ઐસી કરની ના કરો…

ગયા વર્ષે 83 વર્ષની વયે જેમનું અવસાન થયું તે ચેન્નઈના પદ્મભૂષણથી સમ્માનિત ડૉ. એસ.એસ. બદરીનાથ આંખના વિખ્યાત સર્જન હતા. વર્ષો પહેલાં તેમની માસિક પાંચ લાખની પ્રૅક્ટિસ હતી, પરંતુ એક વખત કાંચીના શંકરાચાર્યે તેમને સહજ ટકોર કરતાં કમાણીમાંથી થોડી નિઃસ્વાર્થ સેવા કરવા પ્રેરણા આપી. ગુરુના શબ્દો ડૉ. બદરીનાથના હૃદયમાં ઊતર્યા. તેમણે વ્યક્તિગત મહેચ્છા તજી લોકકલ્યાણમાં પ્રવૃત્તિમાં જોડી અને શંકર નેત્રાલયની સ્થાપના કરી, જ્યાં આજે દેશ-વિદેશના લાખો દર્દીઓ નજીવી ફીમાં સારવાર લઈ રહ્યા છે.

હવે જરા આ પ્રસંગ જુઓઃ આજથી સો વર્ષ કરતાંયે પહેલાં એક વ્યક્તિએ સવારના પહોરમાં પોતાનું નામ છાપાના ‘બેસણાં’ વિભાગમાં વાંચ્યું. તેને બહુ આશ્ચર્ય થયું. પોતે છાપું વાંચી રહ્યા છે એનો અર્થ એ જીવિત છે, કડેધડે છે. તો પછી… વળી અવસાનના સમાચારની વિગત વાંચીને એ માણસ હચમચી ઊઠ્યો. એને વિચાર આવ્યો કે મારા વિશે સમાચારપત્રમાં આવું કેમ છાપ્યું છે એ જાણવું જોઈએ. છાપામાં છપાયેલું કે ‘મૃત્યુનો સોદાગર… ડાયનામાઈટના રાજાનું અવસાન.’

હા, છાપાના તંત્રી વિભાગની ભૂલથી જેમના મૃત્યુના સમાચાર છપાયેલા એ ડાયનામાઈટનો શોધક હતો. તેણે ‘મૃત્યુનો સોદાગર’ જેવા શબ્દો વાંચ્યા ત્યારે તેણે પોતાની જાતને પૂછ્યું, ‘શું લોકો મને આ રીતે યાદ કરશે?’ એ ભાવુક થઈ ગયો. એ જ ક્ષણે એણે નક્કી કરી લીધું કે લોકો મને ‘મૃત્યુના સોદાગર’ તરીકે યાદ નહીં જ કરે. એણે વિશ્વ સમસ્તમાં શાંતિ લાવવાના પ્રયાસ શરૂ કર્યા. એનું નામ, સ્વીડનના સ્ટોકહોમમાં જન્મેલા વિજ્ઞાની આલ્ફ્રેડ નોબેલ. આજે લોકો એમને શાંતિ માટે એનાયત થતા નોબેલ પારિતોષિકના જનક તરીકે જ યાદ કરે છે.

કબીરજીનો દુહો છેને, “જબ તૂ આયા જગ મેં લોગ હઁસે તૂ રોયે, ઐસી કરની ના કરો, પિછે હઁસે સબ કોયે” અર્થાત્ નવજાત શિશુ રડતું રડતું પૃથ્વી પર આવે છે, પણ એનાં સગાંસંબંધી હસે છે, એના આગમનનો આનંદ મનાવે છે. કિંતુ જીવનમાં એવાં કાર્યો ન કરવાં કે વિદાય બાદ પણ લોકો આનંદ મનાવે. જ્યારે એક બાળકનો જન્મ થાય છે, ત્યારે સૌથી વધુ આનંદ કોને થાય છે? માતા-પિતા, સગાં-સંબંધી અને મિત્રોને, પરંતુ રડતું કોણ હોય છે? એ નવજાત શિશુ. જો કે આપણે જ્યારે આ દુનિયા છોડીને જઈએ છીએ, ત્યારે એનાથી ઊલટું થવું જોઈએ. આપણને ખુશી થવી જોઈએ, એ બાબતની કે જન્મ સમયે આપણને જેવી દુનિયા મળી હતી, એના કરતાં વધુ સારી સ્થિતિમાં આ દુનિયાને છોડીને જઈ રહ્યા છીએ. હા, જ્યારે તમારી જિંદગી પછી પણ તમારા માટે કોઈ રડે છે, યાદ કરે છે તો સમજી લો કે કે તમે હજુ જીવિત છો.

એટલે જ, જિંદગી એવી જીવવી જોઈએ કે આપણા ગયા પછી લોકો આપણને યાદ કરે. સારી ભાવનાથી, નહીં કે ઘૃણાથી!

‘બીજાનું ભલું કરવું.’, ‘બીજા માટે ઘસાવું.’ આવી પરોપકારી ભાવનાથી વ્યક્તિ સમ્માનીય બને છે, આદરણીય બને છે, સ્મરણીય બને છે. પ્રમુખસ્વામી મહારાજ પણ કહેતા કે, ‘બીજાના સુખમાં આપણું સુખ.’ અને એ પ્રમાણે તેઓએ લાખો લોકોના વ્યક્તિગત પ્રશ્નોમાં સ્વજનની પેઠે રસ લઈને એના ઉકેલ લાવી આપ્યા. લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે તેઓ રોજના સેંકડો લોકોને મળતા રહ્યા, હજારો પત્રો લખતા રહ્યા. એટલે જ, આજે તેમના ધામગમનને વર્ષો વીતી ગયાં છતાં લાખો લોકો તેમને રોજ હૃદયપૂર્વક યાદ કરે છે.

લોકોનાં હૃદયમાં આપણી શાશ્વત સ્મૃતિ રહે તે માટે એક તત્ત્વચિંતક કહે છે, “ઈતિહાસ તપાસી જોજો- આજ સુધી કોઈ પણ વ્યક્તિનું સમ્માન એ કારણથી નથી કરવામાં આવ્યું કે એણે દુનિયા પાસેથી શું અને કેટલું લીધું? પણ હા, એટલા માટે જરૂર કરવામાં આવ્યું છે કે એણે દુનિયાને શું અને કેટલું આપ્યું?”

જો આપણી ઈચ્છા હોય કે લોકો આપણને યાદ રાખે અને બધાનાં હૃદયમાં આપણું સ્થાન હોય તો બીજા લોકો માટે આપણે ભોગ આપવા તત્પર થઇએ- સમયનો ભોગ, શક્તિનો ભોગ, નિઃસ્વાર્થ સેવાનો ભોગ અને આપણાં કાર્યોથી સમાજને મદદરૂપ થવામાં ભોગ આપીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)