી વિસ્તારમાં એક પ્રયોગ કર્યોઃ એમણે નક્સલવાદીના પરિવારનાં બાળકો, ગામડાંના રહેવાસી અને પોલીસની ક્રિકેટમૅચનાં આયોજન કરતા, એમને ભેગા કરી વાર્તા સંભળાવતા. નક્સલવાદી પરિવારનાં બાળકોને પોતાની જીપમાં સ્કૂલે લઈ જાય અને લાવે. એમને ભણાવે. આ રીતે એમણે એક તરફ નક્સલવાદીનાં હૃદયપરિવર્તન કર્યાં, તો એમના પરિવારજનો, ગામવાસીઓનાં દિલમાંથી પોલીસ માટેનો ડર કાઢી નાખ્યો. પોલીસ અમારી સુરક્ષા માટે છે એવો વિશ્વાસ એમનામાં સ્થાપિત કર્યો. આમ યશવંત જેઠવાએ સુંદરગઢ, ઓરિસ્સા રાજ્યમાં નક્સલવાદને ઑલમોસ્ટ ઝીરો લેવલ પર લાવી દીધો.

આ બધું શક્ય બન્યું એમની કુશાગ્ર બુદ્ધિ, અને મૂલ્યઆધારિત જીવન જીવવાના એમણે લીધેલા નિર્ણય ને લીધે. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ યશવંત જેઠવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા કરતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)ના ડીજી બન્યા. કાર્યકાળ પૂરો થતાં હાલ એ પરત પોતાની કૅડર ઓરિસ્સામાં ઉચ્ચ પદ શોભાવી રહ્યા છે.

કહેવાનું એ જ કે આજનો યુવાન ધારે એ કરી શકે છે. એનામાં ક્ષમતા છે. જરૂર છે આત્મવિશ્વાસની, નવા વિચાર સાથે આવવાની, નવા વિચારમાં શ્રદ્ધા અને ભક્તિ ઉમેરી દઢ નિર્ધાર સાથે મંડી પડવાની. આજનું ભારત એટલે દુનિયાનું સૌથી યુવાન, થનગનતું રાષ્ટ્ર છે. નવા આઈડિયાઝ અને કૉન્ફિડન્સની સાથે જરૂરી છે વ્યસનમુક્ત જીવન. એ હશે તો તમારી પર્સનેલિટી અને કૅરેક્ટર ડેવેલપ થશે. જો તમે તમારી જાતને ચપટીક તમાકુ કે દારૂ કે ડ્રગ્સના હવાલે કરી દીધી તો વિનાશ નક્કી છે. વ્યસન તમારી મોરલ એનર્જી ખતમ કરી નાખે છે. એટલે તમારી જાતને ક્યારેય ખોટી ધારણાના હવાલે નહીં કરતા. અને આ ડિજિટલ ડિવાઈસીસ એ પણ એક વ્યસન જ છે.

મારે યુવાનોને એટલું જ કહેવું છે કે એક યુવાન એક ગામને નિર્વ્યસની બનાવવાનો નિર્ધાર કરીને નીકળી પડે તો? ચાહે તો આને એક પ્રોજેક્ટ ગણી લે. ચાહે તો બબ્બેની જોડીમાં જાય. અરે, તમારા પોતાના જ ગામમાં, નેટિવ પ્લેસમાં જાઓ. સમજાવો ગામવાસીઓને કે વ્યસનમાં બરબાદ થતા પૈસાથી આપણે પાકા રસ્તા, પાણીની ટાંકી, સિંચાઈ વગેરે જેવા ગ્રામોદ્ધારના પ્રોજેક્ટ હાથ ધરી શકીએ, ગામની કાયાપલટ કરી શકીએ, જીવન સુખમય બનાવી શકીએ.

શું આ તમે ન કરી શકો? આ તો વ્યસનમુક્તિની એક વાત થઈ. તમે ચાહો તો આવો બીજો કોઈ પ્રોજેક્ટ લઈ શકો. આ અનુભવ આગળ જતાં તમને જીવનમાં, તમારી કરિયરમાં મદદરૂપ થશે. તમારું વ્યક્તિત્વ બદલાઈ જશે, તમારું કૅરેક્ટર બદલાઈ જશે, તમારામાં નેતૃત્વના, લીડરશિપના ગુણ ડેવેલપ થશે. એ પછી તમારે તમારી ઓળખ માટે વિઝિટિંગ કાર્ડ આપવાની જરૂર નહીં પડે. તમારી હાજરીમાત્રથી એક આભા સર્જાશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)