હમણાં છાપાંમાં વાંચ્યું કે સૌંદર્યપ્રસાધનોની લાખો કરોડ રૂપિયાની માર્કેટ છે અને પુરુષો પણ ટાપટિપ પાછળ પૈસા ખર્ચે છે. સૌંદર્ય એટલે શું? બાહ્ય રીતે સારા, સુંદર અને સફ્ળ થવામાં જ જીવનની ઇતિશ્રી છે? મારી પાસે બધા કરતાં સારી નોકરી હોય તો હું સારો દેખાઈશ. મારી પાસે બધા કરતાં વધુ કીર્તિ હશે તો હું સારો લાગીશ. મારો પગાર બધા કરતાં સારો હશે તો સમાજમાં વટ પડી જશે! આ તે કેવી માનસિકતા સાથે આપણે જીવી રહ્યા છીએ? મને કહેવા દો કે સક્ષમ રાષ્ટ્રનિર્માણ માટે આપણી આ માનસિકતાને બદલવી પડશે.
આ માનસિકતાને જાણે દિશા આપતાં હોય તેમ લંડન યુનિવર્સિટીના ચાન્સેલર રુડ્યાર્ડ કિપ્લિંગે પદવીદાન સમારંભમાં પોતાના વિદ્યાર્થીઓને કહેલું કે ‘તમે બધા આ યુનિવર્સિટીમાંથી વિદાય લઈ રહ્યા છો. તમને સારી નોકરી મળશે, સારો પગાર મળશે અને કીર્તિ પણ મળશે, પરંતુ યાદ રાખો કે એક દિવસ આવશે, જ્યારે તમે એવા માણસને મળશો, જેની પાસે આમાંથી એક પણ વસ્તુ નહીં હોય. છતાં એમની આગળ તમને નાનપનો અનુભવ થશે, કારણ કે એમની પાસે ચારિત્ર્ય હશે.’
કહેવાનું એ કે આપણે ઊજળા થવાનું છે પણ સાબુ કે શેમ્પુથી નહીં, પરંતુ ચારિત્ર્યથી. આપણે સારા દેખાવાનું છે ધનથી નહીં, પરંતુ ચારિત્ર્યથી, કારણ કે ચારિત્ર્ય એ આપણા અને રાષ્ટ્રના જીવનનો આધારસ્તંભ છે.
ચારિત્ર્ય એ આંતરિક વ્યક્તિત્વનો પાયો છે. ચારિત્ર્યમાં ધર્મ, નિયમ, વિવેક, સદાચાર, મદદ વગેરે અનેક ગુણોનો સમાવેશ થાય છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ‘ચારિત્ર્ય આપણો પાયો છે. ઈમારત ગમે તેટલી ઊંચી બાંધશો, તેને રોશનીથી તમે શણગારશો, પરંતુ જો પાયો કાચો હશે તો જરૂર એક દિવસ તે પડશે જ. ચારિત્ર્યને ભૂલીને આપણે ગમે તેટલા કૉસ્મેટિકનો ઉપયોગ કરી શરીરને શણગારીશું પરંતુ તે બધું જ ગુમાવ્યા બરોબર છે.’
હા, સારા દેખાવા માટે કૉસ્મેટિક પ્રસાધનો ચાલી શકે, પોતાની જાતને પ્રેઝન્ટેબલ રાખવી, પરંતુ સારા બનવા માટે દઢ ચારિત્ર્યનું બળ જોઈએ. આ બળ મેળવવા સંપૂર્ણ સમર્પણ, ધીરજ અને જાત સાથેની નિખાલસતા જોઈએ, પરંતુ આટલું ધૈર્ય ધારણ કરવું આપણા માટે કઠણ બનતું જાય છે. તેથી જ તો, દુનિયાને બતાવવા આપણે જે નથી તે બનવાનો પ્રયત્ન કરીએ છીએ.
એક વાર એક મોટી કંપનીના પ્રોડક્શન મૅનેજરને પ્રમોશનની બહુ તાલાવેલી લાગી. મૅનેજર મૂળ તો ગામડામાંથી આવેલા. સાત પેઢીમાં એક તેઓ જ ભણીગણીને એમબીએ થયેલા. લાખો મધ્યમ વર્ગી ભારતીયની જેમ એ પણ ગામડાની માટીમાંથી ઊભા થઈને શહેરની ઊંચી ઈમારતોને આંબવાનાં સપનાં સેવતા હતા. તેમના બૉસ પરદેશમાં જ ઊછરેલા. તેઓ ભારતની જુનવાણી રીતભાતથી ખૂબ ચીડાતા. કંપનીમાં જે કર્મચારી વેસ્ટર્ન કલ્ચરની પ્રશંસા કરે અને આપણા દેશની સંસ્કૃતિને નીંદે તે બૉસના પ્રિયપાત્ર બની જતા. પ્રમોશન અને પ્રતિષ્ઠા પણ આવા ખુશામદ-મિજાજ માણસોને મળતાં. કંપનીના ફાઈનાન્સ મૅનેજરે આ જ માર્ગનો સહારો લઈને નવી સ્કૉડા કાર મેળવેલી. હવે પ્રોડક્શન મૅનેજરે પણ આ રસ્તો અપનાવ્યો. જો કે તેમનો ગામડાનો ઉછેર તેમની ઉછીની આધુનિક ભાષા અને ભૂષામાંથી અવારનવાર ડોકિયું કરી બેસતો. છતાં તેમણે બૉસને ઈમ્પ્રેસ કરવાની એકેય તક જવા દીધી નહીં.
એક દિવસ મૅનેજરે બૉસને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. બૉસને રાજી કરવા ઘરમાં બધું જ આધુનિક ઢબે બદલવાનો પ્રયત્ન કરેલો. જમવાના ટેબલ ઉપર ખૂબ ચીઝનો ઉપયોગ થયો. બૉસ પશ્ચિમી સંસ્કૃતિની પ્રશંસા સાંભળીને બધું ન્યોછાવર કરવા તત્પર હતા. જમ્યા પછી બહાર નીકળતી વખતે બૉસે ત્યાં જુનવાણી વેશમાં બેઠેલાં એક ડોશીમા વિશે પૂછ્યું.
મૅનેજરે કહ્યું, ‘આ? આ તો અમારી નોકરાણી છે.
હા, મૅનેજરે પોતાની માતાને નોકરાણી બનાવી દીધી. આ છે સારા દેખાવાની તત્પરતા, જેમાં માણસ પોતે કેટલો ખરાબ થઈ જાય છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)